હું ભારત જવા ઉત્સુક છુંઃ મોદી સજ્જન માણસ છે, મારા મિત્ર છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

 

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરીના અંતમાં પોતાની ભારતની મુલાકાતને લઈને ભારે ઉત્સુકતા જાહેર કરી છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતાં તેમને એક સજ્જન વ્યક્તિ અને એક સારા મિત્ર ગણાવ્યા છે. 

ટ્રમ્પે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા પોતાના કાર્યક્રમને લઈને પણ ખુશી વ્યક્ત કરી છે. તેમણે વડા પ્રધાન મોદીના વખાણ કરતાં કહ્યું હતું કે તેઓ સજ્જન વ્યક્તિ છે અને મારા સારા મિત્ર છે. ટ્રમ્પે પોતાના કાર્યક્રમને લઈને ખુશી પણ જાહેર કરી છે. વ્હાઇટ હાઉસ દ્વારા સત્તાવાર મુલાકાતની પુષ્ટિ કરાયા બાદ ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે હું ભારત જવા ઉત્સુક છું. એક સવાલના જવાબમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતાં કહ્યું હતું કે મોદી મારા સારા મિત્ર છે અને એક સારા તથા સજજન માણસ પણ છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મેં આ સપ્તાહના અંતમાં મોદી સાથે વાત કરી હતી અને વાતચીત દરમિયાન તેમણે મને જણાવ્યું હતું કે એરપોર્ટથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમ સુધી લાખો લોકો તમારું સ્વાગત કરશે. અત્રે નોંધનીય છે કે ૨૪ અને ૨૫મી ફેબ્રુઆરીના રોજ ટ્રમ્પ ભારત આવી રહ્યા છે અને તેઓ દિલ્હી અને અમદાવાદની મુલાકાત લેશે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં તેઓ ‘હ્યુસ્ટનના હાઉડી મોદી’ જેવા એક ઇવેન્ટને સંબોધન કરશે અને ભારતીય-અમેરિકી લોકો સાથે સંવાદ પણ કરશે. 

ટ્રમ્પની ભારતયાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે વ્યાપારિક અને સંરક્ષણ સોદાને અંતિમ ઓપ આપવામાં આવે એવી શક્યતા છે.  તેમણે કહ્યું હતું કે ભારતપ્રવાસ પહેલાં ત્યાં જવાની મારી આતુરતા વધી ગઈ છે. ટ્રમ્પની મોદી સાથે ચારથી પાંચ વખત અલગ અલગ મુલાકાત થશે. અમદાવાદમાં ‘કેમ છો ટ્રમ્પ’ નામનો ખાસ કાર્યક્રમ યોજાશે, જેમાં ટ્રમ્પનાં પત્ની મલેનિયા ટ્રમ્પ પણ ઉપસ્થિત રહેશે. ટ્રમ્પની ભારતની મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ સુદઢ બનશે. અમદાવાદમાં ટ્રમ્પને આવકારવાની જોરશોરથી તૈયારી થઈ રહી છે.