હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર: ભૂસ્ખલનમાં ૨૨ના મોત, ૫ લોકો ગુમ

 

હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, અચાનક પૂર અને વાદળ ફાટવાને કારણે તબાહી મચી છે. અવિરત વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. પૂર સંબંધિત ઘટનાઓ વિશે પૂછવા પર રાજ્ય આપત્તિ વિભાગના નિર્દેશક સુદેશ કુમાર મોક્તાએ જણાવ્યું કે એક જ પરિવારના ૮ સભ્યો સહિત ઓછામાં ઓછા ૨૨ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનામાં અન્ય પાંચ લોકો ગુમ છે. સમગ્ર દેશની વાત કરીએ તો વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા ૩૧ લોકોના મોત થયા છે. મૃતકોમાં ઉત્તરાખંડ અને ઓડિશામાં ૪-૪ અને ઝારખંડમાં એક સામેલ છે. વધુમાં તેમણે કહ્યું કે, સૌથી વધારે નુકસાન મંડી, કાંગડા અને ચંબા જિલ્લામાં થયું છે. 

સતત પડી રહેલા વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધી ૩૬ હવામાન વિભાગની ઘટનાઓ નોંધાઈ છે. તેમણે કહ્યું કે, મંડીમાં મનાલી-ચંદીગઢ નેશનલ હાઈવે અને શિમલા-ચંદીગઢ નેશનલ હાઈવે સહિત ૭૪૩ રસ્તાઓ બ્લોક થયા છે. ડેપ્યુટી કમિશનર અરિંદમ ચૌધરીએ કહ્યું કે, માત્ર મંડીમાં ભારે વરસાદના કારણે અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનમાં ૧૩ લોકોના મોત થયા હતા અને પાંચ ગુમ થયા છે. ગોહર વિકાસ ખંડના કાશાન ગામમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને પોલીસ દ્વારા ચાર કલાકના લાંબા સર્ચ ઓપરેશન પછી એક પરિવારના આઠ સભ્યોના મૃતદેહ તેમના ઘરના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. વાદળ ફાટ્યાં બાદ ઘણા પરિવારોએ બાગી અને જૂના કટોલા વિસ્તારો વચ્ચે તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશ્રય લીધો હતો.