

તાજેતરમાં સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં કયા દેશ પાસે કેટલા પ્રમાણમાં પરમાણુ હથિયારો છે તેની યાદી આપવામાં આવી છે. આખી દુનિયામાં જેટલા પ્રમાણમાં પરમાણુ હથિયારો છે, તેના કુલ 92 ટકા પરમાણુ હથિયારો માત્ર બે દેશ પાસે જ છે. આ બે દેશ છેઃ અમેરિકા અને રશિયા. ઉપરોક્ત અહેવાલમાં પાકિસ્તાન, ભારત અને ચીનના પરમાણુ શસ્ત્રોની સંખ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરમાણુ હથિયારોની સંખ્યાની બાબતે ભારત પાકિસ્તાન કરતાં થોડું પાછળ છે. આર્થિક મોરચે સાવ બેહાલ ગણાતા પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારની સંખ્યા 140થી 150 જેટલી છે. જયારે ચીન ભારત અને પાકિસ્તાન કરતાં વધુ સંખ્યામાં પરમાણુ હથિયારો ધરાવે છે. ચીન પાસે આશરે 280 જેટલાં પરમાણુ હથિયારો છે. જયારે ભારત પાસે 130થી 140 જેટલાં પરમાણુ હથિયારો છે. બ્રિટન પાસે 215, ફ્રાંસ પાસે 300, ઈઝરાયેલ પાસે 80 અને નોર્થ કોરિયા પાસે 10 થી 20 પરમાણુ હથિયારો છે.
દુનિયાના પરમાણુ તાકાત ધરાવતા દેશો હવે ધીરે ધીરે પરમાણુ શસ્ત્રોની સંખ્યા ઘટાડી રહ્યા છે, પણ એની સાથે સાથે તેઓ પરમાણુ હથિયારોનું આધુનિકરણ પણ કરી રહ્યા છે. આ બહુજ ચિંતાજનક કામગીરી છે. જેને કારણે વિશ્વની શાંતિ માટે જોખમ ઊભું થવાની સંભાવના છે.