હૃદય સિવાયની નળીઓનાં બ્લોકેજ પર યોજાયો પરિસંવાદ NEW 2020

 

અમદાવાદઃ અમદાવાદસ્થિત વિશ્વ વિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ ડો. સમીર દાણી દ્વારા શહેરમાં ૧૨મો આંતરરાષ્ટ્રીય NEW 2020  પરિસંવાદ યોજાયો હતો. જેમાં ભારતનાં અનેક અગ્રણી કાર્ડિયોલોજીસ્ટ, વાસ્ક્યુલર સર્જન અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ જોડાયા હતાં. જેમાં આ અંગેનાં ગંભીર કેસો પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. ડો. સમીર દાણી છેલ્લાં ૧૨ વર્ષથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે (નેશનલ એન્ડોવાસ્ક્યુલર વર્કશોપ (NEW)નું આયોજન સફળતાપૂર્વક કરે છે. આ પરિસંવાદમાં ભારત સહિત વિશ્વનાં અનેક તબીબો જાડાય છે.

આ વર્ષે બીજી ઓક્ટોબરથી ચાર દિવસ સુધી ચાલેલા વર્ચ્યુઅલ વર્કશોપમાં ભારતનાં અનેક તબીબો સાથે મોરોક્કોનાં તબીબે પણ ભાગ લીધો હતો. આ પરિસંવાદમાં ૫૩ જેટલા હૃદય સિવાયનાં બ્લોકેજને લગતાં કેસોનો ઝીણવટપૂર્વક અભ્યાસ અને ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આ પરિસંવાદનો મુખ્ય હેતુ હૃદય સિવાયનાં બ્લોકેજ અંગે કાર્યરત તબીબોનાં અનુભવ અને જ્ઞાનને એકબીજા સાથે યોગદાન થાય એ રહ્યો છે.NEW 2020માં ભારતનાં નામાંકિત તબીબો ડો. વરીન્દર બેદી, ડો. અજય યાદવ, ડો. દેવેન્દર ચઢ્ઢા, ડો. જ્યોર્જ જોસેફ, ડો. આર. શેખર, ડો. ગીરીશ વરવડેકર સહિત અનેક અગ્રણી તબીબો જોડાયા હતાં. આ પરિસંવાદનું સફળ સંચાલન મેડિકલ ઇવેન્ટ કન્સલ્ટન્ટ સંજીવ ધવને કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ડો. સમીર દાણી અમદાવાદમાં એપોલો CVHF સાથે સંકળાયેલા વિશ્વ વિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ છે.