
રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘે સંસ્કૃત ભાષાને બોલચાલના વ્યવહારની ભાષા બનાવવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. સ્લમ વિસ્તારથી શરૂ કરીને દેશની સર્વોચ્ચ સંસ્થા સંસદભવનના પરિસર સુધી સંસ્કૃત ભાષા તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવશે. આ વખતે લોકસભામાં સંસદસભ્યોના શપથવિધિ સમયે અનેક સંસદસભ્યોએ સંસ્કૃતમાં શપથ લીધા હતાૈ. અંગ્રેજીમાં શપથ લેનારા સંસદસભ્યોની સંખ્યા ઘટી રહી હોવાથી સંઘ અતિ ઉત્સાહિત છે. સંઘ પ્રયાસ કરી રહ્યો છે કે દેશમાં અંગ્રેજી ભાષાનો દબદબો ઓછો થાય. સંસદભવનમાં શિબિરનું આયોજન કરવા માટે સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય સંગઠન મંત્રી દિનેશ કામતે તાજેતરમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા. તેમણે સંસદના પરિસરમાં સંસ્કૃત શિબિરના આયોજનની વ્યવસ્થા કરવાનું આશ્વાસન કામતને આપ્યું હતું. સમગ્ર વિશ્વમાં મહદઅંશે અંગ્રેજી ભાષાનું વ્યહવારમાં ચલણ વધી રહ્યું હોવાથી ભારતમાં પણ એનો વપરાશ વધતો જ રહ્યો છે. પ્રાદેશિક ભાષાઓ સહિત સંસ્કૃત ભાષા પણ ધીરે ધીરે મૃતપ્રાય બનતી જાય છે. આવી પરિસ્થિતિમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરતી સંસ્કૃત ભાષાનો પ્રસાર -પ્રચાર વધતો જાય તો એ આનંદની વાત છે. ભારતીય સંસ્કાર- રીતિ અને ભારતીય જીવન-શૈલીમાં રસ ધરાવતા દરેક ભારતીયે સંસ્કૃત ભાષાના વિકાસમાં યોગદાન આપવું જોઈએ.