હું, ડોક્ટરો અને નિદાન

થોડાં વરસ પહેલાં મેં મારી ભવ્ય માંદગીઓનું વર્ણન કરતો લેખ લખ્યો હતો. એ લેખમાં મેં લખ્યું હતું કે વર્ષો સુધી મને પગનો દુખાવો રહ્યો; શેને કારણે એ દુખાવો થતો હતો એનું નિદાન ડોક્ટરો-વૈદ્યો કરી શક્યા નહિ અને પછી એની મેળે જ દુખાવો મટી ગયો! આ વાંચીને જેમણે અનેક વાર મારો ઉપચાર કર્યો છે – મફતમાં ઉપચાર કર્યો છે – એવા મારા ડોક્ટર મિત્ર (કે મિત્ર ડોક્ટર) નારાજ થઈ ગયા. એમણે કહ્યું, ‘તમારો લેખ ડોક્ટરો-વૈદ્યોની બદનક્ષી કરનારો છે. આ જમાનામાં ડોક્ટરો નિદાન ન કરી શકે એવું બને જ નહિ. આ તો હું તમને જાણું છું એટલે મને ખબર છે કે તમે તમારા રોગનું વર્ણન બરાબર કરી શકતા નથી. તમે જ એક વાર મને કહ્યું હતું કે તમારી ઉપલી દાઢ દુખતી હતી ને તમે નીચલી દાઢ ખેંચાવવા ડોક્ટર પાસે ગયા હતા. આ તો સારું થયું કે દાંતના નિષ્ણાત ડોક્ટરે સાચું નિદાન કર્યું અને તમે કહ્યું તે નહિ, પણ તમારી જે ખરેખર દુખતી હતી એ જ દાઢ ખેંચી. કોઈ અણઘડ પાસે ગયા હોત તો બે દાઢ ખેંચાવવી પડત! તમને ટેમ્પરેચર માપતાં પણ આવડતું નથી એટલે એમ ન કહેવાય કે થરમોમિટર સાચું ટેમ્પરેચર બતાવતું નથી!’
ડોક્ટર મિત્રની નારાજગી અમુક અંશે ખરી છે. કોઈ પણ માંદગી વખતે ડોક્ટર ‘તમને શું શું થાય છે એવું પૂછે ત્યારે મને જે ખરેખર થતું હોય છે એ બધું હું ડોક્ટરને સરખી રીતે કહી શકતો નથી અથવા ડોક્ટરને મેં જે જે થતું હોવાનું કહ્યું હોય તે બધું ખરેખર મને થતું નહોતું એવો પછીથી મને ખ્યાલ આવે છે, પણ ડોક્ટરને ગૂંચવવા નહિ એવી ભાવનાથી હું સુધારેલું નિવેદન બહાર પાડતો નથી અને ડોક્ટર ઇચ્છે તે ઉપચારો કરવાની એમને અનુકૂળતા આપું છું. જોકે આનાથી મારા ખિસ્સામાંથી જેટલા પ્રમાણમાં પૈસાનો ઘટાડો થાય છે એટલા પ્રમાણમાં રોગમાં ઘટાડો થતો નથી. કેટલીક વાર મારાથી કંટાળીને રોગ જતો રહે છે. આવું બને છે ત્યારે ડોક્ટરોને એમ લાગે છે કે એમને કારણે રોગ જતો રહ્યો. ડોક્ટરનો આ ભ્રમ હું ભાંગતો નથી. એનાથી ડોક્ટરને અને મને બન્નેને સારું લાગે છે. આમેય આપણે ત્યાં એમ માનવામાં આવે છે કે રોગ ડોક્ટરને કારણે જતો રહે છે અને રોગી એના પોતાના નસીબને કારણે જતો રહે છે (કેટલાક કિસ્સાઓમાં વાત સાવ ઊલટસૂલટ હોય છે તો પણ.) પણ મૂળ વાત તો સાચી જ છે કે હું માંદો પડું ત્યારે મને થતી તકલીફોની (પૈસાની તકલીફ સિવાયની તકલીફોની) મને બહુ સમજ પડતી નથી. એટલે માંદો પડું છું ત્યારે માંદગીથી ગભરાઉં છું એના કરતાં ડોક્ટરના પ્રશ્નોથી વધારે ગભરાઈ જાઉં છું. ગંભીર માંદગી આવે ત્યારે મારી ગભરામણ પરાકાષ્ઠાએ પહોંચે છે.
