હિન્દુસ્તાની હોવાનું ગૌરવ અનુભવતા કવિતા અને સાહિત્યના રખવાળા આવા શાયર, રાષ્ટ્રનું ગૌરવ અને અમૂલ્ય સંપતિ છે.

0
555

મૈ મરજાઉં
તો મેરી એક અલગ પહેચાન લીખ દેના
લહુ સે મેરી પેશાની પે
હિન્દુસ્તાન લીખ દેના
હિન્દુસ્તાની હોવાનું ગૌરવ અનુભવતા કવિતા અને સાહિત્યના રખવાળા આવા શાયર, રાષ્ટ્રનું ગૌરવ અને અમૂલ્ય સંપતિ છે.
આવા સૌથી પ્રસિદ્ધ એવા ઉર્દુ શાયર અને બોલીવુડ ગીતકાર રાહત ઇન્દોરી 11 ઓગષ્ટના રોજ 70 વર્ષની વયે અલ્લાને પ્યારા થઇ ગયા. એમને રવિવાર 9 ઓગષ્ટના રોજ કોવિદ 19 માટે કોરોના પોઝિટિવ પરીક્ષણ બાદ શ્રી અરબિંદો હોસ્પિટલસ્થિત દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે પણ એમણે ટ્વીટ કર્યું હતું. શાખોં સે ટુટ જાયેં, વો પત્તે નહીં હૈ હમ, કોરોના સે કોઈ કહે દે કિ ઔકાતમેં રહે,
હોસ્પિટલના ડોકટર વિનોદ ભંડારીએ ટ્વીટ કર્યા મુજબ શ્રી રાહત ઇન્દોરી 60 ટકા ન્યુમોનિયાગ્રસ્ત હતા. 11 ઓગષ્ટે એમને હૃદયરોગના બે હુમલા આવ્યા, જેમાંથી એમને બચાવી ના શકાયા. આ સમાચાર પ્રસિદ્ધ થતાં જ તમામ સોશિયલ મીડિયા વિશ્વભરના એમના ચાહકોના શોક સંદેશ અને શ્રદ્ધાંજલિથી છલકાઈ ગયું. હા, 70 વર્ષના આ ઉર્દુ શાયરના ટ્વીટર પર ચાર લાખ ફોલોઅર્સ છે. એ લોકપ્રિય છે મુશાયરાઓમાં એમની જલદ રજૂઆત માટે, ઉર્દુ સાહિત્યની સેવા માટે, એમણે લખેલાં પુસ્તકો માટે, બોલીવુડ ફિલ્મો માટે એમણે લખેલાં ગીતો માટે અને કયારેક વિવાદસ્પદ રહેવા માટે.
આઝાદી પૂર્વેના મધ્યભારત અને વર્તમાન મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં પહેલી જાન્યુઆરી, 1950ના રોજ કાપડની મિલના મજૂર રફતુલ્લાહ કુરેશી અને મકબુલઉન્નીસા બેગમને ત્યાં એમના ચોથા સંતાન રાહત કુરેશીનો જન્મ થયો હતો. ઈન્દોરની નુતન સ્કુલમાં હાયર સેકન્ડરી સુધી અભ્યાસ કર્યો એ દરમ્યાન રાહતે રસ્તા પરના સાઈનબોર્ડ લખવાનું કામ પણ કર્યું, એમનું સુંદર લખાણ કોઈનું પણ દિલ જીતી લેતું. ઇસ્લામિયા કરીમીયા કોલેજથી 1973માં સ્નાતક થયા બાદ 1975 માં બરક્તુલ્લાહ યુનિવર્સિટીથી ઉર્દુ સાહિત્યમાં અનુસ્નાતક થયા. એમના પ્રથમ થીસીસ ઉર્દુમેં મુશાયરા માટે 1985માં ભોજ યુનિવર્સિટી મધ્યપ્રદેશે એમને પીએચ.ડી.ની પદવી એનાયત કરી.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે એક મુશાયરા દરમ્યાન એમની મુલાકાત મશહુર શાયર જાં નિસાર અખ્તર સાથે થઈ. કહેવાય છે કે, એમના ઓટોગ્રાફ લેતી વખતે રાહતે એમને પોતાની શાયર બનવાની તમન્ના જાહેર કરી. અખ્તર સાહેબે કહ્યું કે, પહેલા પાંચ હજાર શેર મુંહ-જબાની યાદ કર લે, તો ફિર અપની શાયરી ખુદ બ ખુદ લિખને લગોગે. રાહતે તરત જ જવાબ આપ્યો પાંચ હજાર શેર તો મને યાદ છે જ. અખ્તર સાહેબે કહ્યું. તો ફિર દેર કિસ બાત કી?
