સ્માર્ટફોનમાં ડૂબેલી આંખોમાં સપનાંઓની વાવણીનું નોખું વિશ્વ છે

0
852

પ્રિય પ્રાર્થના,
જુલાઈ વીતી ગયો. જુલાઈની ચોમાસાથી થયેલી જુદાઈ સહન ના થાય તેવી હતી. હજી, ગાંધીનગર ગરમ છે. હજી, પવનની ચાલમાં ઉનાળો વર્તાય છે. હજી, રેઇનકોટ પહેર્યા વગર શાળાએ જતાં બાળકો કશુંક ભૂલીને જતાં હોય એવું લાગે છે. દેડકાના અવાજો વિનાના શેરીના ખૂણાઓ, વરસાદના પાણી વગર નાહ્યા વગરના લાગતા રસ્તાઓ અને વીડનાં મેદાનો જેવું વેરાન આકાશ. નથી ગમતું આવી રીતે ઓગસ્ટનું આવી જવું!
પણ બીજી તરફ ઘણી બધી પ્રવૃત્તિઓમાં જોડાવવાનું બન્યું છે. ગત સપ્તાહે, શ્રી અરવિંદની સ્મૃતિમાં નિર્માણ પામેલી ઓરો-યુનિવર્સિટીમાં જવાનું થયું. એકદમ ફાઇવ-સ્ટાર કેમ્પસ, પણ સૂક્ષ્મ રીતે આધ્યાત્મિકતાની એક શાંત નદી વહેતી હોય તેવી રમણીય શાંતિ પણ ખરી. યુવાનો હોય એટલે છલકાતી એનર્જી તો હોય જ. અમેરિકામાં તમે લોકો જેને કમેન્સમેન્ટ-સ્પીચ કહો છો તે આપવાની હતી.
સો-સવાસો વિદ્યાર્થીઓ હતા, મોટા ભાગે આઇટી અને લો ફેકલ્ટીના નવાગંતુકો હતા. ચહેરાઓ પર છલકતી શાંતિ જિજ્ઞાસાની હતી કે ચિંતા હતી કે નવા-કેમ્પસનો રોમાંચ હતો તે તો હું નક્કી ના કરી શક્યો. ગામ ગુજરાતી અને વાતાવરણ અંગ્રેજી હતું એનો પણ પાતળો અજંપો હોઈ શકે, હું એનું પૃથક્કરણ ના કરી શક્યો. આ આખા સપ્તાહને સરસ નામ આપ્યું; ફેસ્ટિવલ ઓફ લર્નિંગ. ભણવાનો ઉત્સવ. બે પ્રશ્નો ઊભા થાય છે. આપણું લક્ષ્ય શું છે? આ યુવાનોની જિંદગી ક્યાં લઈ જવી છે, લઈ જનાર અને યુવાન પોતે આ બાબતે કશી ચિંતા કરે છે, કશું સહચિંતન થાય છે ખરું? બીજી બાબત છે તે પ્રક્રિયા અને એના ઊંડાણની છે. શબ્દો તો બધા છૂટથી વપરાય છે, શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, ભણતર અને કેળવણી. આપણે ‘ટીચિંગ’ની જગ્યાએ ‘લર્નિંગ’ની પ્રતિષ્ઠા કરી છે ખરી? મેં મારો અમેરિકાનો અનુભવ કહ્યો. શું ભણવાનું છે અને એનું ધ્યેય શું છે એની કેટલી બધી વિશદ ચર્ચા કરી હતી, અમે. અને ‘મિડ-ટર્મ’ રિવ્યુમાં અમે એક-બે વિષયોનાં અંગ-ઉપાંગો બદલાવ્યાં હતાં. ખાસ કરીને ‘ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર’ના વિષયમાં અમેરિકાનાં એક બે શિખરસ્થ નામોની અમે ભલામણ કરીને અમે માગણી કરી હતી કે એમાંથી એકાદ તજ્જ્ઞને બોલાવો, અને યુએસડીએ ગ્રેજ્યુએટ સ્કૂલ, વોશિંગ્ટનના વર્ગવાહકોએ સ્વીકારેલું.