આજથી પચીસ વર્ષ પહેલાં પહેલવહેલી વાર હૃદયની તકલીફ થઈ ત્યારે આવી પરાકાષ્ઠાવાળી મૂંઝવણ અનુભવેલી. (મારા એન્જોયગ્રાફી પુસ્તકમાં આ અંગે સવિસ્તર લખ્યું છે, અહીં માત્ર આચમન રૂપે.) એક રાત્રે મને છાતીમાં દુખવા આવ્યું. સવારે બને એટલો વહેલો મારા ફેમિલી ડોક્ટરને ઘેર પહોંચ્યો. મારા ગયા પછી ડોક્ટર જાગ્યા. ઊઠતાંવેંત એમને મારું મોઢું જોવાનું થયું એટલે એમનો દિવસ કેવો જશે એની મને થોડી ચિંતા થઈ. મેં ડોક્ટરને કહ્યું, સાહેબ! રાત્રે છાતીમાં બહુ દુખતું હતું. જોકે બહુ દુખતું હતું એમ કહેવાનું બહુ સાચું નહોતું, પણ વિશેષણનો ઉપયોગ કર્યા વગર કોઈ વાત કહેવાનું મને ફાવતું નથી. છાતીમાં દુખાવાની વાત સાંભળી ડોક્ટર થોડા ગંભીર બની ગયા.
એમણે કહ્યું, ચાલો, આપણે દવાખાને જઈએ.
દવાખાને પહોંચ્યા પછી ડોક્ટરે મને ટેબલ પર સુવડાવ્યો, અને ગંભીર મુખમદ્રા સાથે એમણે તપાસ આરંભી. પહેલાં મારું બ્લડપ્રેશર માપ્યું. પછી સ્ટેથોસ્કોપ મૂકી મારા હૃદયના ધબકારા ઝીલ્યા, પછી છાતીમાં જુદી જુદી જગ્યાએ દબાવ્યુંઃ અહીં દુખતું હતું? અહીં? કોઈ વાર મને લાગ્યું કે ડોક્ટર જ્યાં જ્યાં દબાવે છે ત્યાં ત્યાં દુખતું હતું તો કોઈ વાર એમ લાગતું કે એમાંની એક પણ જગ્યાએ દુખતું નહોતું! આ પરિસ્થિતિમાં કઈ જગ્યાએ દુખ્યું હતું ને કઈ જગ્યાએ નહોતું દુખ્યું એનો નિર્ણય કરવાનું મારે માટે ઘણું જ કઠિન હતું. ડોક્ટર બે-ત્રણ દિવસ મારી સાથે રહે અથવા મને એમની સાથે રાખે અને એ સમય દરિમયાન છાતીમાં ફરી દુખાવો ઊપડે તો ડોક્ટરને સાચા જવાબો આપવામાં ઘણી સરળતા રહે, પણ દવાની ચોવીસ કલાક ખુલ્લી રહેતી દુકાનો હોય છે, પણ દર્દી સાથે ચોવીસ કલાક રહેવા તૈયાર હોય એવા ડોક્ટરો હજી સુલભ નથી બન્યા. એટલે મારા જેવા માટે સાચું નિદાન કરાવવાની મુશ્કેલી કદાચ કાયમ રહેવાની, પણ એ વખતે તો ડોક્ટરની મહેનત સાવ ફોગટ ન જાય એ માટે મેં દુખાવા અંગેના પ્રશ્નોના જવાબમાં 2ઃ1ના પ્રમાણમાં હા અને ના પાડી હતી.
શહેરના પ્રસિદ્ધ આઇ સર્જન ડો. બકુલ ત્રિવેદી મારા પરમ મિત્ર છે. બન્ને આંખે મોતિયો આવ્યો ત્યારે તો ડોક્ટરે પોતે જ નિદાન કરેલું. એટલે મારે ઝાઝું વર્ણન કરવું પડ્યું નહોતું. આમ તો, હું કંઈક બીજી તકલીફ માટે ડોક્ટર પાસે ગયો હતો. એ વખતે મેં મજાક પણ કરી હતી કે મારી આંખો સહેજ દુખતી હોય એવું લાગે છે. શી તકલીફ છે તે તમારે મારી મદદ વગર શોધી કાઢવાનું છે.
ડોક્ટરે આંખો તપાસીને કહ્યું કે, કોઈ ખાસ તકલીફને કારણે આંખો દુખતી હોય એવું લાગતું નથી. હું ટીપાં લખી આપું તેનાથી મટી જશે, પણ તમે આવ્યા તે સારું કર્યું. તમારી બન્ને આંખે મોતિયો આવે છે. એક આંખમાં તો મોતિયો ઘણો આગળ વધી ગયો છે. બને એટલું જલદી ઓપરેશન કરાવી લો, પણ હા, મોતિયો આટલો વધારે છે તોય તમને ઝાંખું નથી દેખાતું એ જરા નવાઈ લાગે એવું છે.
