સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરને કોરોના : આઇસીયુમાં દાખલ કરાયાં

 

મુંબઈઃ સ્વર કિન્નરી લતા મંગેશકરને કોરોનાનું સંક્રમણ થતાં તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાહકો માટે રાહતની વાત એ છે કે , ૯૨ વર્ષીય લતા મંગેશકરને કોરોનાના હળવા લક્ષણો છે. 

ગાયિકાના સંબંધી રચના શાહે સમાચાર એજન્સીને જણાવ્યું કે,  બે દિવસ પહેલાં તેમને દાખલ કરવામાં આવ્યાં છે. શનિવારે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમણે ચાહકોને દીદી માટે પ્રાર્થના કરવા લોકોને અપીલ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરની તબિયતની જાણકારી મેળવી હતી. પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરને કોરોનાના હળવા લક્ષણો જણાયા છે, પરંતુ ઉંમરને લીધે સાવચેતી વર્તતા તેમને હોસ્પિટલમાં આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા છે. તબીબોની ટીમ લતા મંગેશકરના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. રચનાએ લોકોને ગોપનીયતા  જાળવવા માટે પણ અપીલ કરી છે. 

અગાઉ નવેમ્બર ૨૦૧૯માં લતા મંગેશકરને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે વખતે તેમને છાતીમાં વાઈરલ ઈન્ફેક્શન થયું હતું. જેને પગલે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.