સ્ટેજના કલાકારોએ મુંબઇ અને પુણેમાં મોરચો કાઢી મદદ માગી

 

મુંબઇઃ લોકડાઉનને કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ થવાને કારણે બેરોજગાર બની ગયેલા સ્ટેજના કલાકારોએ ગુરુવારે મુંબઇ અને પુણેમાં મોરચો કાઢી સરકાર પાસે મદદ માગી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો ફરી શરૂ કરવાની મંજૂરી આપવા અનુરોધ કર્યો હતો.

લોકડાઉનમાં નાટકો, ઓરકેસ્ટ્રા, તમાશા, કવ્વાલી અને સ્ટેજ પરના તમામ કાર્યક્રમો બંધ થવાથી હજારો કલાકારો છેલ્લાં પાંચ મહિનાથી કામ વગર અત્યંત વિકટ આર્થિક સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. ઘર-પરિવાર ચલાવવાવનું તેમને માટે દુષ્કર બની ગયું છે. આ સ્થિતિ તરફ સરકારનું ધ્યાન ખેંચવા માટે કલાકારો અને કસબીઓએ મુંબઇ અને પુણેમાં મોરચો કાઢયો હતો જેમાં સેંકડો કલાકારો જોડાયા હતા. સરકાર ફરીથી સાંસ્કૃતિક કાર્યક્રમોની મંજૂરી આપે એવી માગણી સાથે કેટલાય કલાકારોએ ઉપવાસ આંદોલન પણ શરૂ કર્યું છે. આ વખતે જન્માષ્ટમી, ગણેશોત્સવ સહિતના તહેવારો પણ સાદગીથી ઉજવાયા હતા અને કાર્યક્રમો પણ નહોતા યોજાયા. એટલે કલાકારોએ ઘરે બેસવું પડયું  હતું. ફિલ્મના રેકોર્ડિંગ બંધ હોવાથી મોટા વાદકો પાસે પણ કામ નથી રહ્યું. સરકાર સામે આ સ્થિતિ રજૂ  કરવા તેમણે મોરચો કાઢ્યો હતો.