સોનાક્ષી સિંહાઃ દબંગ ફ્રેન્ચાઇઝી માટે વધારે લગાવ છે

બોલીવુડની અભિનેત્રી સોનાક્ષી સિંહાએ સન 2010માં દબંગ ફિલ્મથી બોલીવુડમાં શરૂઆત કરી હતી. શરૂઆતમાં સોનાક્ષીની લગભગ બધી ફિલ્મો ધૂમ મચાવતી હતી અને સફળતા મેળવતી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી તેની ફિલ્મોને બોક્સ ઓફિસ પર ધારી સફળતા મળી નથી.
શરૂઆતમાં પોતાની પુષ્ટ કાયા ધરાવતી સોનાક્ષીએ ડાયેટિંગ કરીને એકવડિયો બાંધો બનાવ્યો છે. જોકે સોનાક્ષીએ ક્યારેય કહ્યું નથી કે બોલીવુડની ડિમાન્ડના કારણે પોતે સ્લિમ ફિગર કર્યું છે. સોનાક્ષી નિયમિતપણે પોતાના એકવડિયા બાંધાની તસવીરો સોશિયલ મિડિયામાં મૂકે છે.
સોનાક્ષી પોતાની ફિટનેસ વિશે કહે છે, ફિટ રહેવા માટે હું નિયમિત એક્સરસાઇઝ કરું છું. બધાનું શરીર અલગ અલગ હોય છે, આથી કોઈની સાથે કોઈએ સરખામણી ન કરવી જોઈએ. દરેક વ્યક્તિએ પોતાનામાં રહેલી આંતરિક વસ્તુ બહાર લાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
સોનાક્ષી સિંહાએ અત્યાર સુધી દબંગ ઉપરાંત રાઉડી રાઠોડ, સન ઓફ સરદાર, હોલીડેઃ અ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી, લૂટેરે જેવી ફિલ્મો કરી છે, પણ તેને દબંગ ફ્રેન્ચાઇઝી પ્રત્યે વધારે લગાવ છે. સોનાક્ષી કહે છે કે મારી કેરિયરની શરૂઆત દબંગથી થઈ હતી અને મને ખૂબ જ નામના અપાવી છે. મને જો તેમાં સાવ નાનકડી ભૂમિકા મળશે તો પણ એક પણ સવાલ પૂછ્યા વગર હા કહીશ.
હાલમાં 31 વર્ષની થયેલી સોનાક્ષી સિંહાએ પોતાનો જન્મદિન બહેનપણીઓ સાથે ઊજવ્યો હતો. સોનાક્ષી ક્યારેય પોતાનો બર્થડે ધામધૂમથી ઊજવતી નથી. આ વર્ષે સોનાક્ષી ત્રણ ફિલ્મો કરી રહી છે, જેમાં એક ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. બીજી ફિલ્મ કલંકનું શૂટિંગ ચાલુ છે. કલંકનું શૂટિંગ પૂર્ણ થયા પછી દબંગ-3નું શૂટિંગ શરૂ થશે.