ન્યુ યોર્કઃ હાર્વર્ડ પિલગ્રિમની પેશન્ટ કેર એક્શન કમિટીમાં ડો. મંજુ શેઠની નિમણૂક કરવામાં આવી છે. લિનફિલ્ડમાં વસતાં અને લાહે હેલ્થમાં મહિલાઓના આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતાં બોર્ડ-સર્ટિફાઇડ ઇન્ટર્નિસ્ટ ડો. મંજુ શેઠનું નામ હાર્વર્ડ પિલગ્રિમની પેશન્ટ કેર એક્શન કમિટીમાં આપવામાં આવ્યું છે. આ કમિટી સમુદાયમાંથી આવતા સ્વતંત્ર ફિઝિશિયનોની બનેલી છે, જે ગુણવત્તાયુક્ત સારવારને લગતી બાબતો માટે હાર્વર્ડ પિલગ્રિમને સલાહ આપવામાં મદદરૂપ થાય છે.
હાર્વર્ડ પિલગ્રિમના ચીફ મેડિકલ ઓફિસર મિશેલ શેરમેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે ડો. મંજુ શેઠને તેમની ક્લિનિક કુશળતા દર્શાવવા માટે આવકાર આપીએ છીએ. અમારા તમામ સભ્યોની ગુણવત્તાયુક્ત સારવારની ખાતરી આપવા અમે તેમના દરેક માર્ગદર્શનને અનુસરીશું.
ડો. મંજુ શેઠ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ઓફ ન્યુ જર્સીમાં પ્રેસિડન્ટ છે. તેઓ હાલમાં ઇન્ડિયન વીમેન ફિઝિશિયન ફોરમનાં કો-ચેર તરીકે સેવા આપે છે. ઇન્ડિયા ન્યુ ઇંગ્લેન્ડ ન્યુઝ સાથે ડો. મંજુ શેઠે ન્યુ ઇંગ્લેન્ડ હેલ્થ એક્સ્પોની સ્થાપના કરી છે, જે નોર્થ અમેરિકામાં સૌથી વિશાળ સાઉથ એશિયન હેલ્થ એક્સ્પો ગણાય છે. આ હેલ્થ એક્સ્પોમાં મેડિકલ ટેક્નોલોજી, પરંપરાગત મેડિસિન અને હોલિસ્ટિક હેલ્થકેરમાં હેલ્થ-ન્યુટ્રિશન કુશળતા ધરાવતા તબીબો ભાગ લે છે.
તબીબી કારકિર્દી ઉપરાંત, ડો. મંજુ શેઠ મહિલા સશક્તીકરણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે સ્થાનિક ચેરિટી સંસ્થાઓ માટે ઘણું ભંડોળ એકઠું કર્યું છે, જેમાં ‘સહેલી’નો સમાવેશ થાય છે. ‘સહેલી’ બોસ્ટન એરિયામાં સાઉથ એશિયન ડોમેસ્ટિક વાયોલન્સના અસરગ્રસ્તોને સહાય પૂરી પાડે છે. તેમણે ઘણાં વર્ષો સુધી અક્ષયપાત્રમાં ફંડ રેઇઝિંગ કમિટીમાં સેવા આપી છે. તેઓ ઘરેલુ હિંસા સામે કાર્યરત એશિયન ટાસ્ક ફોર્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનાં પણ સભ્ય છે.
તેઓ ઇન્ડિયન અમેરિકન ફોરમ ફોર પોલિટિકલ એજ્યુકેશનનાં ટ્રસ્ટી છે જે સાઉથ એશિયનોમાં રાજકારણ પ્રત્યે અવેરનેસ ઊભી કરવામાં મદદરૂપ થાય છે. તેમના સામુદાયિક કાર્યના કારણે, તેમને સન 2011માં આઇએનઇ વુમન ઓફ ધ યર તેમ જ વાયડબ્લ્યુસીએ બોસ્ટન દ્વારા ‘150 પ્રતિભાશાળી મહિલાઓ’ તરીકે નવાજવામાં આવ્યાં હતાં.
ેતેમણે ફિઝિશિયન દીપક શેઠ સાથે લગ્ન કર્યાં છે. તેમની 20 વર્ષની પુત્રી શાલીન બોસ્ટન કોલેજમાં અભ્યાસ કરે છે.