હવામાંથી સીધો જ ઓક્સિજન બને તેવા પ્લાન્ટથી પુરવઠો વધારાશેઃ વિજય રૂપાણી

 

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરાનાના કેસો સ્ટેબલ થઇ રહ્યાં છે, પરંતુ ગુજરાત સરકાર યુદ્ધના ધોરણે મેડિકલ સુવિધાઓ વધારતી રહેશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે. રાજ્યમાં ઓક્સિજનના ૧૫થી ૨૦ જેટલા પ્લાન્ટ બની રહ્યાં હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. હવામાંથી સીધો જ ઓક્સિજન બને તેવા પ્લાન્ટ થકી ગુજરાતની ઓક્સિજનનો પુરવઠો વધારવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢ જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે કોરોનાને લઇને સમીક્ષા બેઠક યોજી હતી. કોરોનાનું સંક્રમણ ઘટાડવા મારું ગામ-કોરોના મુક્ત અભિયાનની ઝુંબેશને વધુ ઝડપી બનાવાશે. આ માટે ગામડાઓમાં પણ યુદ્ધના ધોરણે વ્યવસ્થા થઈ રહી છે. તમામના સહકારથી ગુજરાતને કોરોનામુકત કરાશે તેમ કહેતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ઓક્સિજન, રેમડેસીવીર ઈન્જેકશન અને બેડની સંખ્યા યુદ્ધના ધોરણે વધારી છે. હવે ગુજરાતમાં કેસો સ્ટેબલ થઈ રહ્યાં છે, પરંતુ આપણે અતિ વિશ્વાસમાં રહેવું નથી. 

ગુજરાતમાં ઓક્સિજનના નવા પ્લાન્ટ બની રહ્યાં છે. હવામાંથી સીધો જ ઓક્સિજન બને તેવા પ્લાન્ટ થકી ગુજરાતની ઓક્સિજનનો પુરવઠો વધારવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૧૫ માર્ચથી અત્યાર સુધી રાજ્ય સરકારે લોકોને મહત્તમ સારવાર મળે તેવા નિર્ણયો લીધા છે. ૧૫ માર્ચે રાજ્યમાં ૪૧ હજાર બેડ હતા તે આજે એક લાખથી વધુ છે. ૧૫ માર્ચે ૧૮ હજાર ઓક્સિજન બેડ હતા તે હાલ ૫૭ હજાર બેડ છે. ૧૫ માર્ચે ૨૧૫ ટન ઓક્સિજનનો વપરાશ હતો, તે આજે ૧૧૦૦ ટનથી વધુ ઓક્સિજનનો વપરાશ થઇ રહ્યો છે.