જો કે રાહતસાબ ફક્ત સાહિત્યના કવિતા-ગઝલના માણસ નહોતા. એમણે સ્કૂલ અને કોલેજના સ્તર પર ફૂટબોલ અને હોકીમાં પણ દાવ અજમાવ્યો હતો અને આ બંને ટીમોનાં તેઓ કેપ્ટન પણ રહી ચુક્યા હતા.
દેવી અહિલ્યા યુનિવર્સિટી ઇન્દોરસ્થિત ઉર્દુ સાહિત્યને થીયરી અને પ્રેક્ટીસ, કૌશલ્ય અને જ્ઞાનની સાથે વિશિષ્ટ રીતે ભણાવતી પેડાગોજી પદ્ધતિના શિક્ષક હતા. ઉર્દુના પ્રોફેસર અને ચિત્રકાર એવા આ શાયરે ચાર સાડાચાર દાયકામાં ભારતના લગભગ તમામ જિલ્લા અને વિશ્વના લગભગ તમામ દેશોમાં કવિ સંમેલન અને મુશાયરાના મંચથી માંડીને મેદનીથી ભરચક સ્ટેડિયમને એમની કવિતાઓથી સાહિત્યમય કર્યા છે. આ તમામ મુશાયરા અને કવિ સંમેલનો હવે સચિન, ધોની કે વિરાટ વગરની ક્રિકેટ ટીમની જેમ સૂનાં થઇ જશે જાણે કપિલ શર્મા શોની બંને સીઝન હોય કે સબ ટીવીનો વાહ વાહ ક્યા બાત હૈ જેવો શો હોય, રાહત ઇન્દોરી ટેલીવિઝન પર સતત આમંત્રિત કરાતા રહ્યા હોવાથી ભારતના ઘર ઘરનો જાણીતો ચહેરો બની ગયા હતા. હમણાં 2020માં વેલેન્ટાઈન વિક દરમિયાન વોટ્સેપ, ઈનસ્ટાગ્રામ વગેરે તમામ સોશિયલ મીડિયા પર આ રચના મેમે તરીકે વપરાતી હતી, એટલી વાયરલ થઈ હતી.
બુલાતી હૈ, મગર જાનેકા નહીં,
યે દુનિયા હૈ, ઇધર જાનેકા નહીં.
મેરે બેટે કિસીસે ઈશ્ક કર,
મગર હદ સે ગુજર જાનેકા નહીં
કુશાદા ઝર્ફ્ર હોના ચાહિયે,
છલક જાનેકા, ભર જાનેકા નહીં.
સિતારે નોંચ કર લે જાઉંગા,

મૈં ખાલી હાથ, ઘર જાનેકા નહીં.
વબા ફૈલી હુઈ હૈ હરતરફ,
અભી માહોલ મર જાનેકા નહીં.
વો ગર્દન નાપતા હૈ નાપ લે,
મગર જાલિમસે ડર જાનેકા નહીં.
