18 હજાર કરોડ રૂપિયાની સ્ટુડન્ટ સ્કોલરશિપ બાબત ગોટાળા કરવામાં આવ્યા હોવાની વાત એક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અખબારમાં પ્રકાશિત થયા પછી વરિષ્ઠ વકીલ એમ એલ શર્માએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની બેન્ચ સમક્ષ એ અંગે રજૂઆત કરી અને બેન્ચ આગામી સપ્તાહમાં કેસની સુનાવણી કરવા સંમત થઈ ગઈ હતી. અનુસૂચિત જાતિના દસમું ધોરણ ઉત્તીર્ણ કર્યા બાદના વિદ્યાર્થીઓને અપાતી સ્કોલરશિપમાં બેસુમાર ગોટાળા કરવામાં આવ્યાની વાત જાહેર થતાં અખબારમાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. અખબારી રિપોર્ટ અને કેગના અહેવાલને આધાર ગણીને વરિષ્ઠ એડવોકેટ એમ એલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરીને આ મામલામાં સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ એવી માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, માત્ર પાંચ રાજ્યોમાં અપાયેલી સ્કોલરશિપ અંગે ઉપરછલ્લી તપાસ કરતાં આટલો મોટો ગોટાળો થયો હોવાની વાત બહાર આવી તો સામાન્ય અને ઓબીસી વર્ગ માટે આપવામાં આવતી આ પ્રકારની સ્ટુડન્ટ સ્કાેલરશિપ અંગે દેશના તમામ રાજ્યોમાં તપાસ કરવામાં આવે તો વધુ મોટો ગોટાળો પકડાવાની સંભાવના નકારી ન શકાય. એડવોકેટ એમ એલ શર્માએ એમની પિટિશનમાં માગણી કરી હતી કે, આ કિસ્સાાની તપાસ સીબીઆઈની દેખરેખ હેઠળ કડક રીતે કરવામાં આવે. ગુનેગારો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને તેમની ધરપકડના આદેશ આપવામાં આવે. તેમણે દાખલ કરેલી પિટિશનમાં એવી રજૂઆત પણ કરી હતી કે, આ મામલો દલિત વર્ગના વિધ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપનો હોવાથી સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્ર્યાલયથી શરૂ કરીને રાજ્યો અને શૈક્ષણિક સંસ્થાનોમાં જવાબદારી સંભાળતા અધિકારીઓની વિરુધ્ધ એસસી- એસટી એકટ સંબંધિત કેસ પણ દાખલ કરવામાં આવવો જોઈએ.