સ્કૂલ ચલે હમ… ધોરણ ૬થી ૮ના છાત્રો શાળામાં ભણશે

અમદાવાદઃ રાજ્યની શાળાઓમાં ધોરણ ૯થી ૧૨ અને કોલેજ શરૂ થયા બાદ હવે ધોરણ-૬ થી ૮ ના વર્ગોમાં આગામી તા. ર સપ્ટેમ્બર ગુરુવારથી વર્ગખંડ શિક્ષણકાર્ય-ભૌતિક રૂપે શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રાસિંહ ચુડાસમા કરી હતી. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભમાં વિશદ ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકારે ધો-૬ થી ૮ના વર્ગખંડો ૫૦ ટકા ક્ષમતા સાથે શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મહત્ત્વનું છે કે, રાજ્ય મંત્રીમંડળના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં ધો-૬ થી ૮ના વર્ગો ધરાવતી ર૦ હજારથી વધુ સરકારી શાળાઓ અને ૧૦ હજાર કરતા વધારે સ્વનિર્ભર શાળાઓ મળીને કુલ ૩૦ હજારથી વધુ શાળાઓના ૩ર લાખ જેટલા બાળકોનું વર્ગખંડ શિક્ષણકાર્ય શરૂ થશે. 

શિક્ષણમંત્રીએ  વધુ વિગતો આપતાં કહ્યું કે, વિદ્યાર્થીઓનું ભાવિ બગડે નહિ સાથોસાથ કોઇ વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત પણ ન થાય તેની સંપૂર્ણ તકેદારી સાથે રાજ્ય સરકારે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનો નિર્ણયો કર્યો છે. રાજ્યભરમાં હવે કોરોના કેસોનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટી રહ્યું છે તેને ધ્યાનમાં લઇને ધો-૬ થી ૮ ના વર્ગખંડોમાં શિક્ષણકાર્ય શરૂ કરવાનું રાજ્ય મંત્રીમંડળે નક્કી કર્યુ છે.  શિક્ષણમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ધોરણ-૬ થી ૮ ના આ વર્ગો વિદ્યાર્થીની સંખ્યાના પ૦ ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરાશે. એટલું જ નહિ, શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીએ પોતાના વાલીનો સંમતિપત્ર પણ લાવવાનો રહેશે, જે વાલી સંમતિ આપે તે જ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ આપવાનું રહેશે. ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. તેમણે એમ પણ ઉમેર્યુ કે, હાલ રાજ્યમાં શાળાઓમાં ધો-૯ થી ૧ર ના વર્ગોમાં શિક્ષણકાર્ય ચાલે છે તે માટેની જે  નિયમો અને કોરોના સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા અમલી છે તેનું ચુસ્ત પાલન ધો-૬ થી ૮ના વર્ગખંડોના વિદ્યાર્થીઓ માટે પણ શાળાઓએ સુનિશ્ચિતપણે કરવાનું રહેશે તેવી સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. શાળાઓમાં વર્ગખંડોમાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય, શિક્ષકો-સ્ટાફ અને વિદ્યાર્થીઓ માસ્ક અવશ્ય પહેરે તેની પણ તકેદારી રાખવાની તાકિદ પણ કરવામાં આવી છે તેમ શિક્ષણમંત્રીએ ઉમેર્યુ હતું. અહીં નોંધવું ઘટે કે, ગુજરાતમાં કોરોના મહામારીને કારણે સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જાન્યુઆરી બાદ કોરોનાના કેસો નિયંત્રિત થતાં સરકારે ફરીવાર સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી હતી. 

રાજ્યમાં ધોરણ ૬થી ૮ના વર્ગો ગત ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના   શરૂ કરવામાં આવ્યા હતા. એ સમયે બાળકોને માસ્ક, સેનિટાઈઝર, ઓક્સિમીટર, થર્મલ ગન દ્વારા ચાકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. એ સમયે ૪૦ની કેપેસિટીવાળા ક્લાસમાં ૧૦ જ બાળકને બેસાડવામાં આવ્યાં હતાં, પરંતુ માર્ચ મહિના બાદ કોરોનાની બીજી લહેર શરૂ થતાં ફરીવાર સ્કૂલો બંધ કરવી પડી હતી. દરમિયાન કોરોનાની હજુ ત્રીજી લહેરની આશંકાઓ સેવાઇ રહી છે.ત્યારે શાળાના વર્ગો શરૂ કરવા મામલે સરકારે કેટલીક ગાઇડલાઇન પણ જાહેર કરી છે. જેમાં પચાસ ટકાની સંખ્યા સાથે શાળાના વર્ગો શરૂ કરવામાં આવશે. આ સાથે શાળામાં કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું પણ અનિવાર્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here