સૌપ્રથમવાર વિશ્વ ગુજરાતી પરિષદની ગ્લોબલ ઓનલાઇન મીટ

 

અમદાવાદઃ વિશ્વ ગુજરાતી સમાજનાં નવનિયુક્ત પ્રમુખ સી. કે. પટેલની અધ્યક્ષતાાં ગયા અઠવાડિયે સૌપ્રથમ વખત યોેજાયેલ ઓનલાઇન મીટને ભારે પ્રતિસાદ સાંપડ્યો હતો. જેમાં વિશ્વનાં અનેક નામાંકિત ગુજરાતી પ્રતિભાઓએ વક્તવ્યો આપ્યા હતાં.

છેલ્લાં ૨૮ વર્ષથી વિશ્વ ગુજરાતી સમાજે વિશ્વભરમાં વસતા ગુજરાતીઓનાં હિતને સાંકળવા મહત્ત્વની કામગીરી કરી છે. વિશ્વ ગુજરાતી સમાજમાં લાંબા સમય સુધી પ્રમુખ તરીકે સેવાઓ આપીને જાણીતા ધારાશાસ્ત્રી કૃષ્ણકાંત વખારીઆએ નિવૃત્તિ જાહેર કરી હતી. બાદમાં અમેરિકાસ્થિત હોટેલીયર અને સમાજસેવી સી. કે. પટેલ બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ વિશ્વવ્યાપી કોરોના મહામારીને લીધે દુનિયાભરનાં આર્થિક – સામાજિક રાજકીય કાર્યોમાં રૂકાવટ આવી હતી. આ સંજોગોમાં વિશ્વ ગુજરાતી સમાજ વતી સી. કે. પટેલે અનેક મહત્ત્વની કામગીરીમાં જોડાયા હતાં. જેમાં દુનિયાનાં અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયો, ખાસ કરીને વિદ્યાર્થીઓને પરત ભારત લાવવા સક્રિય કામગીરી કરી હતી. આ ઉપરાંત ઘેર બેઠાં વિશ્વ ગુજરાતી સમાજ સાથે લોકો જોડાઈ રહે તે માટે ઓનલાઇન મીટીંગો ગોઠવી હતી. જેમાં વિશ્વની મહત્ત્વની ગુજરાતી પ્રતિભાઓને ઓનલાઇન મીટીંગ દ્વારા એક સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં સી. કે. પટેલ, ગઝલ ગાયક મનહર ઉધાસ, યોગેશભાઈ મહેતા (દુબાઈ), રાહુલ શુક્લા (અમેરિકા), મેહુલભાઈ સવાણી (કેન્યા), નરેશકુમાર ચાવડા (કેનેડા), પરીન સોમાણી (યુ.કે.), પ્રકાશભાઈ વરમોરા (મોરબી) જેવાં જાણીતા ગુજરાતીઓએ વિવિધ વિષયો પર વક્તવ્યો આપ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આંતરરાષ્ટ્રીય હાસ્યકલાકાર, લેખક અને સમાજ સેવક ડો. જગદીશ ત્રિવેદીએ કર્યું હતું.

સૌ પહેલી વાર યોજાયેલ ઓનલાઇન આંતરરાષ્ટ્રિય પરિસંવાદમાં ૨૦૦ જેટલા વિશ્વભરનાં ગુજરાતીઓ જોડાયા હતાં અને ફેસબુક લાઇવ પર ૨૮,૦૦૦થી પણ વધુ લોકોએ આ સફળ કાર્યક્રમનો લાભ લીધો હતો.