નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ તેમજ કાશ્મીરમાં બુધવારે ‘આભેથી આફત’ વરસી હતી. બંને પ્રદેશોમાં વાદળ ફાટતાં પૂરપ્રકોપમાં કમસેકમ ૧૬ લોકોનાં મોત થયા હતા. મોટી સંખ્યામાં લોકો બેઘર બન્યા હતા. અને પાકનો સોથ વળી ગયો હતો. કુદરતના કોપથી ચોમેર જળબંબાકારથી સામાન્ય જનજીવન પાયમાલ, પરેશાન થઇ ગયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે પૂરપીડિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત-બચાવ અભિયાનના નિર્દેશ આપ્યા હતા. કાશ્મીરના કિશ્તવાર જિલ્લામાં પૂરના ધસમસતા પ્રવાહમાં તણાતાં સાત જણે જીવ ખોયા હતા. તો હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતી, કુલ્લુ, કિન્નોર સહિતના ભાગોમાં જળપ્રલયથી તબાહી વચ્ચે નવ લોકોનાં મોત થયા હતા.
બીજીતરફ, કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટતાં બીએસએફ અને સીઆરપીએફના કેમ્પ તબાહ થઇ ગયા હતા. બંને પ્રદેશોમાં ધસમસતા પૂરના પ્રવાહમાં કાચા મકાનો, વાહનો, મહાકાય જેસીબી સહિત તણાઇ જતાં લાખોનું નુકસાન થયું હતું. કિશ્તવાર જિલ્લામાં બુધવારે વહેલી સવારે સાડા ચાર વાગ્યે વાદળ ફાટતાં પૂરપ્રકોપમાં ૪૦ લોકો લાપતા થઈ ગયા હતા, જેમાંથી કમસેકમ ૭ જણનાં મોત થઈ ચૂક્યાં છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર પીડિતોને લગાતાર સહાય ઉપલબ્ધ કરાવવા નિર્દેશ આપ્યા હતા અને સૌની સુરક્ષાની પ્રાર્થના કરી હતી. કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે વાત કર્યા બાદ ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે સેના, એસડીઆરએફ, સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ અભિયાન જારી છે. હોમગાર્ડ, નાગરિક સંરક્ષણ અને એસડીઆરએફના પોલીસ મહાનિર્દેશક વી.કે. સિંહે જણાવ્યું હતું કે, વાદળ ફાટતાં પૂરપ્રકોપથી પરેશાન પરિવારોને ઘરો ખાલી કરાવી સલામત સ્થળોમાં લઈ જવાયા છે.
કાશ્મીરના પૂંચ, રાજૌરી, રિયાસી સહિતના સ્થળોએ વાદળોની ગર્જના સાથે વરસાદ થઈ રહ્યો છે. હજુ ૩૦મી તારીખ સુધી વરસાદ જારી રહેવાનો વાર્તારો છે. નદીઓમાં જળસ્તર વધી રહ્યાં છે. પહાડો, ભૂસ્ખલનની સંભાવનાવાળા ભાગોમાં નહીં જવા લોકોને અપીલ કરાઈ છે. બીજીતરફ, હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં પણ વાદળ ફાટતાં ભારે તબાહી મચી ગઈ છે. અનેક માર્ગો બંધ થતાં રાજ્યનાં સ્થળો વચ્ચે સંપર્ક કપાઈ ગયો છે. જનજીવન ભારે હેરાન-પરેશાન છે. હિમાચલના લાહૌલ-સ્પીતી, કુલ્લુ અને કિન્નોર જિલ્લાઓમાં વાદળ ફાટતાં બીઆરઓ, આઇટીબીપી, પોલીસ અને પ્રશાસનની ટીમોએ તાબડતોબ બચાવ-રાહત અભિયાન છેડયું હતું. હિમાચલની રાજધાની સિમલામાં પણ અનેક જગ્યાએ ભૂસ્ખલનના કારણે અનેક વાહનો ભેખડો નીચે કચડાઇ જઇને કૂચડો વળી ગયા હતા. અનેક માર્ગો બંધ થઇ ગયા હતા.