હવામાંથી હવે વિજળી ઉપરાંત પાણી પણ બનશે, બનાસ ડેરીએ શોધી કાઢ્યું અનોખું યંત્ર

 

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડેનમાર્કની વેસ્તાસ વિન્ડ સિસ્ટમના સીઇઓ સાથે થોડા સમય અગાઉ એક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. જેમાં તેમણે વિન્ડ એનર્જી ઉત્પન્ન કરવા માટે ટર્બાઇન દ્વારા હવામાં રહેલા ભેજને શોષી તેમાંથી પાણી અને ઓક્સિજન મેળવી શકાય તેવી વાત કરી હતી. ત્યારે બનાસકાંઠાની જાણીતી બનાસ ડેરી દ્વારા હવામાંથી ભેજ શોષીને પાણી મેળવવાનાં પ્રોજેક્ટનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. હવામાં રહેલા ભેજને જનરેટરની મદદથી પાણી બનાવ્યું હતું. જેના થકી દરરોજ ૧૨૦ લિટર પાણી મેળવી શકાય છે. આ જરૂર પડ્યે પ્રોજેક્ટને મોટો પણ કરી શકાય છે તેવો દાવો પણ કરાયો છે. 

બનાસ ડેરીએ પાકિસ્તાન બોર્ડરના છેવાડાના ગામ સુઇ ગામ ખાતે એક પ્રોજેક્ટ મુક્યો હતો. જ્યાં તેણે સુકી ગણાતી હવામાંથી પણ પાણી ઉત્પન્ન કર્યું હતું. સોલર ઉર્જાની મદદથી વિજળી પેદા કરી તે જ વિજળીની મદદથી એક ખાસ જનરેટર દ્વારા હવામાંથી પાણી ઉત્પન્ન કર્યું હતું. જો કે આ સમગ્ર પ્રક્રિયા કામગીરી કઇ રીતે કરે છે તે અંગે સ્પષ્ટતા હજી સુધી બનાસડેરી દ્વારા કરવામાં આવી નથી. ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ મશીનનું પાણી પીને લાઇવ ડેમોસ્ટ્રેશન કર્યું હતું. જો કે ખાસ જનરેટર દ્વારા જ આ પાણી ઉત્પન્ન થાય છે તેવું તેમણે જણાવ્યું હતું. 

આ મશીન અંગે શંકર ચૌધરીએ જણાવ્યું કે, આ પાકિસ્તાન સીમાને અડીને આવેલું ગામ છે. અહીં સેનાના જવાનો સ્થાનિક અગરિયાઓ અને ગામના લોકોને બારે માસ પાણીની તંગીનો સામનો કરવો પડે છે. તેઓએ પાણી ખુબ જ દુરથી લાવવું પડે છે. જો કે આ મશીન તમામ માટે આશિર્વાદ રૂપ સાબિત થશે. ખુબ જ મીઠુ પાણી આ મશીન દ્વારા બને છે. મેં પણ પીધું છે અને આ ખુબ જ ક્રાંતિકારી શોધ છે તેવું મારું માનવું છે. આ ટેક્નોલોજીનો યોગ્ય વિકાસ થાય તો ન માત્ર વ્યક્તિઓ પરંતુ ખેતીવાડી માટે પણ આ ખુબ જ ઉપયોગી સાબિત થશે.