
તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટીના ઉપ- કુલપતિ પદ પર સનદી અધિકારી શ્રી હસમુખ અઢિયાની નિયુક્તિ કરવામાં આવી હોવાનું સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું. આ અગાઉ સાત દિવસ પહેલા જ તેમને બેન્ક ઓફ બરોડાના અધ્યક્ષ બનાવવવામાં આવ્યા હતા. હવે ગણતરીના દિવસો બાદ લોકસભાની ચૂંટણીની તારીખો અંગે ઘોષણા થવાની સંભાવના છે. ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ આચાર સંહિતા લાગુ થઈ જાય છે. ત્યાર બાદ સરકાર કોઈ પણ પ્રકારની નિમણુક કરી શકતી નથી. કોઈ પણ સરકારી યોજનાની જાહેરાત પણ કરી શકતી નથી. આથી ખૂબ જ સમજી -વિચારીને સમયાનુસાર આ પગલું ભરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. રાષ્ટ્રપતિ માનનીય રામનાથ કોવિંદજીએ પાંચ વરસ માટે અડિયાને આ પદ પર નીમ્યા હોવાનો અધ્યાદેશ જારી કર્યો હતો.
હસમુખ અઢિયા નરેન્દ્ર મોદીની ખૂબ જ નિકટ હોવાનું કહેવાય છે. તેઓ ગુજરાતની 1981ની કેડરના આઈએએસ અધિકારી છે. ગુજરાતમા મોદી જયારે મુખ્યપ્રધાન હતા તે સમયગાળામાં તેઓ મહેસૂલ સચિવ તરીકે કાર્યરત હતા. ત્યારબાદ તેમણે નાણાં મંત્રાલયના મુખ્ય સચિવ તરીકે નીમવામાં આવ્યા હતા. જીએસટી અને નોટબંધી લાગુ કરવાના નિર્ણય પાછળ અઢિયાની મહત્વની ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. હસમુખ અઢિયાનો જન્મ ગુજરાતના વાંકાનેરમાં થયો હતો. ગુજરાતના સરકારી વહીવટીતંત્રમાં તેમણે અનેક મહત્વના પદો પર કામગીરી બજાવી હતી. ભૂતકાળમાં ગુજરાત સરકાર દ્વારા પ્રધાનો તેમજ વહીવટીતંત્રના અધિકારીઓ માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચિંતન શિબિર, મંથન શિબિર ,સ્વાસ્થ્ય શિબિર વગેરેની શરૂઆત કરવામાં આવી હતી. આવી જ એક શિબિરમાં હસમુખ અઢિયાને ખૂબ જ એકાગ્રતાથી યોગ કરતાં જોઈને નરેન્દ્ર મોદી ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમણે અઢિયાને પોતાના યોગ મેન્ટર બનાવી દીધા હતા. હસમુખ અઢિયાએ બેંગલુરુ સ્થિત સ્વામી વિવેકાનંદ યોગ વિશ્વ વિદ્યાલયમાંથી યોગ પર પીએચડીની ડિગ્રી લીધી છે.