સોલ્ટ લેક સીટીમાં જગદીશ ત્રિવેદીના કાર્યક્રમમાં સોળ લાખના દાનની સરવાણી

અમેરિકાના શહેર સોલ્ટ લેક સીટી ખાતે ૧૫મી ઓગષ્ટના દિવસે જગદીશ ત્રિવેદીનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો.
૧૯૮૦માં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કીડનીનો વિભાગ ચાલુ કરાવનાર તથા રાજકોટમાં શ્રી બી. ટી. સવાણી કીડની હોસ્પિટલ શરૂ કરી. સૌરાષ્ટ્ર અને કચ્છના કીડનીના દર્દીઓ માટે બહું મૂલ્યવાન સેવા કરનાર સેવાભાવી તબીબ ડો. પ્રદીપભાઈ કણસાગરાનો પણ ૧૫ ઓગષ્ટના દિવસે જન્મદિવસ હોવાથી અમેરિ્કામાં રહેતા કણસાગરા પરિવારે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ડો. પ્રદીપ કણસાગરા અને ડો. જગદીશ ત્રિવેદી વચ્ચે એક સામ્ય એવું છે કે બન્ને વ્યક્તિએ પોતાના જીવનનાં પચાસ વર્ષ પુરા કરીને ધીકતી કમાણીનો ત્યાગ કરી શેષ જીવન સમાજસેવા માટે સમર્પિત કરેલ છે.
આ કાર્યક્રમમાં ડો. દિનેશ પટેલ તરફથી દસ લાખ રુપિયા, ડો. પ્રદીપ કણસાગરા તરફથી બે લાખ રુપિયા તથા મુળજીભાઈ ચૌધરી, જે.બી.સિંઘ, બિપીનભાઈ શાહ અને એક અનામી દાતા તરફથી એક-એક લાખ મળીને કુલ સોળ લાખ રુપિયાનું માતબર દાન ગુજરાતની ચાર સેવાભાવી સંસ્થાઓમાં રવાના કરેલ હતું.
જેમાં વડોદરા પાસે આવેલા મોટા ફોફળીયા ગામની શ્રી છોટુભાઈ પટેલ હોસ્પિટલને દસ લાખ , રાજકોટની બી.ટી.સવાણી કીડની હોસ્પિટલને બે લાખ, શ્રી અણદાબાવા નેત્ર ચિકિત્સાલય – જામનગરને બે લાખ અને શ્રી વનબંધુ આરોગ્યધામ- આહવા, ડાંગને બે લાખ રુપિયા મળીને કુલ સોળ લાખ રુપિયાનું દાન રવાના કરેલ હતું. આમ વતનથી દૂર રહેલા ગુજરાતીઓએ હાસ્ય સાથે દેશભક્તિની વાતો સાંભળી વતન માટે સોળ લાખની સેવા કરી અને છેલ્લે રાષ્ટ્રગીતના ગાન સાથે સૌ છુટા પડ્યા હતા.