(કુશાદા = ખૂલેલું, ખુલ્લું, ઝર્ફ્ર = પાત્ર, વાસણ, વબા =મહામારી / રોગચાળો )
રાહત સાહેબની શાયરીઓમાં દોસ્તી, પ્રેમ, સંબંધ વગેરે જીવનના દરેક દષ્ટિકોણ વિષે એમની કલમનો જાદુ જોવા મળે છે. જેટલી કડક શૈલી, ભાષા એટલી જ સરળ, આસાન. એક સામાન્ય હિન્દુસ્તાનીને ઊંડામાં ઊંડી ગંભીર વાત પણ એકદમ આસાન શબ્દોમાં સરળતાથી સમજાવવાનો દમ હતો.
રાહત ઇન્દોરીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની કલમનો જાદુ પાથર્યો છે. લગભગ 14 બોલીવુડ હિન્દી ફિલ્મોમાં ત્રેવીસેક જેટલાં ગીતો લખનાર રાહત ઇન્દોરીના સૌથી પ્રસિદ્ધ ગીતોમાં મુન્નાભાઈ એમ.બી.બી.એસ.ના એમ બોલે તો.., દેખ લે, આંખોમેં આંખે ડાલ દેખ લે… ફિલ્મ ‘કરીબ’નું ચોરી ચોરી જબ નજરે મિલી. ફિલ્મ ‘ઈશ્ક’નું દેખો દેખો જાનમ હમ, તેરે લિયે ક્યાં લાયે. અને નીંદ ચુરાયી મેરી, તુને ઓ સનમ, ફિલ્મ ‘ઘાતક’નું કોઈ જાયે તો લે આયે વગેરે હતાં. આ ઉપરાંત એમણે સર, મિશન કશ્મીર, ખુદ્દાર વગેરે ફિલ્મોના ગીતો લખ્યાં હતાં.
એમણે એક ફિલ્મ ‘દિલભર’માં અભિનયની ઝલક પણ આપી હતી. જે, જેલના એક દ્રશ્યમાં અભિનેતા રીશીકેશ રાજ જેલમાં છે ત્યારે કેદીઓમાંના એક કેદી રાહતજી છે જે ત્યાં પણ શાયરીઓ જ સંભળાવે છે.
ઇન્દોરના હિન્દી પ્રકાશક પ્રકાશ પુરોહિત કહે છે. એમની જીવંત રજૂઆત કરતાં, એમના લખાણમાં વધુ ઊંડાણ છે. સૌથી મોટા હિન્દી પબ્લિશર રાજકમલ પ્રકાશનના એડિટર સત્યાનંદ નિરૂપમના કહેવા મુજબ એમના પુસ્તકોનું વેચાણ પણ ખુબ થાય છે.
એમના પુસ્તકોમાં ઉર્દુ કવિતાની શકલ ફેરવી નાખનાર રુત, દો કદર ઔર સહી, મેરે બાદ, ધૂપ બહુત હૈ, ચાંદ પાગલ હૈ, મૌજુદ, નારાજ એમ છ પુસ્તકો છે.
રાહત ઇન્દોરીના સૌથી નજીકના મિત્ર અને એમનાથી પૂરા વીસ વર્ષ નાના હિન્દી કવિ કુમાર વિશ્વાસ એમણે પચીસ વર્ષોમાં રાહત ઇન્દોરીને ત્રણ તબક્કામાં વિસ્તરતા જોયા છે. ઉર્દુ શિક્ષણ, પ્રસિદ્ધ જીવંત પ્રસ્તૂતકર્તા અને ત્રીજા વિશ્વ પ્રસિદ્ધ શાયર-એ-આઝમ. કુમાર વિશ્વાસના જ આગ્રહને કારણે એમના પુત્ર ફૈઝલે પિતા રાહતનું ઓન-લાઈન વિસ્તરણ, બ્રાન્ડીંગ વગેરે સંભાળ્યું તો એમના બીજા પુત્ર સતલજે ઉંમરલાયક પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવા મુશાયરાઓમાં સાથે રહીને પત્રકારત્વની કારકિર્દી અજમાવી. વિશ્વાસ એમને મોજીલા સહ પ્રવાસી કહે છે. જે એમને ભૂતકાળમાં થઇ ગયેલા સાહિત્યકારોની દગાબાજીના ભરપુર કિસ્સાઓ સંભળાવતા.
