હું કદી ઊંચા સ્વરે બોલું નહિ! અવાજની તકલીફોથી બચવા માટેની મૂલ્યવાન ચાવીઓ

0
993

મૌન એ ‘મન’ની નિકટનો શબ્દ છે. ભાષા-શબ્દની દષ્ટિએ મૌનને જોઈએ તોય જેમાં ‘મન’ જેવી વિશાળ અને અતિ વિચિત્ર સામગ્રી સમાઈ શકે એ શબ્દ કેટલો અગડબંબ અને મહાકાય હશે એ સમજી શકાય એમ છે! આવી અદ્ભુત સામગ્રી હોવા છતાં પણ સાચા અર્થમાં એનો ઉપયોગ કેટલા કરે છે?! લગભગ નહિવત્. માઇક એક વાર હાથમાં આવે પછી મૂકવાનું કોને ગમે? મને બોલવા દો! મારું એમ કહેવું છે કે… મને સાંભળો… કે પછી બસ, મને જ સાંભળો…નાં નિરંતર નગારાં વગાડવાની ઘણાને અનહદ જરૂર પડતી હોય છે.
શાસ્ત્રોમાં કહ્યું છે કે જીવનની બધી તકલીફો બોલવા માત્રથી ઊભી થાય છે અને એનો એકમાત્ર ઉકેલ છે મૌન. મનને ઓગાળવાનું ઔષધ છે મૌન. અહીં સદ્ભાવનાથી રાખેલા સભર મૌનની જ વાત છે. અબોલા કરવા માટે ઓઢેલા ખોખલા મૌનની નહિ!
મૌન કોઈને નીચા દેખાડવા માટે નહિ, પણ આંતરિક પ્રશ્નોના ઉકેલી પોતાની જાતને ઉપર ઉઠાવવા માટે હોય છે!
જોકે આજે જે વિષયલક્ષી મૌનની વાત કરવાની છે એ વોઇસ રેસ્ટના સંદર્ભમાં છે. રોજબરોજની આપણી દિનચર્યા દરમિયાન આપણે આપણા અવાજને કેટલો રંજાડીએ છીએ એની આપણને જરાય કલ્પના નથી હોતી. જે વાત એક વાક્યમાં કહી શકાય એને પાંચ વાક્યોમાં અલગ રીતે કહેવાની ઘણાને ટેવ હોય છે. ઘણા એક વાત ગુજરાતીમાં કહી ફરીથી એ જ વાત અંગ્રેજીમાં કહે છે અને કોક દરેક વાક્યની આગળ કે પાછળ પોતાનો તકિયા કલામ અચૂક લગાડતા હોય. વળી ઘણી બહેનો બોલે મંદ્ર-સપ્તકમાં અને ગાય લતાના તાર-સપ્તકમાં! કોઈકને પોતાનો અવાજ દાબીને બોલવા-ગાવાની આદત હોય છે. પચાસ વર્ષે પણ કોઈ કન્યાનો અવાજ સોળ વરસની કન્યા જેવો જુવાન હોય. પછી ફોન ઉપર એવો અવાજ સાંભળો તો કોઈને બેટા કહેવાનું જ મન થાય ને!
ક્યારેક ત્રાસી જઈ અવાજ બચાવો આંદોલનના વિચારો આવતા હોય, જ્યારે કોઈ એક નાનકડી વાત કહેવા ત્રણસો વાક્યોનો કરપીણ પ્રહાર કરે . અમુક તો ઘરમાં એવી રીતે વાત કરે જાણે પોતે સ્ટેજ ઉપરથી કોઈ નાટક કે ફિલ્મનો ભારેખમ ડાયલોગ બોલતા હોય અને અમુક તો સાદી વાતો કરે તો એમ લાગે કે મોટો ઝઘડો ચાલી રહ્યો છે! કોઈક ગમતી વ્યક્તિ કે પ્રેમિકા બોલે તો એમ લાગે કે પારિજાતનાં