
ભારતમાં ઉરી તેમજ મુંબઈના હુમલા સહિત અનેક હુમલાઓનું આયોજન કરનારા મુખ્ય સૂત્રધાર ( માસ્ટર માઈન્ડ) હાફિઝ સઈદને પાકિસ્તાનમાંથી પકડી લેવામાં આવ્યો હોવાનું આધારભૂત સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. હાલમાં હાફિઝને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. ટેરર ફંડિંગને મામલે પંજાબ પોલીસના આતંકવાદ વિરોધી વિભાગે તેની લાહોરમાંથી ધરપકડ કરી હતી. જોકે પાકિસ્તાનની આવી કાર્યવાહી પર ઝાઝો ભરોસો કરી શકાય એમ નથી. આવા નાટકો તો અગાઉ પણ પાકિસ્તાનના શાસકોએ કર્યા હતા. આર્થિકરૂપથી અતિ કંગાળ હાલતમાં રહેલું પાકિસ્તાન ફાયનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ દ્વારા બ્લેક લિસ્ટમાં મૂકાવાનો ભય છે. આથી પોતાને બચાવવાના પ્રયાસો તરીકે તે આવા ધરપકડના નાટક કરીને વિશ્વને દેખાડવા માગે છેકે, તે આતંકવાદની વિરુધ્ધ કાર્યવાહી કરી રહ્યું છે.