સૌરાષ્ટ્રમાં પાંચ જીઆઇડીસી માટે જમીન ફાળવવામાં આવી

ગાંધીનગરઃ યુવાનોને રોજગારી પૂરી પાડવા રાજ્યમાં નવ નવી ઔદ્યોગિક વસાહતોનું નિર્માણ કરવા માટે રાજ્ય સરકારે 1050.30 હેક્ટર જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છ, જેમાંથી સૌરાષ્ટ્રમાં પાંચ જીઆઇડીસી માટે જમીન ફાળવાઈ છે. આ પાંચમાંથી એક રાજકોટ, એક સુરેન્દ્રનગર, એક મોરબી અને બે જીઆઇડીસી ભાવનગર નજીક બનાવવામાં આવશે.
આ અંગે માહિતી આપતાં મહેસૂલમંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોને ઘરઆંગણે રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. ઉદ્યોગકારોને જરૂરિયાત મુજબનું માનવબળ મળી રહે તે માટે રાજ્યમાં નવી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ કાર્યરત કરવામાં આવી છે. રાજ્યમાં ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનેકવિધ આયોજનો કર્યાં છે, જેના પરિણામરૂપ ઉપલબ્ધ રોજગારીના કારણે ગુજરાત દેશભરમાં રોજગારી પૂરી પાડવામાં મોખરે રહ્યું છે. આજે આ નવી નવ જીઆઇડીસીઓના કારણે વધુ રોજગારી ઉપલબ્ધ બનશે. સાથે સાથે લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પાટણ જિલ્લાના વાગોસણામાં નિર્માણ થનારી જીઆઇડીસી માટે 51.46 હેક્ટર, મહેસાણાના ઐઠોર માટે 47 હેક્ટર, આણંદ જિલ્લાના ઇન્દ્રજણ માટે 40.19 હેક્ટર, રાજકોટ જિલ્લાના ખીરસરા માટે 93.63 હેક્ટર, મોરબી જિલ્લાના છત્તર માટે 24.69 હેક્ટર, સુરેન્દ્રનગર જિલ્લાના વણોદ માટે 371.60 હેમર ભાવનગર જિલ્લાના નવા માઢિયા માટે 300 હેક્ટર તથા નારી માટે 115.25 હેક્ટર અને ગાંધીનગર જિલ્લાના ભાટમાં નિર્માણ થનારી જીઆઇડીસી માટે જમીન ફાળવવાનો નિર્ણય કર્યો છે.
આ ફાળવવામાં આવનારી જમીનમાં 70 ટકા જમીન બજારકિંમતના 50 ટકા ભાવે તથા બાકીની 30 ટકા જમીન વર્તમાન બજારકિંમત અનુસાર જીઆઇડીસીને આપવામાં આવશે. જીઆઇડીસી દ્વારા નાના ઉદ્યોગકારોને નક્કી કરેલી કિંમતના 50 ટકા ભાવે પ્લોટ ફાળવવામાં આવશે. રાજ્ય સરકારના આ પગલાથી જિલ્લાનો વિકાસ થશે અને સાથે સાથે અનેક લોકોને રોજગારી પણ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here