સોમવારથી અનેક જિલ્લાઓમાં લોકડાઉનમાં રાહત ત્રીજી પછી કેટલીક છુટછાટો સાથે લોકડાઉન લંબાવાશે

 

નવી દિલ્હીઃ લોકડાઉનનો ત્રીજો તબક્કો ત્રીજી મેના રોજ પૂરો થઇ રહ્યો છે તે ચાલુ રાખવું કે સમાપ્ત કરવું એ અંગેનો આધાર રાજયોના રિપોર્ટ પર કેન્દ્ર સરકારે નિર્ણય લેવાનો છે. આ દરમ્યાન ગૃહ મંત્રાલયે એક ટવીટ થકી જણાવ્યું છે કે, ૪ મેથી અનેક જિલ્લાઓમાં છુટછાટ મળશે. આ અંગેની ગાઇડલાઇન એકાદ બે દિવસમાં બહાર પડશે. પ્રતિબંધોને લઇને ગાઇડલાઇન બાદમાં જાહેર કરવામાં આવશે. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તે વિસ્તારોમાં છુટ મળશે જયાં છેલ્લા ર૮ દિવસમાં કોઇ કોરોનાનો કેસ સામે આવ્યો નથી. આ ઉપરાંત ઓરેન્જ ઝોન એટલે કે એવા વિસ્તાર જયાં છેલ્લા ૧૪ દિવસમાં કોરોનાના કોઇ નવા કેસ ન આવ્યા હોય ત્યાં પ્રતિબંધો પર કેટલીક છુટ આપી છે. 

આ ઉપરાંત રેડ ઝોનમાં પણ કેટલીક છુટ મળી શકે છે, પરંતુ એવા સંકેત મળી રહ્યા છે કે હોટસ્પોટ ઝોનમાં હાલ કોઇ છુટ નહીં આપવામાં આવે. ગૃહ મંત્રાલય મુજબ, બુધવારે લોકડાઉનને લઇ રિવ્યૂ મીટીંગ થઇ. ગૃહ મંત્રાલય તરફથી ટવિટ કરતા કહેવામાં આવ્યું છે કે દેશને લોકડાઉનથી ઘણો ફાયદો મળ્યો છે અને હાલત ઝડપથી સુધરી રહી છે. સાથોસાથ એવું પણ કહેવામાં આવ્યું છે કે લોકડાઉનનો ફાયદો હાથથી સરકી ન જાય તેથી આપણે ૩ મે સુધી તેનું સખ્તાઇથી પાલન કરવું પડશે. ગૃહ મંત્રાલયે બુધવારે સાંજે એક બેઠક યોજી હતી. જેમાં સ્થિતિની સમીક્ષા પણ થઇ હતી તે પછી પ્રવકતાએ કહ્યું હતું કે લોકડાઉનનો ઘણો ફાયદો થયો છે અને સ્થિતિ સુધરી છે આ લાભ ચાલુ રહે તેથી ૩ મે સુધી કડક નજર રખાશે. નવા દિશા-નિર્દેશ ૪ મેથી લાગુ થશે. જેમાં ઘણા જીલ્લાઓને રાહત મળશે. જો કે જે વિસ્તારો હોટસ્પોટ છે ત્યાં લોકડાઉન લંબાશે એ નક્કી છે. ગૃહ મંત્રાલયે ૪ મેથી નવી લાઇડલાઇન્સ લાગુ પડશે તે જણાવી સ્પષ્ટ કરી દીધું છે કે ૩જી મે પછી પણ લોકડાઉનમાં સંપૂર્ણ છુટ નહિ મળે કેટલીક રાહતો સાથે તે લંબાવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા ૩૧,૭૮૭ થઇ ગઇ છે. દેશમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ૧૮૧૩ મામલા સામે આવ્યા છે અને ૭૧ લોકોના મોત થયા છે. તો, દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૧૦૦૮ લોકોના મોત થઇ ચૂકયા છે. જો કે રાહતની વાત એ છે કે ૭૭૯૭ દર્દીઓ આ બીમારીને હરાવવામાં સફળ પણ થયા છે. દેશના કુલ ૭૩૯ જિલ્લામાંથી ૩૦૦ જિલ્લા એવા છે, જયાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તે ઉપરાંત ૩૦૦ અન્ય એવા પણ જિલ્લા છે. જયાં કોરોના વાઇરસ સંક્રમણના ઘણા જ ઓછા કેસ છે. દેશમાં ૧ર૯ જિલ્લા એવા છે, જયાં કોરોનાના હોટસ્પોટસ છે.

દેશમાં થનાર મોતોમાં ૬૫ ટકા મેલ અને ૩૫ ટકા ફિમેલ, ૧૧ દિવસમાં ડબલ થઇ રહ્યા છે કેસ

કોરોના વાઇરસ અને લોકડાઉન વચ્ચે કેન્દ્ર સરકારે વિદ્યાર્થી, મજૂરો, પર્યટકો અને તીર્થયાત્રીઓ જેવા લોકોને પોતપોતાના રાજ્યોમાં જવાની છૂટ આપવામાં આવી છે પરંતુ તેના માટે રાજ્યોએ કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. ગૃહ મંત્રાલયની સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે આ જાણાકરી આપી છે.

રાજ્યોને તેના માટે એક નોડલ ઓફિસર નિયુક્ત કરવા પડશે અને રાજ્ય એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. પોત-પોતાના રાજ્યોમાં પરત લઇ જનાર લોકોની સિ્ક્રનિંગ કરવું પડશે અને તે બસો દ્વારા રોડ માર્ગથી જશે. તેના માટે દરેક રાજ્યને બીજા રાજ્ય પાસેથી પરસ્પરમાં સહયોગ કરવા માટે કહ્યું છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે દેશમાં ના ફક્ત ડબલિંગ રેટ વધી રહ્યો છે પરંતુ રિકવરી રેટમાં પણ સુધારો થયો છે. દેશમાં મોતની ટકાવારી ૩.૨ ટકા છે, જેમાં ૬૫ ટકા મેલ છે જ્યારે ૩૫ ટકા ફીમેલ છે. હવે કેસ ૧૧ દિવસમાં ડબલ થઇ રહ્યા છે. જેટલા પણ મોત થયા છે તેમાંથી ૭૮ ટકા કેસમાં પહેલાંથી જ દર્દીને કોઇ બિમારી ન હતી. તો બીજી તરફ રાજ્યોના ડબલિંગ રેટ કેન્દ્રની અપેક્ષાએ સારા છે. અહીં ડબલિંગ રેટ ૧૧થી ૨૦ દિવસ વચ્ચે ચાલી રહ્યો છે.