સ્ત્રી જે પુરુષ સાથે એક આસન પર બેઠી હોય તે પુરુષ તેનો પતિ થાય છે

0
1152

(ગતાંકથી ચાલુ)
કન્યા કેળવણીઃ
બ્રહ્મપુરાણની ઇલા, પદ્મપુરાણની સંનતિ, કૂર્મપુરાણની મેના અને વૈતરણી તથા મત્સ્ય મહાપુરાણની ગાયત્રી… આ પાંચેય કન્યા આત્મજ્ઞાન ધરાવતી હતી. અર્થાત્ બ્રહ્મવાદિની હતી. એના પરથી પુરવાર થાય છે કે પૌરાણિક કાળમાં કન્યાકેળવણીનું પ્રચલન હતું!
વૈદિક યુગની જેમ પુરાણ કાળમાં કન્યાના ઉપનયન સંસ્કાર થતા નહોતા. એ વિધિસરનો અભ્યાસ પણ ન કરતી, પરંતુ ઘેર બેઠાં જ્ઞાનગંગોત્રીમાં અવશ્ય ડૂબકી લગાવતી. એ રીતે વિદ્યા પ્રાપ્ત કરવાનો એને અધિકાર હતો. એટલે જ પુરાણ ગ્રંથોમાં વિવિધ વિદ્યાશાખાઓમાં વિશારદ અને કંઈકેટલીયે કલાઓમાં કુશળ હોય એવી કન્યાઓના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. પૌરાણિક કન્યાઓ બ્રહ્મવાદિની હોવાની સાથે જ ગીત, સંગીત અને નૃત્ય જેવી લલિતકલાઓ, ચિત્રકલા, શૃંગારકલા અને રૂપ બદલવાની કલા જેવી ચોસઠ કલાઓ, લેખનશાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, યુદ્ધશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર અને માયાશાસ્ત્રમાં નિપુણ હતી. એ જ પ્રમાણે એ કાળની કન્યાઓ ધર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, આચારશાસ્ત્ર, યોગશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને વેદવેદાંગ જેવા શાસ્ત્રમાં પણ પારંગત હોય એવાં દષ્ટાંતો ઠેકઠેકાણે જોવા મળે છે.
પૌરાણિક ગ્રંથો કન્યાકેળવણીનાં ઉદાહરણોથી ભર્યા ભર્યા છે. શિવ મહાપુરાણમાં પાર્વતીએ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે. આ પુરાણની નોંધ પ્રમાણે, પાર્વતી અતિ પ્રેમપૂર્વક ચિત્તને એકાગ્ર કરીને વિદ્યાઓ ભણવા લાગ્યાં. જેમ શરદ ઋતુમાં હંસોની પંક્તિ ગંગા પર આવે છે અને મહાઔષધિઓમાં રાત્રિમાં કાંતિ આવે છે તેમ પૂર્વજન્મની વિદ્યાઓ તેમને પ્રાપ્ત થઈ. આ વિદ્યાઓમાં વેદના જ્ઞાનનો સમાવેશ પણ થતો હતો. એટલે જ પાર્વતી કહે છે કે, ‘વેદમાં એવું કહેવાય છે કે કુમારાવસ્થામાં સ્ત્રીની રક્ષા પિતા કરે છે, યૌવનકાળમાં પતિ અને વૃદ્ધાવસ્થામાં પુત્ર રક્ષક હોય છે. આ પ્રકારે ઉત્તમ સ્ત્રીઓની ત્રણ અવસ્થા હોય છે. પિતા પોતાની પુત્રીને ઉત્તમ પતિનો હાથ સોંપીને નિશ્ચિંત થઈ જાય છે. અને પિતા પોતાની પત્ની પુત્રને સોંપીને નિવૃત્ત થાય છે. જે સ્ત્રી આ ત્રણ બંધુઓથી યુક્ત રહે છે તે ઉત્તમ ભાગ્યવતી થાય છે, જેનામાં કંઈ ઊણપ હોય તે મધ્યમ પ્રકારની કહેવાય છે. અને જે ત્રણેયથી રહિત હોય તે સ્ત્રી પૃથ્વી પર અધમા ગણાય છે, પણ ત્રણ બંધુની સમીપમાં રહેનારી સ્ત્રી ત્રણે લોકમાં પ્રશંસાને પાત્ર હોય છે.’ આ વિધાન પરથી પુરવાર થાય છે કે પાર્વતી વેદના જ્ઞાનથી સંપન્ન હતાં.
