
લંડનઃ સામાન્ય રીતે કમ્પ્યુટર સાથે મગજને સાંકળવાની વાતો સાયન્સ ફિક્શનમાં રજૂ કરવામાં આવે છે પણ હવે દુનિયાની ત્રણ અગ્રણી યુનિવર્સિટીઓના એન્જિનિયર્સ અને ન્યુરોસાયન્ટિસ્ટની બનેલી ઇન્ટરનેશનલ ટીમ દ્વારા તેને વાસ્તવમાં સાકાર કરવામાં આવશે. આ ટીમ થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી ચેતાતંત્રની ઇજાઓની નવી સારવાર વિકસાવે તેવી આ ટેકનોલોજીને વાસ્તવિકતા બનાવવા માટે કાર્યરત છે.
યુકેની યુનિવર્સિટી ઓફ શેફિલ્ડ, રશિયાની સેંટ પિટ્સબર્ગ યુનિવર્સિટી અને જર્મનીની ટેક્નિક યુનિવર્સિટી ડ્રેસડનના જીવવિજ્ઞાનીઓ અને ઇજનેરોની બનેલી સંયુક્ત ટીમે એક ન્યુરલ ઇમ્પ્લાન્ટનો પ્રોટોટાઇપ વિકસાવ્યો છે. નેચર બાયોમેડિકલ એન્જિનિયરિંગ નામની જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યાનુસાર આ ન્યુરલ ઇમ્પ્લાન્ટ પ્રોટોટાઇપનો ઉપયોગ ચેતાતંત્રની સમસ્યાઓની સારવાર વિકસાવવા માટે કરવામાં આવશે.
શેફિલ્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ઇવાન મિનેવ અને સેંટ પિટ્સબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર પાવેલ મુશીયેન્કોની આગેવાની હેઠળની સંશોધકોની ટીમના જણાવ્યાનુસાર આ ન્યુરલ ઇમ્પ્લાન્ટનો ઉપયોગ પ્રાણીઓના મોડેલમાં કરોડરજ્જુની ઇજાઓ ધરાવતાં પ્રાણીઓમાં કરોડરજ્જુને સક્રિય કરવા માટે કરવામાં આવે છે. હવે તેનો ઉપયોગ પેરેલિસીસ ધરાવતાં માનવ દર્દીઓની નવી સારવાર વિકસાવવા માટે પણ કરી શકાશે. આ ટેકનોલોજીનો નમૂનો મગજની સપાટી, કરોડરજ્જુ તથા અન્ય ચેતાઓ અને સ્નાયુઓ પર પણ ફિટ થાય છે. આમ મગજની અન્ય સમસ્યાઓ માટે પણ તેનો ઉપયોગ કરવાની શક્યતાઓ છે.
માનવ મગજને ન્યુરલ ઇન્ટરફેસ દ્વારા કમ્પ્યુટર સાથે સાંકળવા માટેના પ્રયાસો દુનિયાભરમાં ચાલે છે પણ તેનો પ્રોટોટાઇપ બનાવવા માટે મોટો ખર્ચ અને લાંબો સમય લાગતો હોવાથી આ ક્ષેત્રમાં પ્રગતિ ઝડપથી થઇ શકતી નથી. હવે બાયોલોજી અને ટેકનોલોજીના સાંમજસ્યથી વિસાવવામાં આવેલાં આ ન્યુરલ ઇમ્પ્લાન્ટ દ્વારા ચેતાતંત્રની ઇજાઓની નવી સારવાર વિકસાવવાનું શક્ય બનશે. આ નવી સારવારનો સઘળો આધાર ઇમ્પ્લાન્ટ પર રહેલો છે જે ઝીણા ઇલેક્ટ્રિકલ પલ્સને પારખી તેને ચેતાતંત્ર દ્વારા મગજને પહોંચાડી શકે. સંશોધકોએ દર્શાવ્યું હતું કે થ્રીડી પ્રિન્ટિંગનો ઉપયોગ કરીને પ્રોટોટાઇપ ઇમ્પ્લાન્ટને ઝડપથી ઓછા ખર્ચે કેવી રીતે બનાવવાનું શક્ય છે. આ ઇમ્પ્લાન્ટને ચેતાતંત્રના જે હિસ્સાને ઇજા થઇ હોય તેને અનુરૂપ બનાવવાનું પણ શક્ય છે.
નવી ટેકનીકનો ઉપયોગ કરી ન્યુરોસાયન્ટિસ્ટ તેમને જોઇતી ડિઝાઇન ઇજનેરોને મોકલી આપશે જેને ઇજનેરોની ટીમ કમ્પ્યુટર મોડેલમાં ફેરવશે જે પ્રિન્ટરને સૂચના આપશે. ત્યારબાદ પ્રિન્ટર બાયોકોમ્પિટેબલ અને નરમ સામગ્રી વડે આ ડિઝાઇનને આકાર આપશે. જો જરૂર પડે તો ઇમ્પ્લાન્ટને ઝડપથી સુધારી શકાશે. આને કારણે ન્યુરોસાયન્ટિસ્ટોને તેમના વિચારનો સંભવિત સારવારમાં અખતરો કરવાની તક ઝડપથી અને સસ્તા દરે મળશે.