હિન્દુ-મુસ્લિમ જેવા સંવેદનશીલ મુદ્દા પર બનેલી ફિલ્મ મુલ્ક

નાચગાના-કોમેડી વગરની અને મનોરંજન વગરની ફિલ્મ મુલ્ક લખનૌમાં માર્ચ, 2017માં થયેલા સૈફુલ્લા એન્કાઉન્ટર પર આધારિત છે. આ મૂળ કોર્ટ-રૂમ ડ્રામા છે. વાર્તાના પાયામાં શાહીદ (પ્રતીક બબ્બર) દ્વારા ઇસ્લામના નામે એક બસમાં રાખવામાં આવેલા બોમ્બ ફાટવાથી 16 નાગરિકોનાં મોતનો કિસ્સો છે. પોલીસ એન્કાઉન્ટરમાં શાહીદનું મોત થાય છે અને મોબાઇલની દુકાન ચલાવતા તેના પિતા બિલાલ (મનોજ પાહવા) વિરુદ્ધ એવા તમામ સાક્ષી છે જે કહે છે કે તે અને તેના પરિવાર આ આતંકી ઘટનામાં સામેલ છે. બિલાલના મોટા ભાઇ મુરાદ અલી (રિશી કપૂર)ને પણ આરોપી બનાવવામાં આવે છે અને અહીંથી શરૂ થાય છે એ ચર્ચા કે શું દરેક મુસ્લિમ આતંકવાદને આશરો આપે છે?
સરકારી વકીલ તરીકે આશુતોષ રાણાના કેટલાય સવાલો સોશિયલ મિડિયા અને ટીવી ચેનલો પર ચાલતી ચર્ચાથી પ્રેરિત છે. પોતાના સસરાના હક માટે લડતી આરતી (તાપસી પન્નુ) ફિલ્મના બીજા ભાગમાં નજરે પડે છે. મુરાદની જેમ આરતી પણ વકીલ છે. મુરાદ કોર્ટમાં પોતાના આત્મસન્માનની લડાઈ લડે છે, જેનાથી હિન્દુ વહુ તેના પક્ષમાં ઊભેલી છે. અનુભવ સિંહાએ આકરા સવાલો અને ચર્ચાથી આગળ વધીને વાર્તાને રાષ્ટ્રીય એકતાના સંદેશા સાથે જોડી છે.
મુલ્ક ફિલ્મ રિશી કપૂર, તાપસી પન્નુ, મનોજ પાહવા, આશુતોષ રાણા, પ્રતીક બબ્બર, નીના ગુપ્તા, રજત કપૂરના પરફોર્મન્સના કારણે જોઈ શકાય. તેમની વચ્ચેની દલીલો અસરકારક છે. સંવાદો ખૂબ જ દમદાર છે.
મુલ્ક ફિલ્મ ક્લાઇમેક્સ દરમિયાન કહેવામાં આવેલા બે શબ્દો વો અને હમ ઉપર ચાલે છે. જજ કહે છે, જે દિવસે સંસદમાં પૂજા અને મંદિરમાં ભાષણ બંધ થઈ જશે તે દિવસે બધું બરાબર થઈ જશે અને જે દિવસે કોઈ તમારા ઘરે આવીને વો અને હમની વાત કરશે તો કેલેન્ડર જોઈ લેજો, ચૂંટણી નજીક આવતી હશે!
ડિરેક્ટર અનુભવ સિંહાએ ફિલ્મ બનાવતી વખતે ધ્યાન રાખ્યું છે કે હિન્દુ-મુસલમાન જેવા સંવેદનશીલ મુદ્દા પર બનેલી આ ફિલ્મના કારણે વિવાદ ઊભો ન થાય.