એ જ રીતે નારદ મહાપુરાણની રાજકુંવરી રત્નાવલી પણ વેદજ્ઞાનથી સંપન્ન હતી. એટલે જ એ પિતા સુદ્યુમ્નને કહી શકી કે, સ્ત્રી જે પુરુષ સાથે એક આસન પર બેઠી હોય તે પુરુષ તેનો પતિ થાય છે. બીજો કોઈ પુરુષ તેનો પતિ થઈ શકતો નથી. એવું વેદમાં, પુરાણમાં અને શાસ્ત્રોમાં કહેવાય છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં માલાવતીએ મંત્રબોધ પ્રાપ્ત કર્યો હતો.
વસિષ્ઠ મુનિએ માલાવતી અને તેના પતિ ઉપબર્હણ ગંધર્વને પુષ્કર ક્ષેત્રમાં ભગવાનના સ્તોત્ર, પૂજન અને એક મંત્રનો ઉપદેશ કર્યો હતો. પાછળથી ઉપબર્હણને વિસ્મૃતિ થઈ ત્યારે માલાવતીએ પતિને મહાપુરુષ – સ્તોત્ર, પૂજાકવચ અને મંત્રનો બોધ આપ્યો હતો. આ જ પુરાણમાં કુશધ્વજની પત્ની માલાવતીએ વૈદિક જ્ઞાન ધરાવતી કન્યાને જન્મ આપ્યો હતો. એ કન્યા લક્ષ્મીનો અંશ હતી. એ ભૂમિષ્ઠ થતાં જ જ્ઞાનસંપન્ન થઈ. એ કન્યાએ જન્મ લેતાં જ સૂતિકાગૃહમાં સ્પષ્ટ સ્વરે વેદમંત્રોનું ઉચ્ચારણ કર્યું. એટલે જ એ વેદવતી કહેવાઈ.
બ્રહ્મવૈવર્ત પુરાણની વેદવતીની જેમ તુલસી પણ વેદનું જ્ઞાન ધરાવતી હતી. તુલસીએ શંખચૂડને કરેલા આ ઉપદેશમાં તેનું વેદજ્ઞાન છતું થાય છેઃ શ્રુતિઓમાં એવું સાંભળવામાં આવ્યું છે કે કુલીન પુરુષ કોઈ કુલીન કન્યા સાથે એકાંતમાં વાત કરતો નથી. જે લંપટ, કુળહીન તથા ધર્મશાસ્ત્રના જ્ઞાનથી અને વેદોના અર્થોના શ્રવણથી રહિત છે તે જ કામી પુરુષ કામિનીને ચાહે છે. કામિની એ ક્ષણે તો રમણીય પ્રતીત થાય છે, પણ અંતમાં પુરુષ માટે ઘાતક સિદ્ધ થાય છે. કામિનીનું હૃદય સજૈયાની ધાર જેવું હોય છે, પણ એ નિરંતર મધુર વાણી બોલે છે. તે પોતાના સ્વાર્થની પૂર્તિ માટે સ્વામીના વશમાં રહે છે. અન્યથા તે કોઈને અધીન ન રહેનારી છે. વેદો અને પુરાણોમાં તેમના ચરિત્ર ન કહેવા યોગ્ય દર્શાવ્યા છે. કયો બુદ્ધિમાન પુરુષ મૂર્ખની જેમ તેમનો વિશ્વાસ કરશે? સ્ત્રીથી જિતાયેલા પુરુષ તો ચિતા પર બળતી વખતે જ શુદ્ધ થાય છે એવું વેદમાં કહ્યું છે.
