સ્પેનમાં કોરોનાના કારણે મૃત્યુઆંક ૩૬૪૭ઃ ચીન કરતાં વધુ

 

મેડ્રીડ-તેહરાનઃ સ્પેનમાં કોરોના વાઇરસના કારણે મરનાર લોકોની સંખ્યા ચીનને પણ વટાવી ૩૬૪૭ થઈ છે. અહીં છેલ્લાં ૨૪ કલાકમાં ૭૩૮ લોકોનાં મૃત્યુ થયાં હતાં. વિશ્વભરમાં સ્પેન કરતા વધુ મૃત્યુઆંક ઇટાલીનો છે. ચીનમાં અત્યાર સુધી ૩૨૮૧ લોકોના મૃત્યુ થયા છે. 

સ્પેનમાં અભૂતપૂર્વ લોકડાઉનના ૧૧ દિવસ થયા છે ત્યારે અહીં કોરોના વાઇરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૪૭,૬૧૦ થઈ હતી, એમ આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું. સ્પેનમાં ૧૪ માર્ચના રોજ લોકડાઉન કરાયું હતું જેને ૧૧ એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું છે. લોકડાઉન કરાયું હોવા છતાં મૃત્યુઆંક અને ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 

બીજી બાજુ ઈરાનમાં વિશ્વની સૌથી ઘાતકી મહામારી પૈકી એકથી મૃત્યુઆંક ૨૦૦૦ને પાર થયો હતો ત્યારે ત્યાંના પ્રમુખ હસન રુહાનીએ ચેતવણી આપી હતી કે તેમની સરકાર નવા વધુ કડક પગલાં લાગુ કરી શકે છે. અત્યાર સુધી ઈરાનમાં કોઈ લોકડાઉન લાગુ નથી કરાયું તેની જગ્યાએ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. પણ આ અપીલની અવગણના કરવામાં આવી રહી છે. કોરોના વાઇરસ મોટા શહેરોથી લઈને નાના ગામડાઓ સુધી ફેલાઈ રહ્યો છે તેમ છતાં ગયા સપ્તાહમાં હજારો લોકો પર્સિયન નવા વર્ષની બે અઠવાડિયાની રજાઓ ઉજવવા પોતાના પરિવાર સાથે માર્ગો પર ઉતરી આવ્યા હતા.