હું મારાં માતા-પિતા જેવો ટેલેન્ટેડ નથીઃ અભિષેક બચ્ચન


ઘણા પ્રયાસો છતાં હું મારાં માતા-પિતા જેવો પ્રતિભાશાળી નથી અને મારી ગણના હું એ કક્ષાના કલાકારોમાં મેળવી શકતો નથી એમ અભિનેતા અભિષેક બચ્ચને કહ્યું હતું.
અમિતાભ બચ્ચન અને જયા ભાદુરી બન્ને કલાકારોની બોલીવુડમાં ધુરંધર કલાકારો તરીકે ગણના થાય છે. મેં ફિલ્મ કારકિર્દી શરૂ કરી ત્યારે સ્વાભાવિક હતું કે મારા કામની તુલના મારાં માતાપિતા સાથે પણ થાય. મારી સમીક્ષા થતી ત્યારે મને લાગી આવતું કે મારાં માતા-પિતા પર શી વીતતી હશે. અલબત્ત, મારે બીજા અમિતાભ બચ્ચન થવું નથી. હું એમની તુલનાએ જરાય કામિયાબ નથી એમ તમે કહી શકો. મારા પ્રયાસો હોય છે કે સારું કામ કરી બતાવું, પરંતુ હજી સુધી એમાં મને ધારી સફળતા મળી નથી.
અભિષેક બચ્ચને કહ્યું હતું કે મારાં માતાપિતાની જેમ હું સફળતાની સીડીની ટોચે પહોંચું એવા મારા પ્રયાસો ચાલુ છે. એ મંજિલ કયારે સિદ્ધ થશે એ હું કહી શકું નહિ. એ મારા હાથની વાત નથી. મારું કામ સતત મહેનત કરવાનુું છે.
અન્ય એક સવાલના જવાબમાં એણે કહ્યું કે હું ક્રિકેટર યુવરાજ સિંહની બાયો-ફિલ્મ કરતો નથી. હાલ એવી કોઈ યોજના જ નથી. આ અંગે વધુ માહિતી આપતાં એણે કહ્યું કે એક પત્રકાર પરિષદમાં મને પૂછવામાં આવ્યું હતું કે તમને કોઈ સ્પોર્ટમેનની બાયો-ફિલ્મ કરવાની તક મળે તો કોની કરશો ત્યારે મેં ક્રિકેટર યુવરાજ સિંહનું નામ આપ્યું હતું. ત્યારથી આ અફવા વહેતી થઈ કે હું યુવરાજ સિંહની બાયો-ફિલ્મ કરવાનો છું. વાસ્તવમાં કોઈ ફિલ્મસર્જકની એવી યોજના નથી અને મને સાઇન કરવામાં આવ્યો નથી.