હિન્દુત્વવાદીઓને સત્તામાંથી હટાવો, હિન્દુઓને લાવોઃ રાહુલ ગાંધી

 

નવી દિલ્હીઃ મોંઘવારીના મુદ્દે મોદી સરકારને ઘેરવા માટે કોંગ્રેસે રવિવારે જયપુરમાં યોજેલી ‘મોંઘવારી હટાવો’ રેલીમાં સામેલ થયેલા રાહુલ ગાંધીએ ‘મોદીરાજ’ પર પ્રહાર કર્યા હતા. પૂર્વ કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, ભારતમાં બે શબ્દોની ટક્કર છે. એક હિન્દુ અને એક હિન્દુત્વ. હું હિન્દુ છું, પરંતુ હિન્દુત્વવાદી નથી. મહાત્મા ગાંધી હિન્દુ હતા, પણ ગોડસે હિન્દુત્વવાદી હતા. હિન્દુત્વવાદીઓને સત્તામાંથી હટાવી દો જેથી હિન્દુઓ ફરી દેશ ચલાવી શકે.

મોદી પણ હિન્દુત્વવાદી છે. તેમને માત્ર સત્તા જ જોઇએ છે. આખો દેશ ચાર-પાંચ ઉદ્યોગપતિઓના હાથમાં છે, તેવા પ્રહારો રાહુલે કર્યા હતા. હિન્દુત્વ અને હિન્દુ વિશેના નિવેદનોએ વિવાદ સર્જ્યાના થોડા અઠવાડિયા બાદ રાહુલે ફરી હિન્દુત્વ અને હિન્દુ શબ્દનો તફાવત બતાવ્યો હતો. કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે, હિન્દુત્વવાદીને સત્તા પરથી હટાવો. હિન્દુ સત્યને જ શોધે છે, જ્યારે હિન્દુત્વવાદીને માત્ર સત્તા શોધવામાં જ રસ હોય છે.

ભારત હિન્દુઓનો દેશ છે, હિન્દુત્વવાદીઓનો નહીં. આજે આ દેશમાં દુઃખ, દર્દ, મોંઘવારી છે, તો તે માત્ર હિન્દુત્વવાદીઓએ જ આપેલાં છે, તેવા પ્રહારો રાહુલે કર્યા હતા.આ રેલીમાં કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ પણ સરકાર અને ભાજપની નીતિ-રીતિ પર નિશાન સાધતાં એવો આક્ષેપ કર્યો હતો કે, મોદી સરકાર જનતા માટે નહીં, પરંતુ ગણ્યા-ગાંઠયા ઉદ્યોગપતિઓ માટે કામ કરી રહી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાને આખી દુનિયા ફરી લીધી, પરંતુ દિલ્હીમાં કિસાનોને મળવા માટે ન ગયા. આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનીયા ગાંધી તેમજ પક્ષના અન્ય નેતાઓ જોડાયા હતા.