હું પણ કોરોના વોરિયર્સઃ વિજય રૂપાણી

 

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાઇરસના સંક્રમણ સામેની સીધી લડાઈમાં રાજ્યના નાગરિકોને કોરોના વોરિયર્સની ભૂમિકા નિભાવવાનું આહ્વાન કર્યું છે. ૨૧થી ૨૭ મે સુધી હું પણ કોરોના વોરિયર્સ અભિયાન ચાલશે. તેમણે પ્રજાજનો સાથે સોશિયલ મીડિયા ફેસબુક માધ્યમથી સંવાદ સાધતાં જણાવ્યું કે, બે મહિનાના લોકડાઉન પછી શરતો અને નિયમોને આધીન આ ચોથા તબક્કાના લોકડાઉનમાં છૂટછાટો આપવામાં આવી છે. જો કોઈ ભૂલ થઈ તો આફત આવી શકે છે એટલે હવે પછી આપણે કોરોના સાથે, કોરોના સામે જીવતા શીખવું પડશે. તેમણે કોરોના સામેના આ લાંબા યુદ્ધ માટે ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનની જાહેરાત કરી છે. એક સપ્તાહનું આ અભિયાન તા. ૨૧થી ૨૭ મે સુધી ચાલશે અને ત્યારબાદ આ અભિયાન દરમ્યાન લીધેલા સંકલ્પને સૌ કાયમ ધ્યાનમાં રાખે તેવી અપીલ તેમણે કરી છે. આ અભિયાનનો મુખ્યમંત્રી ગુરુવારે સવારે ૧૧ કલાકે રાજ્યવ્યાપી પ્રારંભ વીડિયો કોન્ફરન્સથી કરાવશે. આ પ્રારંભ વેળાએ પૂ. મોરારિબાપુ, રમેશભાઈ ઓઝા, ગુણવંત શાહ, જય વસાવડા સહિતના સમાજ અગ્રણી, મહિલા અને યુવા અગ્રણીઓ પણ વિવિધ ૩૩ સ્થળોએથી જોડાશે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે ત્રણ સંકલ્પો ‘હું પણ કોરોના વોરિયર’ અન્વયે લેવાની અપીલ કરી છે તેમાં (૧) પરિવારના વડીલો અને બાળકો ઘરમાં જ રહે તેનું ખાસ ધ્યાન રાખવા (૨) માસ્ક પહેર્યા વગર અને કારણ વગર ઘરની બહાર ન નીકળવા તથા (૩) દો ગજ કી દૂરી રાખવા એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું અનુપાલન કરવા આગ્રહ કર્યો છે