સોમનાથના યુવકનો અનોખો સેવાયજ્ઞઃ 1000 વૃદ્ધોને તીર્થયાત્રા કરાવશે

ગીર સોમનાથ: આપણી સંસ્કૃતિમાં અંધ માતાપિતાની ખૂબ સેવા કરનાર, તેમને કાવડમાં બેસાડી યાત્રાધામોના દર્શન કરાવનારા શ્રવણકુમારનું એક આદર્શ દ્રષ્ટાંત છે. ત્યારે રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં આવેલા લોઢવા ગામમાં રહેતા હિતેન્દ્ર જોશી નામના યુવકે અત્યારના આધુનિક યુગના શ્રવણ તરીકે વડીલોની અનોખી રીતે સેવા કરવાનું બીડું ઝડપ્યું છે. હિતેન્દ્ર જોશી 1000 જેટલા વૃદ્ધોને તીર્થયાત્રા કરાવશે. હિતેન્દ્ર જોશીએ તેમના પિતા શિવશંકર વલ્લભજી જોશીની પુણ્યતિથિ નિમિત્તે પોતાના સ્વખર્ચે જ લોઢવા ગામના 1000 લોકોને યાત્રા કરાવવાનો નિર્ધાર કર્યો છે. જેમાં પ્રથમ તબક્કાના 170 યાત્રિકો તેમજ બીજા તબક્કામાં 295 લોકો ગીર સોમનાથથી યાત્રા માટે રવાના થયા છે. તેમજ આ યુવાન હજુ આવનારા સમયમાં આસપાસના 25 થી વધારે ગામના લોકોને હરિદ્વારની યાત્રા કરાવશે. કળિયુગના શ્રવણ બનીને આ અનોખા સેવાયજ્ઞ માટે હિતેન્દ્ર જોશીના ચારેય બાજુથી વખાણ થઇ રહ્યા છે. વહેલી સવારે પ્રથમ તબક્કાની યાત્રા માટે 170 યાત્રિકોને રવાના કરાવતા પહેલા શાસ્ત્રોક્ત પૂજા વિધિનું આયોજન કરાવવામાં આવ્યું હતું, અને તે પછી યાત્રા પ્રસ્થાન કરાવાઇ હતી. વહેલી સવારે જાણે મેળો ભરાયો હોય તે રીતે લોઢવા ગામના લોકો એકઠા થઈ ગયા હતા અને આ યાત્રા સંઘને પ્રસ્થાન કરાવ્યું હતું. પિતાના આત્માની શાંતિ માટે અનોખી પહેલ કરનાર હિતેન્દ્રને સૌકોઇએ બિરદાવ્યો હતો.