હું જાદુગર નથી કે ચપટી વગાડીને બધી સમસ્યાનો ઉકેલ લાવી શકું : ડીવાય ચંદ્રચુડ

નવી દિલ્હી: તેઓ કોઈ જાદુગર નથી, જે ચપટી વાગડીને આખા દેશની અદાલતોની બધી જ સમસ્યાઓનો ઉકેલ લાવી દે તેમ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે જણાવ્યું હતું. જોકે, તેમણે કહ્યું કે સીજેઆઈનો પદભાર સંભાળ્યા પછી તેમણે હકીકતમાં કોર્ટોની જૂની સમસ્યાઓના સમાધાનની પ્રક્રિયા શરૂ કરી છે. મુખ્ય ન્યાયાધીશ તરીકે ડીવાય ચંદ્રચૂડનો એક વર્ષનો કાર્યકાળ પૂરો થવાના પ્રસંગે તેમણે કહ્યું કે, જે દિવસે મેં ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા તે જ દિવસે મેં કોર્ટના સભ્યો, બાર અને ત્યાં સુધી કે અરજદારોને કહ્યું કે હું કોઈ જાદુગર નથી, જે કોર્ટ અથવા દેશની બધી જ સમસ્યાઓનો ઉકેલ એક ક્ષણમાં લાવી દે. સીજેઆઈએ કહ્યું કે, જોકે, કોર્ટોને પ્રભાવિત કરતી જૂની સમસ્યાઓના સમાધાન માટે જરૂરી પગલાં લેવાની મારી પાસે સ્પષ્ટ યોજના હતી. તેથી પહેલું કામ મેં બેન્ચના સહકર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરવી અને તેમનો દૃષ્ટિકોણ જાણવાનું કર્યું. મેં ન્યાયતંત્રને અસર કરતા મુદ્દાના ઉકેલ માટે એક કાર્ય યોજના બનાવવા માટે ન્યાયિક અધિકારીઓ, વિદ્વાનો અને સંશોધકોની એક ટીમ બનાવી. આ ચર્ચાઓથી કેટલાક મહત્વના મુદ્દા સામે આવ્યા હતા. જેમ કે, ન્યાયતંત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો લાવવો, માત્ર ન્યાયાધીશો જ નહીં પરંતુ કોર્ટના કર્મચારીઓની ક્ષમતાઓને પણ મજબૂત કરવી અને કોર્ટમાં પેન્ડિંગ કેસો ઘટાડવા. આ સિવાય ન્યાયતંત્રમાં ટેક્નોલોજી અપનાવવી અને બંધારણીય બાબતોની સુનાવણી કરવા જેવા બે ક્ષેત્રોમાં ગતિ લાવવા અંગે હું વ્યક્તિગતરૂપે વિશ્વાસ રાખું છું. ન્યાયતંત્રની વાત કરીએ એક વર્ષમાં અંદાજે ૫૦,૦૦૦ કેસોનો ઉકેલ લવાયો છે, જે લગભગ એ જ સમયમાં દાખલ કરાયેલા કેસોની સંખ્યા જેટલા હતા. અમે પેન્ડિંગ કેસોમાં વધારો ના થાય તે બાબતની ખાતરી રાખી છે.