સ્નેહભર્યા લોકો અને યાદોથી ભરેલી કુદરતનું વળગણ મારા જીવનની મોંઘેરી સંપદા છે

 

મારું ગામઃ અમલસાડ

દક્ષિણ ગુજરાતના તાપી નદીથી વાપી (દમણ-ગંગા નદી સુધીનો પ્રદેશ પરશુરામની ભૂમિ તરીકે જાણીતો છે. એ વરદાયી ભૂ-વિસ્તારમાં કદી દુકાળ ન પડે એવું કહેવાય છે. પશ્ચિમ રેલવેના વાપી સ્ટેશનથી ઉત્તરે સુરત સુધીના દરેક સ્ટેશનની વચ્ચે દમણ-ગંગા-પાર-ઔરંગા-કાવેરી જેવી કોઈ ને કોઈ નદીના રેલવેબ્રિજ પરથી પસાર થવું પડે. એ રીતે મુંબઈ-સુરતના રેલવેપ્રવાસમાં અંબિકા નદીનો પુલ પસાર કરીએ કે તરત જ અમલસાડ સ્ટેશન આવી જાય.
જનપદઃ અમલસાડ કેરી-ચીકુની વાડીથી લહેરાતું ગામ. એ મારું વતન. ખરેખર મનોરમ્ય મનમોહક. અમલસાડ સ્ટેશનથી પૂર્વ દિશામાં વસેલું અનાવિલ દેસાઈઓની મુખ્ય વસતિવાળું ગામ છે. એનાં મોટા ભાગનાં ફળિયાં ટેકરા પર છે. ગામમાં પ્રવેશતાં તલાવડી, કન્યાશાળા, નજીકમાં પટેલ ફળિયું આવે. ગામના મુખી-પટેલોનાં ઘરો આ ફળિયામાં હોવાથી આ નામ પડ્યું હશે. તે પછી ગામના પાદરની આજુબાજુ જૂનું ફળિયું, દેવધિ ફળિયું, હનુમાન ફળિયું, બ્રાહ્મણવાડ, મહેતા ફળિયું, સુથારવાડ. આ બધાં જ ફળિયાંમાં ટેકરો ચઢીને જ જવું પડે. નજીકમાં જ પાદરે ટેકરા પરની પ્રાથમિક ગુજરાતી શાળાનું મકાન. આ સૌના સંગમાં મારું બાળપણ પાંગર્યું. પંદર-સોળ વર્ષની ઉંમર સુધીનો અમલસાડનો સહવાસ મારા માટે ઘણી બધી યાદગાર સ્મૃતિનો ખજાનો છે. બાળપોથીથી ગુજરાતી પ્રાથમિક શાળાનાં ચાર ધોરણ સુધીના અભ્યાસકાળ દરમિયાન શાળાના મેદાનમાં હુતુતુતુ, ખોખો, આટાપાટાની મેદાની રમતો ખૂબ રમવા મળી તો રજાના દિવસોમાં ગિલ્લીદંડા, ભમરડા, લખોટાની રમતો ફળિયામાં દોસ્તો સાથે રમવાની ભરપૂર મજા લૂંટી. શાળામાં મલખમ, લેજીમ, લાઠીદાવ, મગદળ, ડમ્બેલ્સના વ્યાયામના પ્રયોગોની પ્રાથમિક તાલીમ પણ મળી. રમતાં-રમતાં એ ભાર વગરનું, પણ જીવનમાં હંમેશને માટે આત્મસાત્ થયેલું શિક્ષણ મારી મહામૂલી સંપદા રહ્યું.