સાહેબ, તમને નવાઈ લાગી એ જાણી મને નવાઈ નથી લાગી. લગભગ બધા ડોક્ટરોને મેં આવો અનુભવ કરાવ્યો છે ને કરાવતો રહીશ એવું લાગે છે. તમારી જેમ બધા મિત્રો છે એટલે ચલાવી લે છે. તમે આ કહ્યું પછી મને ખરેખર ઝાંખું ઝાંખું દેખાવા માંડ્યું છે, પણ અત્યાર સુધી ઝાંખું દેખાય છે એવું ક્યારેય લાગ્યું નહોતું.
મોતિયા જેવા રોગનું નિદાન ડોક્ટર મારી મદદ વગર કરી શક્યા એટલે હું – એટલે કે મારી આંખો સહેલાઈથી મોતિયામુક્ત થઈ શકી, પણ મારા નંબર ચેક કરાવવા દર વર્ષે જાઉં છું ત્યારે મારી અને ડોક્ટરની – ખાસ કરીને ડોક્ટરની ખરી કસોટી થાય છ.ે કોમ્પ્યુટરની મદદથી ચશ્માંના નંબર કાઢવામાં આવે છે એ મેં પહેલવહેલું જાણ્યું ત્યારે મને બહુ આનંદ થયેલો. હાશ, હવે આ કાચમાંથી વધુ સારું દેખાય છે કે તે કાચમાંથી તે કહેવું નહિ પડે, પણ કોમ્પ્યુટર પર ક્લિક કરો ને સ્ક્રીન પર ચશ્માંના નંબર દેખાશે, પણ મારી મુશ્કેલી દૂર થાય તેવું કોમ્પ્યુટર હજી શોધાયું લાગતું નથી. અને કોમ્પ્યુટરમાં રોજ નવી નવી શોધો થયા કરે એટલે મને આશા છે કે એવું કોમ્પ્યુટર ક્યારેક તો શોધાશે કે રોગોની એપ્લિકેશનમાં દર્દીનું નામ ટાઇપ કરી, સર્ચમાં રોગ વિશે પૂછીએ કે તરત જ પહેલાંના નાડીવૈદ્યો જેમ નાડી જોઈ દર્દીના શરીરમાં જેટલા રોગ હોય તેટલા કહી દેતા તેમ કોમ્પ્યુટરની કળ દબાવો ને દર્દીના શરીરમાં જે જે રોગ હોય તેનું નિદાન સ્ક્રીન પર વાંચી શકાશે. આવાં કોમ્પ્યુટરો પર ચશ્માંના નંબર તો દરેક વ્યક્તિ જાતે શોધી શકશે એ સમજાય તેવું છે.
આવું કોમ્પ્યુટર મારી હયાતીમાં શોધાય અને હું એની મદદથી મારા નંબર જાણી શકું એવી શક્યતા મારી ઉંમર જોતાં લાગતી નથી, પણ મારા સમાનધર્મા અનેક જીવાત્માઓ આ પૃથ્વીના રસપાટલે જન્મ લેતા રહેશે. એટલે એવા જીવાત્માઓનું કામ સરળ થઈ જશે, પણ અત્યારે તો કયા નંબરના કાચમાંથી વધારે ચોખ્ખું દેખાય છે એનો નિર્ણય મારે જાતે કરવો પડે છે. હું પોતે દર વર્ષે મારા નંબર ચેક કરાવવા જાઉં છું – બીતાં – બીતાં જાઉં છું. ડોક્ટર પ્રેમપૂર્વક આવકારીને મને એમની ભવ્ય ખુરશી પર સ્થાપિત કરે છે. પછી ડોક્ટર મારી આંખો ચેક કરે છે. આંખના ચેક-અપ માટે તો એમને મારી મદદની જરૂર પડતી નથી એટલે એ કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે, પછી વિવિધ પ્રકારના કાચ ગોઠવી મારા નંબરની ચકાસણી શરૂ થાય છે ત્યારે મારી ખરી કસોટી થાય છે. જે નંબરનાં ચશ્માં હોય, એ ચશ્માંમાંથી બરાબર દેખાતું પણ હોય, માત્ર નંબર ચેક કરાવવા જ ડોક્ટર પાસે ગયો હોઉં તો પણ ગરબડ તો થાય જ છે. એક વાર જે નંબરનાં ચશ્માં હતાં એ જ નંબરના કાચ ચડાવી ડોક્ટરે પૂછ્યું, જુઓ, બરાબર દેખાય છે?
