સ્ત્રીઓ માટે પતિ જ શણગાર અને આભૂષણ છે

0
1220

(ગતાંકથી ચાલુ)
(37) ઘર, મંદિરો, કિલ્લાઓ વગેરે બાંધી જાણવાં તે વાસ્તુવિદ્યાકળા (38) સિક્કા તથા જવાહરની પરીક્ષા કરી જાણવી તે રૂપરત્નપરીક્ષાકળા (39) સોનું વગેરે ધાતુઓને માટીમાંથી કાઢી જાણવી તે ધાતુવાદકળા (4) જાતજાતના મણિઓ રંગી જાણવા તે મણિરાગજ્ઞાનકળા (41) સોના, રૂપા કે હીરાઓની ખાણો શોધી જાણવી તે આકરજ્ઞાનકળા (42) વૃક્ષો રોપી ઉછેરી જાણવાં અને વૃક્ષોના રોગોની ચિકિત્સા કરી જાણવી તે વૃક્ષાયુર્વેદયોગ કળા (43) બકરાં, કૂકડાં અને લવારાંને લડાવી જાણવાં તે મેષકુકુટકયુદ્ધવિદ્યાકળા (44) પોપટ અને મેનાને બોલતાં શીખવી જાણવાં તે શુકસારિકાપ્રલાપનકળા (45) મંત્રો વગેરેથી કોઈનાં જડમૂળ કાઢી નાખવાં તે ઉત્સાદનકળા (46) વાળ ઓળી જાણવા તે કેશમાર્જનકૌશલકળા (47) કરપલ્લવી ભાષા જાણવી કે અક્ષરમુષ્ટિકાકથનકળા (48) બગડેલી ભાષા બોલવી, જેમ કે કાતર કહેવું હોય તો ચકા ચત ચર બોલવું. આવી ખરાબ ભાષા ઘણા લોકો પોતાનું કહેવું બીજાને ન સમજવા દેવું હોય ત્યારે પરસ્પર બોલે છે અને તે કુતર્કની રીત જાણવી તે મ્લેચ્છિત કુતર્કવિકલ્પનકળા (49) જુદા જુદા દેશોની ભાષા જાણવી તે દેશભાષાજ્ઞાનકળા (5) પુષ્પોનાં ગાડાં-વિમાનો વગેરે બનાવી જાણવાં તે પુષ્પશકટિકાનિર્મિતજ્ઞાનકળા (51) જાતજાતનાં યંત્રો બનાવી જાણવાં અને અષ્ટાવધાન યંત્રમાતૃકા તથા ધારણમાતૃકાકળા (52) ગમે તે હીરા વગેરેના પણ બે ટુકડા કરી જાણવા તે સંપાદ્યકળા (53) ગમે તેના મનની વાત જાણી લેવી તે માનસિકાવ્યક્રિયાકળા (54) શબ્દકોશ બનાવી જાણવા તે અભિધાનકોશકળા (55) જુદા જુદા છંદો બનાવી જાણવા તે છંદોજ્ઞાનકળા (56) અનેક જાતની ક્રિયાઓ કરી જાણવી તે ક્રિયાવિકલ્પકળા (57) ગમે તેને પણ છેતરી કાઢવા તે ચાલિતયોગકળા (58) હર કોઈ જાતના વસ્ત્રને તેનાથી જુદી જાતનું બનાવી આપવું તે વસ્ત્રગોપનકળા (59) જુગાર ખેલી જાણવો તે દ્યુતવિશેષકળા (60) સોગઠાંઓની રમત રમી જાણવી તે આકર્ષક્રીડાકળા (61) બાળકોની રમતો રમી જાણવી તે બાલક્રીડનકળા (62) વિનય રાખી જાણવો તે વૈનયિકીકળા (63) વિજય કેવી રીતે મેળવાય તે જાણવું તે વૈજયિકીકળા અને (64) કોઈની સ્તુતિ કેવી રીતે કરવી તથા કસરત વગેરે કેમ થાય તે વૈતલિકીકળા.
