હિન્દ મહાસાગરમાં અમેરિકાના સૌથી ઘાતક ‘બી-૨ બોમ્બર જેટ’ તૈનાત, કોઈ પણ ચાલાકી ચીનને હવે ભારે પડશે

Reuters

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દોસ્તી ચીનને ખુબ ભારે પડવાની છે. લદાખમાં ચીને જે નાપાક હરકત કરી છે, તેવી હવે કોઈ પણ હરકત જો તેણે કરી તો ચીનને આગળ પણ જડબાતોડ જવાબ મળશે. કારણ કે હિન્દ મહાસાગરમાં અમેરિકાના સૌથી ઘાતક વિમાન બી-૨ની પધરામણી થઈ ગઈ છે. જેની તૈનાતી માત્રથી ચીન ફફડી ઉઠ્યું છે. 

હિન્દ મહાસાગરમાં બી-૨ બોમ્બરની તૈનાતી એ જણાવવામાં માટે પૂરતી છે કે ભારત-અમેરિકા હવે સાથે મળીને ચીનને પાઠ ભણાવશે. આકાશમાં ઊડતા અમેરિકાના આ બ્રહ્માસ્ત્રની સૌથી મોટી ખુબી એ છે કે તેને દુશ્મનનું કોઈ પણ રડાર પકડી શકતું નથી. એટલે કે જ્યાં પણ જશે ત્યાં ધડાકો કરીને તબાહી મચાવીને આવશે. અમેરિકાના બે શક્તિશાળી સેનેટરોના સમૂહે ગુરુવારે સેનેટમાં એક પ્રસ્તાવ રજુ કરીને ભારત પ્રત્યે ચીનની આક્રમકતાની ટીકા કરી. ભારત વિરુદ્ધ ચીની આક્રમકતાનો હેતુ બંને દેશો વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખાની સ્થિતિ બદલવાનો હતો. 

સેનેટમાં બહુમતની પાર્ટી રિપબ્લિકનના વ્હિપ સેનેટર જ્હોન કોર્નિન અને ઈન્ટેલિજન્સ મામલાના સેનેટની પ્રવર સમિતિના રેન્કિંગ સભ્ય સેનેટર માર્ક વોર્નરનો આ પ્રસ્તાવ ચીન દ્વારા પૂર્વ લદાખમાં ચીની સેનાની ગતિવિધિઓ બાદ આવ્યો છે. અત્રે જણાવવાનું કે કોર્નિન અને વોર્નર સેનેટ ઈન્ડિયા કોક્સના સહ અધ્યક્ષ છે. સેનેટરે કહ્યું કે ‘હું ચીન વિરુદ્ધ અડીખમ રહેવાના અને હિન્દ-પ્રશાંત ક્ષેત્રને સ્વતંત્ર જાળવી રાખવાની ભારતની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરું છું. હંમેશાની સરખામણીમાં હવે એ વધુ જરૂરી છે કે આપણે આપણા ભારતીય ભાગીદારોને સાથ આપીએ કારણ કે તેઓ ચીની આક્રમકતા વિરુદ્ધ બચાવ કરી રહ્યાં છે.’