સહેજ ઝાંખું દેખાતુ હોય એવું લાગે છે. મેં કહ્યું.
ઝાંખું દેખાતું હોય એવું લાગે છે કે ખરેખર ઝાંખું દેખાય છે?
લગભગ ખરેખર ઝાંખું દેખાય છે. લગભગ અને ખરેખર આ બે શબ્દો સાથે ન વપરાય એવું મેં આગલા દિવસે જ ભાષાશિક્ષણના વર્ગમાં શીખવ્યું હતું. આ નિયમનો મેં જ ભંગ કર્યો હતો એનો મને ખ્યાલ આવ્યો એટલે મેં મારું વિધાન સુધાર્યું.
ખરેખર ઝાંખું દેખાય છે.
પણ તમે જે નંબરનાં ચશ્માં પહેરો છો એ જ નંબરના કાચ છે. તમે પહેરો છો એ ચશ્માંમાંથી બરાબર દેખાય છે એમ તો તમે શરૂઆતમાં જ કહ્યું હતું.
એવું છે? તો તો મને લાગે છે કે બરાબર દેખાય છે. મેં કહ્યું ને ડોક્ટર હસી પડ્યા. કહે છે કે હાસ્ય રુદનનો હકારાત્મક વિકલ્પ છે ડોક્ટરે આ હકારાત્મક માર્ગ અપનાવ્યો.
આ પછી લગભગ દરેક વખતે ડોક્ટર અમુક નંબરના કાચ વારાફરતી મૂકી પૂછે, આગળના કાચમાંથી વધુ ચોખ્ખું દેખાતું હતું કે આ કાચમાંથી? પણ ડોક્ટર એક કાચ કાઢી બીજો કાચ મૂકે ત્યાં સુધીમાં આગળના કાચમાંથી કેવું દેખાતું હતું એ હું ભૂલી ગયો હોઉં!
‘તમે આગળ મૂક્યા હતા તે કાચ ફરી મૂકશો?’ બને એટલી નમ્રતાથી હું કહું. ડોક્ટર ઘણા ભલા છે, વળી મિત્ર છે એટલે સહેજે નારાજ થયા વગર ફરી કાચ મૂકે છે. પ્રભુસ્મરણ કરી જે સૂઝે તે કહી દઉં છું. છેવટે ટ્રાયલ એન્ડ એરરની પ્રોસેસ પૂરી થાય છે ને ડોક્ટર કાર્ડમાં ચશ્માંના નંબર લખી દે છે. આ રીતે દર વર્ષે મારું ગાડું ગબડતું રહે છે ને આ રીતે જ ગબડશે એમ મને જ નહિ ડોક્ટરને પણ ખાતરી છે. આમ છતાં, ડોક્ટર નિષ્ણાત હોવાને કારણે મારા જેવા ઢગુણી દર્દીની આંખ પણ સલામત રહી છે.
આમ છતાં, શોધાયેલા અને શોધવાના બાકી હોય તેવા તમામ રોગો ફીડ કરી શકાય ને ડોક્ટર દર્દીનાં આંગળાં મોબાઇલ-કોમ્પ્યુટર પર મુકાવે ને ક્લિક કરે કે તરત જ આંગળાંની છાપ પરથી એના હાલના અને ભવિષ્યમાં થનારા રોગોનું વર્ણન સ્ક્રીન પર આવે એવા મોબાઇલ-કોમ્પ્યુટરની શોધ આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. જે ઝડપે મોબાઇલ જી-નાં એક પછી એક પગથિયાં ચડતો જાય છે એ જોતાં આવો મોબાઇલ શોધાશે એમાં મને કોઈ શંકા નથી. આ કામ અમેરિકાને કરવા દઈ ભારત નાડીવિદ્યાનો વારસો જીવતો કરવાના પ્રયાસ કરી શકે. મોબાઇલ-નિદાન તો શ્રીમંતોને જ પોસાશે; અલબત્ત, મારા જેવા સુદામાવંશીને જીવતો રાખવા માટે તો નાડીવિદ્યા પુનર્જીવિત થાય તે અનિવાર્ય છે. ગુજરાતની એકમાત્ર આયુર્વેદ-યુનિવર્સિટી આ અંગે કશુંક કરશે જ એવી મને આશા છે.

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘મોજમાં રે’વું રે!’માંથી સાભાર.
————