પૌરાણિક કન્યાઓ આ ચોસઠ કળા સિવાયની કેટલીક વિદ્યાઓ પણ જાણતી હતી. ઉપરાંત શાસ્ત્રોનું જ્ઞાન પણ ધરાવતી. અને જરૂર પડ્યે એ જ્ઞાનથી સખીઓને લાભાન્વિત કરતી. પદ્મપુરાણની સુકલાએ પતિવ્રતા અને સ્ત્રીધર્મ વિશે પોતાની સખીઓને જ્ઞાન આપ્યું હતું. સુકલાએ સખીઓને કહ્યું હતું કે, જે સ્ત્રી પોતાના પતિથી અલગ થઈ હોય અને હંમેશાં એકલી જ રહે છે તે સ્ત્રી પાપણી છે. એવી સ્ત્રીને સજ્જનો માન્ય ગણતા નથી. સ્ત્રીઓએ હંમેશાં પતિની સાથે રહેવું એમ વેદોમાં કહ્યું છે. સ્ત્રીને તેના પતિ સાથેનો સંબંધ પુણ્યના સંસર્ગથી થાય છે એમાં સંશય નથી. સ્ત્રીઓને તો તેમનો પતિ એ જ સર્વકાળ માટેનું તીર્થ છે એમ શાસ્ત્રોમાં કહેવાય છે. એ જ કારણે સ્ત્રીએ પોતાના પતિમાં જ હંમેશાં મન, વચન તથા કર્મથી રહેવું તેમ જ સાચા ભાવથી તત્પર થઈને સ્ત્રીએ પોતાના પતિનું જ મન, વચન તથા કર્મથી પૂજન કરવું જોઈએ. પતિવ્રતા સ્ત્રીને પોતાના પતિનું જમણું અંગ એ મોટું તીર્થ છે. એથી સ્ત્રીએ પોતાના ઘરમાં રહી તે પતિનો જ આશ્રય કરી વર્તવું જોઈએ. એમ જે સ્ત્રી પતિને સેવે છે તેને દાન કરવાનું જે ફળ મળવું જોઈએ તે પ્રાપ્ત થાય છે. તે ફળ કાશીમાં, ગંગામાં અને પુષ્કર ક્ષેત્રમાં સ્નાન તથા દાન કરવાથી પણ મેળવી શકાતું નથી. પતિસેવાનું જે ફળ છે તેનું ફળ કાશી જેવા ક્ષેત્રમાં સ્નાનાદિથી મળતું નથી. માટે સ્ત્રી માટે પતિ સેવા જ સર્વોત્કૃષ્ટ ફળદાયી છે.’
પતિને સેવ્યા કરતી ઉત્તમ વર્ણવાળી સ્ત્રી સુંદર મુખવાળા પુત્રને, સૌભાગ્યને, આભૂષણ, વસ્ત્રો – અલંકારોયુક્ત સૌભાગ્ય, રૂપ, તેજ, યશ, કીર્તિ તથા ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે. સ્ત્રી પતિની કૃપાથી બધું મેળવે છે એમાં સંશય નથી. જે સ્ત્રી પોતાનો પતિ હયાત હોય છતાં વ્રત-ઉપવાસ આદિ કરે છે તેનું એ ધર્મસેવન નિષ્ફળ થાય છે. એ પ્રમાણે પતિસેવા છોડી બીજા ધર્મ કરનારી એ સ્ત્રી વ્યભિચારિણી કહેવાય છે. આ ધરતી પર સ્ત્રીઓનું યૌવન, રૂપ તથા અવતાર કે જન્મ એ કેવળ તેના પતિ માટે ઉપયોગી છે. આ સંસારમાં જે સ્ત્રી ઉપર તેનો પતિ સંતુષ્ટ થાય છે તે ઉત્તમ પુત્રવાળી તથા ઉત્તમ યશવાળી થાય છે. તેવી પતિવ્રતા દર્શન કરવા યોગ્ય છે, પણ જે સ્ત્રી પતિથી રહિત હોય તે દર્શનને યોગ્ય હોતી નથી. એવી સ્ત્રીને સુખ, રૂપ, યશ, કીર્તિ તથા પુત્રો ક્યાંથી પ્રાપ્ત થાય? ન જ થાય. એવી પતિરહિત સ્ત્રી સંસારમાં મોટું દુઃખ ભોગવે છે.
