હિન્દી ફિલ્મના તેજસ્વી અભિનેતા ઈરફાન ખાનનું મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દુખદ અવસાન : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત બોલીવુડના કલાકારોએ આપેલી  શ્રધ્ધાંજલિઃ 

0
1237

 

 

    નેશનલ ઓવોર્ડ વિજેતા પ્રતિભાસંપન્ન અભિનેતા ઈરફાન ખાનનું બુધવારે 29 એપ્રિલે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દુખદ અવસાન થયું હતું.તેઓ છેલ્લા એક સપ્તાહથી સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ હતા. તેમના માતા સઈદા ખાનનું ચાર દિવસ પહેલા જયપુરમાં નિધન થયું હતું. પરંતુ ઈરફાન ખાન માતાની અતિમ વિધિમાં હાજર રહી શક્યા નહોતા.તે સમયે એવું માનવામાં આવી રહ્યું હતું કે ઈરફાન ખાન દેશમાં હાજર ન હોવાથી તેઓ માતાની અતિમ વિધિમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. ત્યારબાદ આધારભૂત સમાચાર સૂત્રો દ્વારા ખરી હકીકત જાણવા મળી હતી. ઈરફાન ખાન કેન્સરના વ્યાધિથી પીડાતા હતા. તેમને બ્રેઈન ટયુમર હતું.જેના ઈલાજ માટે તેઓ 2018માં સારવાર માટે લંડન ગયા હતા. તેઓ  અનિવાર્ય ટ્રીટમેન્ટ લઈને ભારત પાછા ફર્યા હતા.                    ત્યારબાદ એમણે  ફરીથી ફિલ્મમાં અભિનય કરવાનું શરૂ કર્યું હતું. લોકડાઉન પહેલાં જ તેમની ફિલ્મ અંગ્રેજી મિડિયમ રિલિઝ થઈ હતી. જેમાં તેમની ભૂમિકાને દર્શકોએ ખૂબ વખાણી હતી. 

     ઈરફાન ખાન પ્રથમ પંકિતના ઉત્તમ કલાકારોમાં સ્થાન ધરાવતા હતા. ફિલ્મ પાન સિંહ તોમર માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે મકબુલ અને હૈદર ફિલ્મોમાં લાજવાબ અભિનય કર્યો હતો. તેમણે હોલીવુડની ફિલ્મોમાં ભૂમિકા  ભજવી હતી.   

તેમણે તેમની અભિનય કારકિર્દીની શરુઆત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી કરી હતી. તેઓ નવાબ ખાનદાન સાથે સંબંધ ધરાવતા હતા.તેમના પિતાની એવી ઈચ્છા હતી કે, તેમનો પુત્ર બિઝનેસ કરે, પણ ઈરફાનને માત્ર અભિનયમાં જ રસ હતો. તેમણે  ફિલ્મજગતમાં પ્રવેશ મેળવવા માટે સંઘર્ષ કર્યો હતો. માત્ર ચહેરાના અને આંખના હાવભાવ દ્વારા, સંવાદો કે શબ્દો વિના પણ તેઓ અફલાતૂન અભિવ્યકિત પેશ કરતા હતા. તેમનો અભિનય સહજ, ભાવવાહી અને સચોટ રહેતો. પોતાના પાત્રને આત્મસાત કરીને રૂપેરી પરદે રજૂ કરનારરા આ કલાકારની જીવનશૈલી પણ અતિ સરળ હતી. કોઈ પણ દંભ કે આડંબર વિના તેઓ એક કલાકાર તરીકે જીવ્યા હતા. તેમને ઉત્તમ અભિનય માટે 4 વાર ફિલ્મ- ફેયર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.તેમણે  કરેલા યોગદાન માટે તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, ઈરફાન ખાનના અવસાનથી ભારતીયફિલ્મ  -જગત અને રંગંમંચને ન પૂરાય એવી ખોટ પડી છે. અમિતાભ બચ્ચન, વિશાલ ભારદ્વાજ, અનુપમ  ખેર, શાહરુખ ખાન સહિત બોલીવુડના અનેક કલાકારોએ ભાવભરી અંજલિ આપી હતી.