સૌરાષ્ટ્રમાં મેઘમહેર, ગીર સોમનાથમાં મેઘકહેરઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદી આફત

(ડાબે) ગીર સોમનાથ જિલ્લાના ઊના શહેરમાં ભારે વરસાદના કારણે ઊના-વેરાવળ હાઈવે પર ભરાયેલાં પાણીમાંથી પસાર થતા નાગરિકો. (ફોટોસૌજન્યઃ પીટીઆઇ) (જમણે) સુરતમાં સોમવારે પડેલા ભારે વરસાદથી ચારેબાજુ પાણી ભરાઈ ગયાં હતાં. (ફોટોસૌજન્યઃ ઇન્ડિયાટીવીન્યુઝ)

રાજકોટ-નવસારીઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા અનરાધાર વરસાદના કારણે મેઘમહેરના બદલે મેઘકહેર સર્જાર્યો છે અને વરસાદી આફત આવી છે. ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડમાં વરસાદ યથાવત્ છે. સૌરાષ્ટ્રના કાંઠાવિસ્તારના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં વરસાદથી પૂરની સર્જાયેલી પરિસ્થિતિમાં બુધવારે પણ અસરગ્રસ્ત જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહ્યો છે. રાહત અને બચાવકામગીરીમાં સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ, અન્ય એજન્સીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. એક જ સપ્તાહમાં 20 ટકાથી વધારે વરસાદ પડતાં ગુજરાતમાં પીવાના પાણીની તંગી હળવી થઈ છે. 100થી વધુ ડેમોમાં 70થી 100 ટકા પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની જળસપાટી 111 થઈ છે. સરકારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાની જાહેરાત કરી છે. 100થી વધુ ગામોમાં વીજપુરવઠો આપવાની કામગીરી ચાલી રહી છે. પૂર અને પાણીથી ધોવાયેલા ધોરીમાર્ગ, નેશનલ હાઇવેને રિપેર કરવાની કામગીરી પણ થઈ રહી છે. સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, જામનગરમાં રાહત અનેબચાવકામગીરી ચાલુ છે. અસરગ્રસ્તોને ફૂડપેકેટ પહોંચાડવા સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. ભારે વરસાદથી હજી અડધુ ંસૌરાષ્ટ્ર જળબંબાકાર છે. ઊના તાલુકાના રાજપરા ગામમાં ઘરો પાણીમાં ડૂબી ગયાં છે અને માર્ગો પર નદીઓ વહેતી હોય તેવો માહોલ છે. ઊના અને ગીરગઢડા પંથકમાં 24 કલાકમાં 16થી 20 ઇંચ વરસાદ પડ્યો છે. ખંભાળિયામાં 16.5, કોડીનાર, માણાવદર-ડોળાસામાં 13 ઇંચ વરસાદ પડ્યો છે. માધવપુર ઘેડમાં 10, માંગરોળમાં આઠ, માળિયામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. વેરાવળ, તાલાલા, કોડીનાર, મેંદરડામાં વધુ છ ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 13 જળાશયો હાઇએલર્ટ પર છે, 4020 નાગરિકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. કોડીનારનાં 15 ગામોમાં પાણી ફરી વળ્યાં છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here