જનજીવનઃ આ ખેતીપ્રધાન બાગાયતી ગામની ચોમાસાની સૃષ્ટિ અનેરી જ, આષાઢી વર્ષાની હેલીએ (વરસાદે) તળાવ-તળાવડી-ખાબોચિયાંમાં પાણી ભરાયાં હોય. ગામના ધૂળિયા રસ્તા કાદવવાળા થઈ જાય. ચોમેર લીલોતરી ઊગી ગઈ હોય. એવી કુદરતમાં વહેલી સવારમાં જાગતું લોકજીવન, ખેડૂતોના ઘરેઘરે દૂઝણી ભેંસોને દોહતી ખેડુ-સ્ત્રીઓની ચમકતી પિત્તળની પવાલીઓમાં સફેદ ફેદર સાથેનું ઊભરાતું હૂંફાળું દૂધ જાણે અમૃતપાન લાગે. એ પછી વલોણાં ચાલુ થાય. માખણમિરશ્રત છાસ ફળિયે ફળિયે મળી રહે. ગોવાળિયા ઘરેઘરથી ઢોરો છોડાવી હાંકી જતા હોય અને એ ગોધણ – ગામને પાદરે આવતાં (ગામના ગોંદરે) છાણ વીણતી – છાણાં માટે ભેગું કરતી ગ્રામ્ય બાળાઓની દોડાદોડ રહેતી. ખરેખર જીવંત લાગે. અનાવિલ દેસાઈની વસતિમાંથી આગળ વધતાં ગુજરાતી પ્રાથમિક શાળાના ટેકરાની પાછળનો ઘાંચીવાડ, જેમાં દરજી, મોચી, માળી – ઘાંચીનાં ઘરોની વસતિ. તેને અડીને જ તાઈવાડમાં દાખલ થતાં મસ્જિદ અને મુસ્લિમ વસતિ. એ વ્યવસાયી લોકો દ્વારા ગામને કેશકર્તનકાર, માળી, મોચી, ઘાંચી – દરજીની સેવાઓ મળી રહેતી. તાઈવાડની પાછળ કુંભાર બરોડિયાનો વસવાટ. માટીનાં વાસણો તૈયાર કરતા એ કુંભારો ગામનાં દેશી નળિયાંવાળાં ઘરોનાં છાપરાં ચાળવા ચોમાસા પહેલાં આવી જતા તો બરોડિયા વાંસના ટોપલા, કરંડિયાઓ તૈયાર કરી કેરીની મોસમ માટેની સામગ્રી પૂરી પાડતા. પછી આવે ભરવાડવાડ. બકરાં-ઘેટાંના બેં બેં અવાજથી ગાજતો લાંબી લાંબી વાંસની દાંડીવાળાં ધારિયાં ખભે રાખીને પચાસ-સિત્તેર બકરાં-ઘેટાંની વચ્ચે ચાલતા. દોરીનું (જાડી ખાદીનું) ફાળિયું ફેંટો, ધોતિયું પરંપરાગત પોશાક સાથેના મજબૂત-દેહધારી એમની સીમમાં ફરતા જોવા મળે. ગ્રામજનો માટેનાં ઊનનાં કાંબળા-ધાબડી આ વસતિ તૈયાર કરતી. આવું સ્વાવલંબી, સાચા અર્થનું સમાજવાદી અમારું અમલસાડ.
