હિમાચલ-કાશ્મીરમાં વાદળ ફાટ્યુંઃ યુપી અને રાજસ્થાનમાં વીજપ્રપાતથી ૪૦નાં મોત

 

નવી દિલ્હીઃ દેશના દક્ષિણ ભાગેથી પ્રવેશેલા અને પછી મંદ પડી ગયેલા નૈઋત્યના ચોમાસાંએ ફરી ગતિ પકડવાની સાથે અનેક જગ્યાએ આફતનું રૂપ ધરી લેતાં લોકોની પરેશાનીમાં વધારો થયો છે. સમગ્ર ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડયો હતો તો હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં વાદળ ફાટતાં ભારે તબાહી સર્જાઈ છે. રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના અનેક વિસ્તારોમાં એક-બે દિવસથી વરસાદ શરૂ થયો છે. રાજધાની દિલ્હીમાં હજુ વરસાદની રાહ જોવાઈ રહી છે જ્યારે મધ્યપ્રદેશમાં ૧૭ જુલાઈથી ભારે વરસાદનો એલર્ટ જારી કરવામાં આવ્યો છે. બિહારમાં પણ અનેક જિલ્લામાં વીજળી પડવાનો એલર્ટ જારી કરવામાં આવ્યો છે. યુપી અને રાજસ્થાનમાં વીજપ્રપાતથી ૪૦થી વધુ મોત નોંધાયાં હતાં. હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં વાદળ ફાટવાની ઘટના બનતાં ભારે તબાહી સર્જાઈ હતી. ભાગસૂમાં આજે વાદળ ફાટવાને પગલે અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જોતજોતામાં નદીમાં ઘોડાપૂરથી ધસમસતાં પાણીનો પ્રવાહ વિસ્તારમાં ફરી વળ્યો હતો. વાદળ ફાટવાને કારણે નાળા નજીકની હોટલોને પણ ભારે નુકસાન થયું હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. શિમલા સહિત અનેક જિલ્લામાં ગઈ રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. આ કારણે અનેક સ્થળોએ નદીમાં પૂર આવવાના અહેવાલો હતા. મંડી-પઠાણકોટ હાઈવે પર રાજોલમાં ગજ ખડ્ડ પર બનેલો પુલ ક્ષતિગ્રસ્ત બનતાં ત્યાં વાહનવ્યવહાર અવરોધાતાં લોકો પરેશાનીમાં મુકાયા હતા. 

જમ્મુ-કાશ્મીરમાં પણ વાદળ ફાટવાની ઘટના બની હતી. મધ્ય કાશ્મીરના ગંદરબાલમાં ગઈકાલે મોડી રાત્રે વાદળ ફાટતાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. અનેક દુકાનો અને માર્ગોને ક્ષતિ પહોંચી હતી. ઘટના બાદ જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે રાત્રિના જ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. દરમ્યાન, રાજસ્થાનમાં ચોમાસું સક્રિય થવાની સાથે ગઈકાલે જયપુરમાં તોફાની વરસાદે અનેક જગ્યાએ જળભરાવની સ્થિતિ સર્જી હતી. અહીં એક કલાકની અંદર આશરે સવા બે ઈંચ વરસાદ થયો હતો. વરસાદને કારણે એક તરફ લોકોને ભીષણ ગરમીથી તો રાહત સાંપડી હતી પરંતુ જળભરાવે પરેશાનીમાં વધારો કર્યો હતો. જયપુરમાં ભારે પવનને કારણે અનેક જગ્યાએ વીજળીના તાર તૂટી પડતાં અંધારપટ છવાયો હતો. બિહારમાં મોસમ વિભાગે રાજ્યના પૂર્વી અને પશ્ચિમી ચંપારણમાં ભારે વરસાદ અને વીજળીનો એલર્ટ આપ્યો છે. બિહારના અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના