સોનુ સૂદઃ બોલીવુડની ફિલ્મોમાં પોતાની આગવી અભિનય શૈલીથી ખલનાયક ( વિલન)ની એક વિશિષ્ટ અભિનય શૈલી સ્થાપિત કરી છે.

0
773

 

સોનૂ સૂદ સુડોળ અને સ્નાયુબધ્ધ શરીર ધરાવતો અભિનયપટુ અભિનેતા છે. આ યુવાન કલાકારે બોલીવુડમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. સોનુ સુદે પરંપરાગત વિલનની ઈમેજને યથાવત રાખીને પોતાની આગવી અભિનય શૈલીથી વિલનની પ્રતિભાને વધુ અસરકારકતા બક્ષી છે.સોનુ કહે છેઃ મેં નઠારા પાત્રોને કંઈક જુદા અંદાજથી રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેને પ્રેક્ષકે તેમજ વિવેચકોએ બિરદાવ્યો હતો. માત્ર બોલીવુડની હિન્દી ફિલ્મો જ નહિ, દક્ષિણ ભારતની તામિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ સોનુએ વિલનના રોલ ભજવીને જબરી લોકપ્રિયતા હાંસલ કરી છે. હિન્દી ફિલમજગતમાં ખલનાયકની એક આગવી પરંપરા છે. પ્રાણ, જીવન, અજિત, કે એન સિંઘથી શરૂ કરીને પ્રેમ ચોપરા, આશુતોષ રાણા કે મનોજ બાજપેયી સુધીના કલાકારોએ વિલનના પાત્રમાં પોતાની પ્રતિભાની પ્રતીતિ કરાવી છે. સદગત વિનોદ ખન્નાને બાદ કરતાં કોઈ ખલનાયક પાસે સોનુ જેવું સિકસ પેક- જિમનેસ્ટીક બોડી નથી. સોહામણું અને સ્ફૂર્તિલું શરીર એ પણ અભિનેતાનો એક ગુણ- વિશેષ (પ્લસ પોઈન્ટ) ગણાય છે. સોનુ સૂદની તાજેતરમાં એક ફિલ્મ રિલિઝ થઈ છે. -શિમ્બા. જેમાં રણવીર સિંઘ અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં રજૂ થયાં છે. આ ફિલ્મે ટિકિટબારી પર નોંધપાત્ર કમાણી કરી છે. સોનુના અભિનયમાં સહજતા અને નવીનતા – બન્નોનો સમન્વય જોવા મળે છે.