હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી- 7 ( સાત દેશનો સમૂહ – સંગઠન) ની બેઠકમાં હાજરી આપવા હવે બ્રિટન જશે નહિ…

 

    દેશમાં કોરોનાની મહામારીના  વિકરાળ સ્વરૂપે  કેન્દ્ર સરકારની કોરોના સાથે કામ પાર પાડવાની શક્તિ ને સૂઝ – બન્ને જોખમમાં મૂકાયા છે. કોરોનાની પ્રથમ લહેરમાં કોરોનાને ડામવા તેમજ જનતાની સલામતી અને જીવનની સુરક્ષા માટે વડાપ્રધાન મોદીએ જે પ્રકારના પગલાં લીધાં  તેની દુનિયાભરના નેતાઓએ પ્રશંસા કરી હતી. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને તો ખાસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પણ મોકલા્યું હતું. આમ છતાં કોરોનાની બીજી લહેરે દેશ અને દુનિયાની તાસીર, આખો માહોલ બદલી નાખ્યો હતો. બીજી લહેરમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓને જે પ્રકારની તકલીફો, દુખો ને અન્ય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો , ઓકસીજન સપ્લાયની કમીને કારણે અનેક નિર્દોષ વ્યક્તિના મોત થયા .આ બધું હવે દુનિયાભરમાં જાહેર થઈ ચૂકયું છે. વિશ્વભરના નેતાઓ મોદીની ટીકા કરી રહ્યા છે… ચીન સાથે અમેરિકા સહિત પશ્ચિમના દેશોના સંબંધોમાં તનાવ વધતો જાય છે. આ તનાવને કેન્દ્રમાં રાખીને વિચારીએ તો આ સાત- દેશોના સમૂહની બે્ઠક જી- 7નું એક આગવું મહત્વ  છે. – બ્રિટન, અમેરિકા , ભારત જેવા લોકતાંત્રિક દેશો એકસાથે મળીને એક નવા મંચની શરૂઆત કરી શકે એમ છે. ઉપરોક્ત બેઠકમાં ભારત, દક્ષિણ કોરિયા, તેમજ ઓસ્ટ્રેલિયાના પ્રમુખોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં વર્ચ્યુઅલી ભાગ લેશે. આગામી 11થી 13 જૂન સુધી   આ બેઠક (જી-7) બ્રિટનના કાર્નવેલમાં યોજાઈ રહી છે. 

 ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બ્રિટિશ વડાપ્રધાન બોરીસ જોન્સનનાં પ્રયાસોની ભારત પ્રશંસા કરે છે, પરંતુ આજકાલ કોવિદ-19ને કારણે લોકોની  જે હાલત છે તે જોઈને એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, વડાપ્રધાન મોદી વ્યક્તિગત સ્તરે આ બેઠકમાં હાજરી નહિ  આપે, પણ તે વર્ચ્યુઅલી એમાં જરૂર હાજરી આપશે,. વિદેશમંત્રી એસ. જયશંકર જી-7 બેઠકના આયોજન માટેની તૈયારીઓમાં ભાગ લેવા માટે યોજવામાં આવેલી ઉપરોકત દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં હાજરી આપવા  માટે લંડન ગયા હતા.