કિસીકે બાપકા હિન્દુસ્તાન થોડી હૈ. કહેનાર રાહત ઇન્દોરીની પ્રસિદ્ધિનું એક કારણ માત્ર સ્થાપિત સત્તાધીશો જ નહીં પણ ઉર્દુ સાહિત્યના પણ સ્થાપિત હિતોના વિરોધી હોવાનું પણ છે. 2014માં ભાજપ સરકારના આવ્યા પછી છેલ્લાં પાંચ વર્ષમાં રાજકીય કટાક્ષ હિંમતભેર કર્યો. જે ક્યારેક ધાર્મિકતાને લઈને ઘણાને વધારે પડતું પણ લાગતું. અને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થતા. પણ એમને જાણનારા કહે છે કે, એમની સંવેદના સહેજ પણ ધાર્મિક નહોતી પણ સામાજિક ચિંતા હતી. એમનો ગુસ્સો અને વિશિષ્ટ અવાજ એમની ઓળખ હોવા છતાં, ગુસ્સામાંથી શૃંગાર રસમાં એ આસાનીથી સરી જતા. કુમાર વિશ્વાસ કહે છે એમની રજુઆતની વિશિષ્ટ શૈલી જ એમની ઓળખ હતી, જે કદાચ બીજા કોઈ કવિ માટે ના કહી શકાય. યુવાનોને આકર્ષવા અને પ્રસિદ્ધિ માટે સેક્સી અણસારો અને નાટ્યાત્મક રજૂઆત પણ વિવાદમાં હતી. પરંતુ એ બધું તો આવાં સામ્રાજ્યની સાથે આવતું જ હોય છે. અને પ્રક્ષ પુરોહિત કહે છે એમ, બધું બાજુએ મુકીને એમણે ઉર્દુને લોકો સુધી પહોંચાડી એ જ મોટું પ્રદાન છે. શ્રીવાસ્તવજી પણ કહે છે, એમના જેવી દર્શકોની ભીડ બીજા કોઈ ઉર્દુ શાયર માટે નથી થતી. સાહિત્ય જર્નલ સમસના સંપાદક અને લેખક શ્રી ઉદયન વાજપેયી કહે છે. ઉર્દુ પરંપરાએ જાતને પ્રશ્નો પૂછવા પર ભાર મુકવો જોઈએ, કારણકે વિશ્વનો સામનો કરતાં પહેલાં આત્મનિરીક્ષણ કરવાથી જ સમયથી પર કાર્યોની શરૂઆત થાય છે. જે રાહત ઇન્દોરીના પ્રદાનમાં જોવું મને ગમશે.
બળવાખોર, રાજકીય, ઉર્દુના સેવક, પ્રસિદ્ધિ ઝંખતા, હિંસાના વિરોધમાં હિંસક કલ્પનાઓ મુકનાર, બારીક અને સ્થૂળ સંવેદનાઓનું મિશ્રણ, ક્રાંતિકારી, પ્રતિભાવ આપનાર, માનવતાવાદી… એવા મર્હુમ રાહત ઇન્દોરીની રૂહને અલ્લાહતાલા શુકુન બક્ષે એ બંદગી સાથે શ્રદ્ધાંજલિ.
એમનું સપનું હતું ‘મુઝે અમન ઔર મહોબ્બતકા હિન્દુસ્તાન ચાહિયે.’ એ પૂરું કરવાના પ્રયત્ન રૂપે આપણા પોતાનાથી જેવું, જેટલું, જયારે, જે થાય એ કરીએ, એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે.