

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલમાં અમેરિકામાં અંદાજે એકવીસ હજારથી વધુ ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસી રહ્યા છે. અર્થાત્ જેમના વિઝાની સમય મર્યાદા સમાપ્ત થઈ ગઈ હોવા છતાં જેઓ અમેરિકા છોડીને ભારત પરત ગયા નથી, તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે એવું કહી શકાય. ઈન્ટરનલ સિક્યુરિટી વિભાગ દ્વારા ઉપરોક્ત માહિતી ઉપલબ્ધ થઈ હતી. નિયમો અનુસાર, અમેરિકામાં રહેવાના માટે જેટલા સમયના વિઝા મળ્યા હોય તે અવધિ પૂરી થાય તે પહેલાં વિદેશીઓએ પોતાના દેશમાં પાછાં જવું પડે છે. અમેરિકામાં ભારત સહિત અન્ય દેશોના નાગરિકો પણ ગેરકાનૂની વસવાટ કરી રહ્યા છે. આંતરિક સુરક્ષા મંત્ર્યાલય દ્વારા તાજેતરમાં પ્રકાશિત કરાયેલા વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ઓકટોબર 2016 થી સપ્ટેમ્બર 2017 સુધીમાં 701,900 પ્રવાસીઓ સમુદ્રમાર્ગે કે હવાઈ મુસાફરીથી અમેરિકાના પ્રવાસે આવ્યા હતા. તે વિઝાની સમય અવધિ પૂરી થઈ ગયા બાદ પણ અમેરિકામાં રોકાઈ ગયા હતા. અહેવાલમાં માહિતી આપવામાં આવી છે કે, 2017માં 127,435 ભારતીય વિદ્યાર્થીઓ એફ, જે અને એમ શ્રેણીની અંતર્ગત, સ્ટુડન્ય વિઝા પર અમેરિકાના પ્રવાસે આવ્યા હતા જેમાંથી 4,400 જેટલા વિદ્યાર્થી વિઝા પૂરા થઈ ગયા હોવા છતાં ભારત પરત ગયા નથી.