હોકીના દંતકથાસમાન ખેલાડી સંદીપ સિંહ પર આધારિત ‘સૂરમા’

હોકીના દંતકથાસમાન ખેલાડી સંદીપ સિંહ પર આધારિત ફિલ્મ સૂરમામાં સંદીપ સિંહની ભૂમિકા દિલદિત દોસાંઝે અદા કરી છે. ફિલ્મમાં તાપસી પન્નુ અને અંગદ બેદી પણ છે. ચાહકોએ આ ફિલ્મને ઘણો આવકાર આપ્યો છે. ફિલ્મ રિલીઝ થતાં અગાઉ સૂરમાના નિર્માતાઓએ મુંબઈમાં સ્પેશિયલ સ્ક્રીંનિંગ રાખ્યું હતું. સ્ક્રીનિંગમાં બોલીવુડના જાણીતા ચહેરા હાજર રહ્યા હતા અને ફિલ્મને વખાણી હતી. સંદીપ સિંહના જીવનને ઓળખનારાઓ ઘણા બધા છે, પરંતુ દર્શકોએ પણ આ ફિલ્મની પ્રશંસા કરી છે.


ફિલ્મ નિહાળ્યા પછી સોશિયલ મિડિયા પર વારાફરતી ટ્વિટ આવતી રહે છે, જેનાથી સાબિત થાય છે કે આ ફિલ્મ બોક્સઓફિસ પર ધીમી ગતિએ, પણ મક્કતાથી આગેકૂચ કરી રહી છે. આ ફિલ્મે પહેલા જ દિવસે પાંચ કરોડની આસપાસની કમાણી કરી છે. દિલજિત દોસાંઝની ફેન ફોલોઇંગ ક્લબ પંજાબ અને ઉત્તર ભારતમાં વધુ હોવાના કારણે આ વિસ્તારોમાં આ ફિલ્મ સારી કમાણી કરશે એમ માનવામાં આવે છે. ફિલ્મ નિહાળ્યા પછી સચીન તેુંડલકર, શબાના આઝમી, કરણ જોહર, ડાયના પેન્ટી જેવા કલાકારોએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા. સચીને કહ્યું કે આ ફિલ્મ શાનદાર અને પ્રેરણાદાયક છે. આપણે બધાએ હોકી નિહાળી છે, પરંતુ સંદીપ સાથે આવું પણ થયું હતું, જેનો મને ખરેખર ખ્યાલ નહોતો. આ અદ્ભુત વાર્તાને નિહાળવી જોઈએ. આ ફિલ્મ ક્યારેય હાર ન માનવી જોઈએ તે પ્રકારનો અભિગમ દર્શાવે છે અને આપણને આપણા પગ પર ઊભા રહેવાનું શીખવાડે છે. ફિલ્મનું ડિરેક્શન શાદ અલીએ કર્યું છે. આ ફિલ્મમાં અંગદ બેદી સંદીપ સિંહના મોટા ભાઈ વિક્રમજિત સિંહની ભૂમિકામાં નજરે પડે છે. હરપ્રીતની ભૂમિકામાં તાપસી પન્નુ સંદીપ સિંહની પ્રેમિકા તરીકે છે, જે હોકી રમવા માટે તેને પ્રેરણા આપે છે.