ફૂલ ખરતાં હોય. આમ દરેકની બોલવાની ક્ષમતા, માત્રા અને શૈલી ભિન્ન હોય છે. અવાજના અતિ-ઉપયોગ કે ઓવર યુસેજને કારણે કંઠને લગતા ઢગલાબંધ રોગો કે તકલીફો ઊભી થાય છે. મ્યુકોઝલ ડિસઓર્ડર્સ, જેમ કે વોકલ નોડ્યુલ્ઝ, વોકલ પોલીપ્સ, સિસ્ટ, કોન્ટેક્ટ અલ્સર, વોકલ-કોર્ડસ પેરેસીસ, વોઇસ પેરાલિસિસ (યુની/બાઅલેટરલ), ટ્યુમર અને લેરિન્જિયલ કેન્સર જેવી અનેક બીમારીઓનો સામનો આ અતિશય બોલવાને કારણે કરવો પડે છે. આમાંના મોટા ભાગના રોગોનું સમયસર નિદાન થાય તો એનો ઉપચાર અને નિવારણ શક્ય છે. આંકડાઓ આશ્ચર્યમાં મૂકે એવા છે. દસમાંથી પાંચને ઉપરોક્ત તકલીફો હોય છે.
આ તકલીફોનાં મુખ્ય ઉપરોક્ત કારણો ઉપરાંત કટાણે આરોગવું, તીખા કે તેલવાળા પદાર્થો અને ઇન્સોમ્નિયાથી થતું એસિડ રિફ્્લેક્સ, સાઇકોલોજિકલ ટ્રોમા અને ન્યુરો-મસ્ક્યુલર રોગ પણ આમાં મોટો ભાગ ભજવે છે.
અવાજની તકલીફ છે એવું ખબર કઈ રીતે પડી શકે?
તમારો અવાજ અચાનક ખરબચડો, ઘેરો અને ઊંડો બને, ગળામાં બોલતી/ગાતી વખતે દુખાવો થાય અને ખૂબ થાક લાગે, વારંવાર ખોંખારો ખાવો પડે, ગળામાં ભાર વર્તાય, ઉંચા સ્વરો લગાડવાનું મુશ્કેલ થઈ જાય અને તમારો અવાજ તમને તમારો ન લા ગે
ત્યારે વિનાવિલંબે ઈએનટી, ઓટોલેરિંગલોજિસ્ટ, વોઇસ-થેરપિસ્ટ કે સ્પીચ થેરપિસ્ટનો સંપર્ક સાધવો જોઈએ. આ બધામાંથી પસાર થવા કરતાં જો અવાજની સાચવણી માટે આપણી લાજ્ફસ્ટાજ્લમાં જ જરૂરી ફેરફારો કરીએ તો અવાજ ક્યારેય દગો નહિ દે.
ચલતે ચલતેઃ
તમારો અવાજ એ તમારા હસ્તાક્ષર છે. જેમ ગમે ત્યાં આપણે હસ્તાક્ષર નથી કરતા હોતા એમ અવાજને પણ જ્યાં ત્યાં વેડફો નહિ. અવાજ સોનું છે. એને જરૂર હોય ત્યારે જ અને તેટલું જ વાપરો. જોબને તો ઇશારાથી કામ ચલાવો.
જરૂરતથી વધુ બોલવામાં મજા નથી. સામેની વ્યક્તિ જ્યારે સંપૂર્ણ રીતે તમને સાંભળવા તૈયાર હોય ત્યારે જ વદો. કારણ કે એમને જેટલું અને જે સાંભળવું હશે એટલુંજ સાંભળશે અને બાકીનું બીજા કાનેથી બહાર!
ઓછું, ધીમેકથી અને એવું બોલો કે લોકોને કાન સરવા કરી નજદીક આવી સાંભળ્યે જ છૂટકો! કવિ રાજેન્દ્ર શુક્લ કહે છે ઃ
હું કદી ઊંચા સ્વરે બોલું નહિ,
એકદમ નજદીક આવે તો કહું!

લેખક મુંબઈસ્થિત જાણીતા સંગીતજ્ઞ છે.