
બે દિવસ માટે હૈદરાબાદના પ્રવાસે ગયેલા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીચ કરતી વેળાએ અનેક પ્રકારના જવાબો આપ્યાં હતા. તેમણે પોતાની વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે તેમજ ભારતીય જનતા પક્ષ અંગે ટીકા- ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું હિંદુત્વના કોઈ પણ પ્રકારમાં લગીરે વિશ્વાસ રાખતો નથી. ભલે તે નરમ હિંદુત્વ હોય, કે કટ્ટર હિંદુત્વ હોય. જેઓ ધર્મને સાંકળીને રાજકારણની વાતો કરે છે, તેઓ જ હિંદુત્વની વાત કરે છે. અમારો પક્ષ ધર્મની રાજનીતિ કરતો નથી. હિંદુ હોવું અને ધર્મને સાંકળીને રાજકારણ ખેલવું- એ બન્ને અલગ અલગ બાબતો છે. તેમણે કહ્યું હતું કે, મારી અને નરેન્દ્ર મોદીની વચ્ચે વૈચારિક મતભેદ છે, વ્યક્તિગત નહિ.
2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી સંદર્ભે બોલતાં તેમણે એવું અનુમાન પેશ કર્યું હતું કે, નરેન્દ્ર મોદી 2019માં વડાપ્રધાન બની શકશે નહિ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપને લોકસભાની આગામી ચૂંટણીમાં 230 જેટલી બેઠકો પણ નહિ મળે. બિહાર અને ઉત્તરપ્રદેશમાં ભાજપને ઘણી ઓછી બેઠકો મળશે.