સૌથી વધુ કમાણી કરતી સેલિબ્રિટીઝમાં અક્ષય કુમાર-સલમાન ખાન

દુનિયાની સૌથી વધુ કમાણી કરતી ટોચની 100 સેલિબ્રિટીઝની યાદીમાં અક્ષય કુમાર અને સલમાન ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લખનીય છે કે શાહરુખ ખાન આ યાદીમાં દર વર્ષે હોય છે, પણ આ વખતે તેને સ્થાન મળ્યું નથી. આ વર્ષે દુનિયાની સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટીઝમાં અમેરિકન બોક્સર ફલોઇડ મેવેધર છે. અક્ષય કુમાર ફોર્બ્સ સામયિકની આ યાદીમાં 76મા સ્થાને છે, જ્યારે સલમાન ખાન 82મા સ્થાને છે.

28.50 કરોડ ડોલરની કમાણી સાથે આ યાદીમાં મેવેધર પ્રથમ છે. 2017માં શાહરુખ ખાન 38 લાખ ડોલરની કમાણી સાથે આ યાદીમાં 65મા સ્થાને હતો, પણ આ વખતે તેનો સમાવેશ થયો નથી. આ યાદીમાં એક્ટર ક્યોર્જ ક્લુની બીજા સ્થાને છે. રિયલિટી ટીવીસ્ટાર અને બિઝનેસપર્સન કાયલી જેનર ત્રીજા સ્થાને છે. ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, પોપસ્ટાર કેટી પેરી, ટેનિસ આઇકન રોજર ફેડરર, સિંગર બિયોન્સ પણ આ યાદીમાં સ્થાન મેળવવામાં સફળ થયાં છે. સૌથી વધુ કમાણી કરતી આ 100 સેલ્બ્રિટીઝની કુલ કમાણી 12 માસમાં 6.3 અબજ ડોલર થઈ છે.
ફોર્બ્સના જણાવ્યા મુજબ અક્ષય કુમારે આ વર્ષે 4.05 કરોડ ડોલર (3.07 અબજ રૂપિયા)ની કમાણી કરી હતી. ટોઇલેટ એક પ્રેમકથા, પેડમેન જેવી સુપરહિટ ફિલ્મો આપનારા અક્ષય કુમારે 20 બ્રાન્ડનો પ્રચાર કર્યો હતો અને તેની કમાણી બમણી થઈ ગઈ હતી. જ્યારે બોલીવુડના સુપરસ્ટાર મનાતા સલમાન ખાને પણ આ વર્ષે 3.77 કરોડ ડોલર (2.57 અબજ રૂપિયાની કમાણી કરી
હતી.