તુલસીની જેમ મનસા પણ વેદવચનો જાણતી હતી. મનસાએ એક હજાર વર્ષ સુધી શિવની આરાધના કરી હતી. એટલે ભગવાન શંકરે મનસાને સામવેદ ભણાવ્યો. અને ભગવાન કૃષ્ણનો અષ્ટાક્ષર મંત્ર કલ્પતરુ પ્રદાન કર્યો. ઉપરાંત ૐ શ્રીં હ્રીં ક્લીં કૃષ્ણાય નમઃનો મંત્ર, ત્રૈલોક્ય મંગલ નામનું કવચ, પૂજનક્રમ, સર્વપૂજ્યા સ્તુતિ, લોકોને પવિત્ર કરનારું ધ્યાન, વેદાનુસાર સર્વસંમત અનુષ્ઠાનનો ક્રમ તથા ઉત્તમ મૃત્યુંજય જ્ઞાન મૃત્યુંજય પાસેથી પ્રાપ્ત કર્યું. એ જ રીતે તારા પણ વેદની જાણકાર હતી. ચંદ્ર સાથેના આ સંવાદમાં તારાના વેદજ્ઞાનની ઝલક મળે છેઃ જેનું ચિત્ત પરસ્ત્રીઓમાં લાગેલું રહે છે તે બધાં કર્મોને અપવિત્ર માને છે. એટલું જ નહિ, એ પાપી સમગ્ર વિશ્વમાં નિંદાપાત્ર થાય છે. પરિણામે તેને ઉત્તમ કર્મફળ મળતું નથી. વેદમાં કહ્યું છે કે જે અત્યંત ઉન્નત થાય છે તેનું પતન થાય છે.
એ જ રીતે કલાવતી પણ વેદનું જ્ઞાન ધરાવતી હતી. એટલે જ પતિવ્રતા સ્ત્રીના સંદર્ભમાં વેદવાક્યો ટાંકીને એણે કહ્યું કે, ‘વેદમાં સાંભળ્યું છે કે પતિવ્રતા માટે પતિ જ વ્રત છે. પતિથી વધીને કોઈ પ્રિય બંધુ નથી. અત્યંત દુર્લભ પતિસેવા બધા ધર્મથી વધીને છે. પતિની સેવાથી રહિત સ્ત્રીઓનાં બધાં કર્મ નિષ્ફળ થાય છે. વ્રત, દાન, તપ, પૂજા, જપ અને હોમ વગેરે જે કંઈ છે તે તથા સમસ્ત તીર્થોમાં સ્નાન, પૃથ્વીની પ્રદક્ષિણા, સમસ્ત યક્ષોની દીક્ષા, મોટાં મોટાં દાન, સંપૂર્ણ વેદોના પાઠ, બધા પ્રકારનાં તપ, વેદનિપુણ બ્રાહ્મણોને ભોજનદાન અને દેવતાઓની સેવા – આ બધું પતિસેવાની સોળમી કલા બરાબર પણ નથી. જે સ્ત્રી પોતાના પતિની સેવા ન કરીને તેને કટુવચન કહે છે તે ચંદ્રમા અને સૂર્યના સમય સુધી કાલસૂત્ર નામના નરકમાં રહે છે. વિદ્વાનોના મુખેથી મેં વેદની આવી વાતો સાંભળી છે.’ આ જ પુરાણમાં રાધાની માતા કલાવતી પણ જ્ઞાનસંપન્ન અને વેદવેદાંગમાં નિપુણ હતી.
અન્ય પૌરાણિક સ્ત્રીઓ વેદવેદાંગમાં પારંગત હતી, પણ સાવિત્રી તો સ્વયં વેદજનની હતી. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર તે સૂર્યની અધિદેવી, મંત્રોની અધિષ્ઠાત્રી દેવી અને વેદોની સાવિત્રીદેવી હોવાના કારણે તેને સાવિત્રી કહે છે. સાવિત્રીએ પોતાનો પરિચય આપતાં કહેલું કે, ‘હું સર્વ વેદોની માતા છું. મારા શરીરમાં રહેલો ને સર્વ અંગોથી સારી પેઠે શોભતો ઋગ્વેદ નામનો વેદ સ્વયં નારાયણ છે. એના હૃદયમાં એના આત્મજનરૂપ પુરુષ છે તે યજુર્વેદરૂપી રહેલા મહાશક્તિશાળી બ્રહ્મા છે. એના ઉરપ્રદેશમાં રહેલો પવિત્ર અને ઉજ્જવળ પુરુષ સામવેદ નામનો વેદ છે. તે રુદ્રરૂપે રહેલો છે. એનું કેવળ સ્મરણ કરવાથી જ પાપનો નાશ થાય છે. (ક્રમશઃ)

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.