આવા સંવાદની આવશ્યકતા છે કારણ યુટ્યુબ-ક્રાંતિએ આવતી કાલના ‘ક્લાસરૂમ’ સામે મોટું પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે, જેને તજ્જ્ઞો ઇન્ફોર્મેશન-એસેમેટ્રી કહે છે, માહિતી-પ્રાપ્તિની અસમાનતા હવે રહેવાની નથી, ત્યારે ક્લાસરૂમને પુનઃ વ્યાખ્યાયિત કરવો પડશે. વર્ગખંડમાં ગાંધીજીને પાછા બોલાવવા પડશે. કેળવે તે કેળવણી (નરેન્દ્રભાઈ મોદીનું પુસ્તક છે) એ સૂત્રને પુનર્જીવિત કરવું પડશે.
ટ્રાન્સફોર્મેટિવ લર્નિંગ એવા થીમ સાથે આ ભણતરનો ઉત્સવ ચાલી રહ્યો હતો એટલે મને વિશેષ આનંદ અને ઉત્સાહ હતો. દિશામાં અમેરિકન ચિંતક અને શિક્ષણશાસ્ત્રી મેઝીરો ને યાદ કરવા જોઈએ. એણે બે મહત્ત્વની વાત કરી છે. આપણે આ બાબતે વૈજ્ઞાનિક રીતે વિચાર નથી કર્યો તેમ લાગે છે. પહેલી બાબત છે, સેલ્ફરિફ્્લેક્ટિંગ ક્રિટિકલ લર્નિંગ. આ બહુ અગત્યની પ્રક્રિયા છે, પોતાની માન્યતાઓ, પૂર્વગ્રહો અને સ્વયં વિચારપ્રક્રિયાને સાક્ષીભાવે તપાસવાની ટેવ પાડવી તે ટ્રાન્સફોર્મેટિવ લર્નિંગની અગત્યની શરત છે. બીજી અગત્યની બાબત છે તે વર્લ્ડ-વ્યુનું ઘડતર. ઉમાશંકર જોશી બનું વિશ્વમાનવી એમ કહીને ગયા, પણ આજે એક ભારતીય વિશ્વમાનવી બન્યો છે ત્યારે એની પાસે ઉમાશંકર નથી. આ વિશ્વસમજ એ માણસના બાહ્યાવરણને ચમકાવે છે, જ્યારે પેલું સ્વનિરીક્ષણ માણસના આંતરને ઉજાળે છે. મેઝીરોની આ વાત જેવું કશુંક બને છે, મને ખબર નથી. પણ એવું લાગતું નથી. આ કારણથી મને યુવાનો સાથે વાત કરવાની ખૂબ ઇચ્છા હોય છે, મજા પણ આવે છે. આ લોકો શું વિચારે છે, આજુબાજુ જિવાતા જીવન વિશે તેમનો શું અભિપ્રાય છે, આ વિષયમાં મને ભારે રસ પડે છે.
મને મજા આવે છે, પણ મોટા ભાગના કોલેજિયનો ખૂલતા નથી. કશુંક એમના મનમાં છે, પણ ખૂલીને કહેતા નથી. ધર્મસ્થાનોમાં રહેલા યુવાનો મજાના હોય છે. એમની નમ્રતા ક્યારેક કૃત્રિમ લાગે તેટલી નમ્ર હોય છે. યુવાનો સુધી પહોંચવાનો શ્રેષ્ઠ રસ્તો એ વર્ગખંડ છે. મેં કેટલાક પ્રાધ્યાપકો સાથે ચર્ચા કરી. બિઝનેસ મેનેજમેન્ટ શીખવતી પ્રાધ્યાપિકા રોહિણી ભટ્ટનું મંતવ્ય છે કે યુવાનોને ઓપન-અપ કરાવવા એ એક કલા છે. જોકે મોબાઇલ-મેનિયાને લીધે એટેન્શન-સ્પાનમાં જે સંકડાશ ઊભી થઈ છે એ ભારે ચિંતાજનક છે. આ નવા યુગના નવયુવાનો છે, એમની આંગળીઓ કીપેડકાંક્ષિણી અને સ્પર્શથી ઊઘડતી દુનિયાથી રંગાયેલી છે. સ્માર્ટફોનમાં ડૂબેલી આંખોમાં સપનાંઓની વાવણી અને લણણીનું એક અનોખું વિશ્વ છે. આ યુવાનોને મળ્યા પછી હવે, મને વિશ્વના, ખાસ કરીને અમેરિકાના યુવાનોને મળવાની, સમજવાની જિજ્ઞાસા જાગી છે…. જે વિશે ફરી, ક્યારેક…
ભાગ્યેશ. જય જય ગરવી ગુજરાત.

લેખક ગાંધીનગરસ્થિત સર્જક છે.