સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિમણૂંક

વેરાવળ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસના ગુજરાત પ્રવાસના પહેલા દિવસે ગબ્બર ખાતે માતા અંબાના દર્શન કર્યા હતા ત્યારબાદ મહેસાણાના ખેરાલુમાં જનસભા સંબોધી હતી. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ ટ્રસ્ટ-પ્રભાસ પાટણની ૧૨૨મી બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં ટ્રસ્ટી મંડળે વડા પ્રધાન મોદીની વધુ પાંચ વર્ષ માટે ફરીથી અધ્યક્ષપદે વરણી કરી હતી.
ગાંધીનગરમાં રાજભવનમાં યોજાયેલી આ બેઠક દોઢ કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ બેઠકમાં દરમિયાન ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘રામ નામ મંત્ર લેખન’ મહાયજ્ઞ પુસ્તિકામાં વડા પ્રધાને સૌથી પહેલા રામ નામ લખીને આ મહાયજ્ઞ આરંભ કરાવ્યો હતો.
આગામી વર્ષે આયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા રામ નામ મંત્ર લેખન મહાયજ્ઞ પુસ્તિકા અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને મહાયજ્ઞમાં જોડાવા અપીલ કરી હતી. સોમનાથ મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યા, ઓનલાઈન બુકિંગ, પૂજાવિધિ સહિતની વ્યવસ્થાઓની જાણકારી માટે ડેશબોર્ડનું લોકાર્પણ પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલા રોજગારી, પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ અને સેવાકીય પ્રવૃત્તિઓનો વૃતાંત પણ ટ્રસ્ટી મંડળે રજૂ કર્યો હતો. આ બેઠકમાં વર્ષ ૨૦૨૨-૨૩ના હિસાબોને મંજૂર કરાયા હતા.
ટ્રસ્ટે કહ્યું કે અધ્યક્ષ તરીકે નરેન્દ્ર મોદીનો કાર્યકાળ વધુ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટના તત્કાલિન અધ્યક્ષ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના અવસાન પછી જાન્યુઆરી 2021માં મોદીને તેના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
વડા પ્રધાન મોદીએ સોશિયલ મડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, ગાંધીનગરમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી. અમે ટ્રસ્ટની કામગીરીને લગતા વિવિધ પાસાઓની ચર્ચા કરી. તીર્થયાત્રાના અનુભવને વધુ યાદગાર બનાવવા માટે અમે મંદિર સંકુલ માટે કેવી રીતે નવીનતમ તકનીકનો ઉપયોગ કરી શકીએ તેની સમીક્ષા કરી.