હિંસા અને નફરતથી ભારત માતાને નુકસાનઃ રાહુલ ગાંધી

REUTERS

 

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધિત કાયદો (ઘ્ખ્ખ્)ને લઈને રાજધાની દિલ્હીમાં ભડકેલી હિંસા હવે શાંત થઈ છે. હિંસા પ્રભાવિત વિસ્તારમાં હવે રાહતકાર્ય ચાલી રહ્યું છે અને બીજીવાર જીવન પાટા પર પરત ફરે એના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે કોંગ્રેસ નેતાઓનું એક પ્રતિનિધિમંડળ અને રાહુલ ગાંધી દિલ્હીના હિંસાગ્રસ્ત વિસ્તાર નોર્થ-ઈસ્ટ દિલ્હીના બૃજપુરી વિસ્તારમાં પહોંચ્યા હતા. અહીં તેમણે એ શાળાનો પ્રવાસ કર્યો, જે હિંસા દરમિયાન આગચંપીનો શિકાર બની હતી. શાળાની બહાર આવીને તેમણે મીડિયાને કહ્યું હતું કે ‘આ શાળા છે. આ હિન્દુસ્તાનનું ભવિષ્ય છે, જેને નફરત અને હિંસાએ સળગાવ્યું છે. એનાથી કોઈને ફાયદો થયો નથી. હિંસા અને નફરત વિકાસના દુશ્મન છે. હિન્દુસ્તાનને વિભાજિત અને સળગાવવામાં આવી રહ્યું છે, એનાથી ભારત માતાને કોઈ ફાયદો નથી.’

તેમણે અપીલ કરતાં કહ્યું હતું કે બધાએ મળીને પ્રેમથી કામ કરવું પડશે. હિન્દુસ્તાનને જોડીને જ આગળ વધારી શકાય છે. વિશ્વમાં ભારતની જે છબી છે એને ઠેસ પહોંચી છે. ભાઈચારો અને એકતા આપણી તાકાત છે, એને સળગાવવામાં આવી છે. એનાથી હિન્દુસ્તાન અને ભારત માતાને નુકસાન થાય છે. 

કોંગ્રેસ પ્રતિનિધિમંડળમાં મુકુલ વાસનિક, કુમારી શૈલજા, અધીર રંજન ચૌધરી, કેસી વેણુગોપાલ, કે. સુરેશ, ગૌરવ ગોગોઈ, રણદીપ સૂરજેવાલા,  અને બ્રહ્મ મોહિન્દા સામેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૪ ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભડકેલી હિંસા ત્રણ દિવસ સુધી ચાલી રહી હતી. હોસ્પિટલો દ્વારા જારી આંકડા પ્રમાણે, દિલ્હી હિંસામાં અત્યારસુધી ૪૬ લોકોનાં મોત થયાં છે.