

નવી દિલ્હીઃ અભિનેતા અજય દેવગન હંમેશાં પોતાની શરતો મુજબ જ કામ કરવામાં માને છે. નવી દિલ્હીમાં દસમી માર્ચે પોતાની આગામી ફિલ્મ ‘રેઇડ’ના પ્રમોશન માટે આવેલા અજય દેવગને જણાવ્યું હતું કે હું હંમેશાં જે કામ કરું છું, તે મારી શરતો પ્રમાણે જ કરું છું.
અજય દેવગને પોતાની એક્શન ફિલ્મોથી દર્શકોને સીટ પર જકડી રાખેલા છે અને પોતાનાં લાગણીશીલ પાત્રોથી રડાવેલા પણ છે. અજય દેવગન પોતાની શરતો મુજબ અને પોતાને ગમે તે જ પાત્ર કરવા માગે છે.
તેમણે ‘ફૂલ ઔર કાંટે’, ‘દિલવાલે’, ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘કંપની, ઓમકારા’, ‘યુવા’, ‘ગોલમાલ’, ‘સિંઘમ’, ‘સિંઘમ રિટર્ન્સ’ જેવી લોકપ્રિય ફિલ્મો કરી છે. તેમની આગામી ફિલ્મ ‘રેઇડ’ નાણાકીય ગેરરીતિ વિશેની છે. આ ફિલ્મમાં અજય દેવગન ઉત્તર પ્રદેશના આવકવેરા અધિકારીની ભૂમિકા ભજવી રહ્યા છે.
આ અભિનેતાના પોતાના ઘર પર આવકવેરાનો દરોડો 1990માં પડ્યો હતો, અને તેમને વિશ્વાસ છે કે ફિલ્મ દર્શકોને જકડી રાખશે અને જેઓ આવકવેરા વિભાગમાં નોકરી કરે છે તેમના વિશે વિચારવા મજબૂર કરશે.
અજય દેવગન કહે છે કે તેઓ ખૂબ જ શાંત હોય છે અને તેઓના વિશે કોઈને ખબર હોતી નથી. આપણે જે લોકો લોકપ્રિય હોય છે તેમના વિશે વાતો કરીએ છીએ. દરોડા દરમિયાન અને અગાઉ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે તેની માહિતી પણ દર્શકોને આ ફિલ્મ થકી મળશે. લોકોને એમ હોય છે કે આવકવેરાના દરોડા ખૂબ સરળ હોય છે, પરંતુ તે એટલું સરળ હોતું નથી.
ફિલ્મનું ડિરેક્શન રાજકુમાર ગુપ્તાએ કર્યું છે, જેમાં અજય દેવગનની સાથે ઇલિના ડી ક્રૂઝ અને સૌરભ શુક્લ છે.