સોનગઢમાં આદિનાથ જિનબિંબ પંચકલ્યાણક મહોત્સવ યોજાયો

ભાવનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભાવનગર જિલ્લાના સોનગઢમાં આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા. સોનગઢ ખાતે આકાર પામેલી ભગવાન બાહુબલીની મૂર્તિને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી મનસુખ ભાઈ માંડવીયા અને રાજ્ય ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીએ નિહાળી હતી અને પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે તેમના ઉદબોધનમાં કહ્યુ હતુ કે જિનશાસનના બધા સિદ્ધાંતોને સંભાળીને આ તીર્થસ્થાન વિકસાવાયું છે, તે બાબત કાનજીસ્વામીને સૌથી મોટી શ્રદ્ધાંજલી છે. આ સમગ્ર પંથકમાં કાનજી સ્વામીના આચરણ અને જ્ઞાનનો અનેક લોકોએ લાભ લીધો છે. તેઓ માત્ર જૈન જ નહીં પરંતુ અનેક જૈનેતર લોકોનાં જીવનમાં પણ પરિવર્તન લાવ્યા છે. પાંચ કલ્યાણના સમૂહરૂપે પંચકલ્યાણક મહોત્સવની ઉજવણી હાલ થઇ રહી છે. તેથી આપણે પણ પંચકલ્યાણકની સમગ્ર પ્રક્રિયાનો મર્મ સમજીએ અને તેમાંથી બોધપાઠ લઇએ.
તેમણે વધુ ઉમેરતા કહ્યુ હતુ કે સ્થાન વિકસાવવા માટે પુરુષાર્થ કરનારા ટ્રસ્ટીઓને હું હૃદયથી સાધુવાદ પાઠવું છું. અહીં માત્ર જૈન નહીં જૈનેતરને પણ આત્માના કલ્યાણનો માર્ગ મળશે અને આ વિસ્તારના સંખ્યાબંધ લોકોના કલ્યાણ માટે આ તીર્થસ્થાન ભૂમિકા નિભાવશે તેવો મને વિશ્વાસ છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, જિલ્લા કલેકટર આર. કે. મહેતા, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, આયોજક ટ્રસ્ટી નિમેષભાઇ શાહ, આણંદજી કલ્યાણજી ટ્રસ્ટના સુધીરભાઈ મહેતા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.