હાથરસના બુલગઢી ગામમાં એક દલિત યુવતી પર કથિત ગેન્ગ રેપ અને હત્યાના ચકચાર ભર્યા કેસમાં દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. ચીફ જસ્ટિસ એસ એ. બોબડેની બેન્ચે જણાવ્યું હતું કે, પહેલાં સીબીઆઈ પોતાની તપાસની કાર્યવાહી પૂરી કરી લે, ત્યારબાદ કેસને ટ્રાન્સ્ફર કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. ગત 15 ઓકટોબરે કરવામાં આવેલી કેસની સુનાવણી બાદ નામદાર અદાલતે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સીબીઆઈ એનો સ્ટેટસ રિપોર્ટ અલ્હાબાદ હાઈકોર્ટમાં પેશ કરશે. પીડિતાના પરિવાર અને સાક્ષીઓની સુરક્ષા પાસાઓની સહિત આ કેસ સાથે સંબંધિત તમામ પાસાઓની દેખરેખ અલ્હાબાદ કોર્ટ જ રાખશે.
યુપીની રાજ્ય સરકારે પીડિતાના પરિવારજનો અને સાક્ષીઓને ત્રણ સ્તરની સુરક્ષા પ્રદાન કરી છે. સાક્ષીઓ અને પીડિતાના ઘરોમાં સીસી ટીવી લગાવવામાં આવ્યા છે. ગલીના નાકે અને ઘરની બહાર પોલીસ પહેરો ભરી રહી છે. એ સિવાય રાજ્ય સરકારે સીઆર પીએની સુરક્ષાનો બંદોબસ્ત કરવાની પણ ખાત્રી આપી છે.
ગત 14 સપ્ટેમ્બરના હાથરસ જિલ્લાના બુલગઢી ગામમાં 4 જણાએ 19 વરસની એક દલિત યુવતી પર કથિત ગેન્ગ રેપનું હિચકારું કૃત્ય કર્યું હતું. આરોપીઓએ યુવતીની કરોડરજ્જુ તોડીનાખીહતી અને એની જીભ કાપી નાખી હતી. દિલ્હીમાં સારવાર દરમિયાન 29 સપ્ટેમ્બરે પીડિતાનું મૃત્યુ થયું હતું. આ મામલામાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. યુપીની યોગી સરકારે સીબીઆઈ તપાસની માગણી કરી હતી. 17 દિવસો દરમિયાન સીબીઆઈ પીડિતાના પરિવારજનો અને આરોપીઓના પરિવારજનોની પૂછપરછ કરી ચૂકી છે.