જે સ્ત્રી પર તેનો પતિ પ્રસન્ન થયો હોય તેના પર સર્વ દેવતાઓ પ્રસન્ન થાય છે. જે સ્ત્રી પર તેનો પતિ સંતુષ્ટ રહેતો હોય તેના પર ઋષિઓ, દેવો તથા મનુષ્યો સંતુષ્ટ રહે છે. એ જ કારણે સ્ત્રીઓના સંબંધમાં તેમનો પતિ જ તેમનો નાથ, ગુરુ તથા સર્વદેવો સહિત ઇષ્ટદેવ છે. સ્ત્રીઓ માટે પતિ જ શણગાર તથા આભૂષણ છે. રૂપ, રંગ અને ઉત્તમ સુગંધ છે. જે સ્ત્રી મહાસુખ ઇચ્છતી હોય તેણે પતિની હયાતીમાં શૃંગાર વિના જ રહેવું જોઈએ, કેમ કે પતિ જ સ્ત્રીનો શૃંગાર છે. શ્રેષ્ઠ ધર્મ છે, એમ શાસ્ત્રોમાં કહ્યું છે. એથી કોઈ પણ સ્ત્રીએ પોતાના સનાતન ધર્મનો ત્યાગ ન જ કરવો જોઈએ.’ સુકલાના આ જ્ઞાન પરથી પુરવાર થાય છે કે તેણે સ્ત્રીધર્મનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. અને એ જ શિક્ષણ તેણે પોતાની સખીઓને પણ આપ્યું.
એ જ રીતે અશ્રુબિંદુમતીની સખી વિશાલાએ યયાતિને જ્ઞાન આપ્યું. યયાતિ અશ્રુબિંદુમતીને પરણવા ઉત્સુક હતો. એ વખતે વિશાલાએ યયાતિને કહ્યુંઃ ‘તમારી એક પત્ની શર્મિષ્ઠા છે અને બીજી દેવયાની છે. તો મારી સખીને વશ કેવી રીતે થશો? તમે આ પૃથ્વી પર ચંદનવૃક્ષ સર્પોથી જ વીંટાયેલું રહે છે તેમ ત્રણ શોકરૂપી સર્પ વડે જ વીંટળાયેલા રહેવાના છો. એરૂપી દોષના કારણે –
વરમગ્નિપ્રવેશશ્વ શિખાગ્રાત પતનં વરમ્
રૂપતેજઃ સમાયુક્તં સપત્નસહિતં પ્રિયમ્
ન પરં તાદશં કાન્તં સપત્નીવિષસંયુતમ્
અર્થાત્ અગ્નિમાં પ્રવેશ કરવો સારો, તેમ જ પહાડની કે વૃક્ષની ટોચ પરથી પડવું એ પણ સારું ગણાય છે,પણ રૂપ તથા તેજથી ભલે યુક્ત હોય, પરંતુ શોકથી યુક્ત એવા પુરુષને પતિ તરીકે સ્વીકારવો યોગ્ય નથી, કેમ કે એવો પતિ શોકરૂપી સર્પના વિષથી યુક્ત હોય છે. આમ સખીના હિત ખાતર વિશાલાએ યયાતિને બોધ આપ્યો.
કુંડલાએ પણ સખી મદાલસાના હિત માટે જ ઋતુધ્વજને બોધવચનો કહ્યાં. માર્કંડેય પુરાણમાં ઋતુધ્વજે મદાલસા સાથે લગ્ન કર્યાં ત્યારે કુંડલાએ પતિધર્મનો ઉપદેશ આપ્યોઃ ‘પતિએ પોતાની પત્નીનું હંમેશાં ભરણપોષણ અને રક્ષણ કરવું જોઈએ, કારણ કે પતિના ધર્મ, અર્થ અને કામના પુરુષાર્થમાં તેની સ્ત્રી સહાયક છે. દેવ, પિતૃ, સેવક અને અતિથિઓનું પૂજન સ્ત્રી વિના પુરુષ કરી શકતો નથી. દંપતી જો સમાન ધર્મથી સાથે રહે તો જ ધર્મનું પાલન થઈ શકે છે.

લેખિકા વરિષ્ઠ પત્રકાર અને સંશોધક તથા ગાંધી શ્રમ સંસ્થાનમાં સમાજવિજ્ઞાન વિભાગમાં પ્રાધ્યાપિકા છે.