ઘાંચીવાડની ડાબી તરફ ગામનું મોટું તળાવ. સારું ચોમાસું ગયું હોય તો આખું વરસ પાણી રહે. એની આજુબાજુનાં ખેતરોને સિંચાઈનું પાણી મળે. ગામનું પશુધન સાંજે સીમમાંથી પાછું ફરતું હોય ત્યારે આ તળાવનું પાણી પીતું જાય અને ચોમાસામાં છલકાયેલા પૂર્ણ ભરાયેલા તળાવમાં સામે છેડેથી ગામના ઓવારા તરફ તરીને આવતી ભેંસો-બળદોને જોવાની મજા જ જુદી. આ તળાવની પાળ પરથી પશ્ચિમે જતાં છેવાડે ‘દીપી’ ગામનું ગોચર હતું. (હાલમાં ત્યાં ગાંધી ફળિયું, હળપતિઓનો વસવાટ છે. એકાદ કિલોમીટર આગળ જઈએ એટલે રેલવે ફાટક ક્રોસ કરતાં અંધેશ્વર મહાદેવનું મંદિર. આજુબાજુના દસ-બાર ગ્રામસમૂહની વસતિનું આસ્થા-ભક્તિનું કેન્દ્ર. દિવાળી પૂરી થતાં દેવદિવાળી કાર્તિકી સુદ પૂર્ણિમાની અંધેશ્વરની જાત્રાની રાહ જોવા આ લોકમેળાની મજા-આનંદ માણવા ગામેગામનાં યુવાનો-યુવતીઓ, આબાલ-આધેડોનો મોટો જનસમૂહ ઊમટી પડે. અંધેશ્વરના તળાવમાં થતાં શીંગોડાં મેળામાં વેચાતી રેવડી બાળકોનું મુખ્ય આકર્ષણ. ચગડોળ, જાયન્ટ વ્હીલ ફરતે પોતાનો વારો આવવાની રાહ જોતાં કિશોર-કિશોરીઓ તો વળી પોતાના કરંડિયામાં છુપાવેલા ફણીધરો-સાપ સાથેના આઠ-દસ ફૂટ લાંબા અજગરોને ગળે વીંટાળેલા મદારીઓ આ મેળાનું વિરલ દશ્ય. મંદિરના પ્રાંગણમાં ઘૂમતા ઘેરૈયાઓ તેમના મજબૂત દાંડિયાના ધમકાર સાથે હામરેક ઘોડિયાનો ગગનભેદીલલકાર, તો લટભેર તાળીઓ સાથે (ગરબા લેતી માછીમાર સ્ત્રીઓ આ જનપદના વિસ્તારનાં ઉલ્લસાપૂર્ણ ધબકતાં હૈયાંને તાદશ કરે છે. આમ્રઘટા આચ્છાદિત અંધેશ્વર મહાદેવનું પુરાણું મંદિર. ઘટાદાર વટવૃક્ષ સાથેનો તળાવનો કિનારો ખૂબ જ શીતળ-શાંતિદાયક લાગતો.
હવે છેલ્લાં પચાસ વર્ષમાં એનો પુનરુદ્ધાર કરાયો છે. વિશાળ-ભવ્ય મંદિર બની ગયું છે. દક્ષિણ ગુજરાતનું એ ધાર્મિક પ્રવાસધામ બન્યું છે. ગામની તળભૂમિ, તળાવો – સીમ વિસ્તારને યાત્રાધામની પ્રદક્ષિણા કરતાં પહોંચાય છે. અમલસાડ સ્ટેશન અને બરાર વિસ્તારમાં કેરી-ચીકુની મબલક ઊપજનું એ મુખ્ય બજાર. મોસમમાં રોજનાં હજારો મણ ચીકુ, કેરી આફૂસ, રાજાપુરી, કેસર કેરી અહીંના વેપારીઓ અને વિભાગના ખેડૂતોના સહકારી મંડળી ટ્રકો અને માલગાડીના ડબ્બાઓમાં દેશ-દેશાવર મોકલતા હોય છે અને ગામની સમૃદ્ધિમાં વધારો નોંધાવતા રહે છે. અમલસાડ ગામની હીરાચંદ ધૂમચંદ સાર્વજનિક હાઈ સ્કૂલ, કન્યાશાળા, ચિત્રકલાની તાલીમ માટેનું કલાભુવન – આખા વિભાગ માટેનાં સુશિક્ષિત યુવક-યુવતીઓ અને કળાપ્રેમી ચિત્રકારોની સર્જનકર્તા સંસ્થાઓ સમી રહી છે. શિક્ષણ, કલા – સુખી સંપન્ન , સ્નેહસંબંધભર્યા લોકો અને યાદોથી ભરેલી કુદરતનું વળગણ એ મારા વતન અમલસાડની મારા જીવનની મોંઘેરી સંપદા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here